Business

સાસુઓમાં વહાલ, સરળતા અને સમજણ હોવાં ખૂબ જરૂરી છે

તા.5 જૂનના  અંકમાં અત્યારની વહુઓના મનનો ‘એકસરે’ સંપાદકે સરસ રીતે દોરી બતાવ્યો છે. અત્યારની વહુઓ, સાસુજીની હા એ હામાં સાદ પુરાવે એવી નથી. માટે સાસુઓએ ‘સાસુપણું’ દાખવવાના સ્વભાવથી બચવું જ રહયું. જયાં ધડમૂળથી સામાજિક સંબંધોમાં બદલાવ આવી રહયો છે, ત્યાં સાસુઓનું મિથ્યાભિમાન લેશમાત્ર ટકે એમ નથી માટે આ સ્થિતિએ સંપાદક કહે છે તેમ, સાસુઓના હૃદયમાં વ્હાલ, સરળતા અને સમજણ હશે તો વહુઓ આનંદથી સાસુઓ સાથે તાલ મીલાવીને, ઘરને રળિયામણું બનાવી શકે છે. ‘સન્નારી’ના મુખપૃષ્ઠ ઉપર ત્રણ છોકરીઓ સાઈકલ ચલાવે છે, એની તસવીર પ્રગટ થઇ છે. પર્યાવરણ દિન નિમિત્તે ત્રણેય બાળાઓ એ સંદેશ આપવા માગે છે કે હવે શકય હોય ત્યાં સાઈકલ ચલાવીને સૌ આવનજાવન કરો. સાઈકલ ચલાવવાના ફાયદા આપણે સૌ જાણીએ છીએ. એટલે હવે જો આવી બાળાઓ સાઈકલ ઉપર શાળાએ જવાનું શરૂ કરે તો એમનું અનુકરણ બીજા વિદ્યાર્થીઓ અને અન્ય લોકો પણ કરે ખરા. પેટ્રોલના વધતાં જતાં ભાવ અને સખત રીતે બગડતાં જતાં પર્યાવરણને કારણે પણ સાઈકલની સવારી એક જરૂરિયાત બની રહેવી જોઇએ. – બાબુભાઇ નાઇ

એડજસ્ટ થવામાં જ સુખ છે

અત્યારે કોરોના મહામારીના લીધે સૌના મનમાં અજંપો છે અને લોકડાઉન ખૂલતાં સ્ટ્રેસ ઘટાડવા શું ખાવું? તેના વિશે ऍસન્નારી’એ સરસ સમજાવ્યું છે કે રોજિંદા આહારમાં શું લેવું? પાલક – દૂધ – ઇંડાં – સંતરા – શકય હોય તો સૂકામેવા – વગેરે. રોજના ભોજનમાં સમાવેશ કરવા, તો વળી વ્યાયામ પણ ખૂબ જરૂરી છે. તેને પણ આવરી લેવા જરૂરી છે. આમ પણ વિટામિન્સ આ બધી વસ્તુઓમાં છે. વિટામિન ડી ઇંડામાંથી મળી રહે છે તો વિટામિન સી  સંતરામાં ભરપૂર છે. કુદરતે સૌના માટે આ બધું સર્જયું છે.  કેરીની સીઝન ચાલે છે. મેંગો – મસાલા ડિલાઇટ સર્વ કરી ‘સન્નારી’એ સૌને ખુશ કરી દીધાં. પર્યાવરણ દિન ગયો અને લોકડાઉન લગભગ ચાલે છે. પર્યાવરણ અંગે સૌએ પોતપોતાની રીતે પોતાના વિચારો દર્શાવ્યા છે. પર્યાવરણને સાચવવું અને વિકસાવવું એ આપણી પ્રથમ ફરજ છે. સંપાદકનું તો કહેવું જ શું? સમીકરણો બદલાયાં છે ઘર-ઘરમાં. હવે સાસુ-વહુની કેમિસ્ટ્રી બદલાઇ ગઇ છે. સૌએ એડજસ્ટ થઇ જવું એમાં જ ભલાઇ છે. વહુ એટલે આપણા પરિવારનું અંગ. સંસ્કૃતિ પ્રમાણે એ આપણી પણ દીકરી છે. સૌને મહત્ત્વાકાંક્ષા હોય છે તે પ્રમાણે જીવવું. – જયા રાણા

પિતા-વટવૃક્ષનો શીતળ છાંયડો

આપણે ત્યાં ‘મા’નો પ્રેમ જ શ્રેષ્ઠ ગણાયો છે. શું કોઇ પપ્પા પોતાનાં બાળકોને ઓછો પ્રેમ કરે છે? એવું છે ને કે પપ્પાને ગાઇ વગાડીને પ્રેમ કરવાનું કે ખોટા લાડ લડાવીને બાળકોને ખોળામાં અથવા માથે બેસાડવાનું નથી ગમતું. ગમે તેવા કઠોર પિતા, દુનિયા સામે ન ઝૂકનાર પિતા પણ સંતાનોની લાગણી સામે ઝૂકે છે. સંતાનને દુનિયાની બની શકે એટલી ખુશી આપવા માટે દરેક પિતા મથતો જ રહે છે. સંતાનનું એક સ્મિત એના દિનભરના થાકને ભુલાવી દે છે. પિતાનો ખભો તો જાણે પહાડી કવચ, વટવૃક્ષનો શીતળ છાંયડો. પિતા પોતાના સંતાનને ખભા પર એટલા માટે બેસાડે છે કે પોતે નથી જોયું તે એનાં સંતાનોને દેખાવું જોઇએ. પિતા એટલે ઘેઘૂર વડલો, જેની છત્રછાયામાં સંતાનો આર્થિક, સામાજિક અને ભાવનાત્મક સલામતી અને સુરક્ષા અનુભવે છે. સંતાનનો ખભો થાબડનાર હાથને તેનો કાન પકડવાનો પણ હક છે. પિતાના પહાડી ખભા અને અદ્રશ્ય છત્રછાયા જ વિશ્વાસનો સેતુ બની બંને પક્ષોને મજબૂત કરે છે. એટલે જ તો કબૂલવું પડે કે…

  • શૈશવથી યૌવન સુધી ઉછર્યાં, આંગળી ઝાલી પિતાની,
  • નિર્મળ બની લક્ષ્ય લઇ ઊડયા, આંબવા ઊંચાઇ આકાશની,
  • દંભ, સ્વાર્થરહિત પારદર્શક પ્રીત મળી છે પિતાની,
  • શ્રધ્ધા- વિશ્વાસની જલતી રહે છે જયોત પિતાની…        – પ્રવીણ સરાધીઆ (સુરત)

Most Popular

To Top