Dakshin Gujarat

‘પિયરથી કંઇ લાવી નથી’ કહીને ગુંદલાવમાં પરિણીતાને સાસરીયાઓએ આપી સળગાવી દેવાની ધમકી

વલસાડ : 21મી સદીમાં જ્યારે સ્ત્રીઓને પુરુષ સમોવડી બનાવવાની વાતો થઈ રહી છે ત્યારે આજે પણ સમાજમાં દહેજ માટે સ્ત્રીઓ પર અત્યાચારના કિસ્સા બની રહ્યાં છે. આવો જ એક બનાવ વલસાડના ગુંદલાવમાં બન્યો છે. અહીં એક પરિણીતાને દહેજ માટે સળગાવી દેવાની ધમકી સાસરીયાઓએ આપી છે.

વલસાડના (Valsad) ઔદ્યોગિક વિસ્તાર ગુંદલાવમાં (Gundlav) રહેતી એક યુપીવાસી (UP) પરિવારની પરિણીતાને તેના સાસરિયાઓ દ્વારા છેલ્લા કેટલાક સમયથી દહેજના (Dowry) મુદ્દે ત્રાસ અપાતો હતો. દહેજનો આ મુદ્દો ગત મહિનેથી વધ્યો હતો અને પરિણીતાને માર મારી તેને સળગાવી દેવાની ધમકી (Threaten) અપાતા આ મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે સાસરિયાઓ સામે ગુનો દાખલ કર્યો છે.

  • પરિણીતાને સાસુ, સસરા, દિયર અને બે નણંદ ટોણાં મારતા
  • પોલીસે પરિવાર વચ્ચે સમાધાન કરાવ્યું છતાં સાસરિયાઓએ ત્રાસ ચાલુ રાખ્યો
  • ગુંદલાવમાં રહેતી યુપીના પરિવારની પરિણીતાએ સાસરિયાઓ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરી

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ વલસાડના ગુંદલાવમાં રહેતા યોગેશ મિઠાઇલાલ મૌર્યના લગ્ન ગત 3 મે 2022 ના રોજ યુપીના જોનપુરની પ્રતિભા સાથે થયા હતા. લગ્ન બાદ પત્ની સાથે તેઓ ગુંદલાવ રહેતા હતા. તેની પત્ની પ્રતિભાના જણાવ્યા મુજબ લગ્ન બાદ થોડો સમય સાસરામાં સારું વર્તન રહ્યું હતું.

જોકે, ત્યારબાદ તેની સાથે સાસરિયાઓનું વર્તન બગડ્યું હતુ. તેને દહેજના મુદ્દે ત્રાસ આપવાનો શરૂ કરાયો હતો. પિયરથી કંઇ લાવી નથી, એવું કહી તેના સાસુ, સસરા, દિયર અને બે નણંદ ટોણાં મારતા હતા. આ અંગે તેણે થોડા સમય અગાઉ પણ પોલીસમાં ફરિયાદ કરી હતી.

જોકે, ત્યારે પોલીસે પરિવાર વચ્ચે સમાધાન કરાવ્યું હતુ. ત્યારબાદ પણ તેના સાસરિયાઓએ આ ત્રાસ ચાલુ રાખ્યો હતો. ગત 17 મી એપ્રિલના રોજ તેના પતિએ ઉશ્કેરાઇ તેને માર મારતા તેણે આ અંગે 181 પર કોલ કરી ફરિયાદ કરી હતી. જેમણે પ્રતિભાને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાવી હતી. ત્યારબાદ તેણે તેના પતિ યોગેશ, સાસુ નગીનાદેવી, સસરા મિઠાઇલાલ, દિયર રાહુલ, નણંદો મંજુલાદેવી અને શકુંતલા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરતા પોલીસે બનાવ સંદર્ભે તમામ સાસરિયાઓ વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top