સુરત : રાજકોટથી પ્રોહિબીશન (prohibition)ના ગુનામાં પાસા હેઠળ લાજપોર જેલ (lajpor jail)માં મોકલાયેલા એક આરોપીને ડાબા પડખાના ભાગે ગંભીર ઇજા થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે, આ આરોપીને લાજપોર જેલના પોલીસવાળાઓ (police officers)એ માર માર્યો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. બીજી તરફ સિવિલના ડોક્ટરોની સારવાર બાદ જ ઇજાગ્રસ્તને કેવી રીતે ઇજા (injury) થઇ તે અંગે ચોક્કસ માહિતી બહાર આવશે.
પ્રાપ્ત વિગતો મુજબ લાલજી રવજીભાઇ શીંગાળા ચાર દિવસ પહેલા જ રાજકોટથી પ્રોહિબીશનના ગુનામાં પાસા હેઠળ લાજપોર જેલમાં ધકેલાયો હતો. અહીં તેનું મેડીકલ ચેકઅપ (medical check up) કરીને બેરેકમાં મુકી દેવાયો હતો. બીજી તરફ લાલજીને દારૂ પીવાની લત હતી અને નશો કર્યા વગર તે રહી શકતો ન હતો. સુરત લાજપોર જેલમાં લાલજીને લાવવામાં આવ્યો ત્યારથી જ તેની સારવાર પણ ચાલુ હતી. દરમિયાન બુધવારે બપોરના સમયે તેની તબિયત વધારે ખરાબ થઇ હતી.
લાજપોર જેલના ડોક્ટરે રિપોર્ટ લખી આપીને લાલજીને નવી સિવિલમાં મોકલી આપ્યો હતો. અહીં મેડીસીન વિભાગના ડોક્ટરો (doctors)એ તપાસીને તેને વોર્ડમાં દાખલ કર્યો હતો. જાણવા મળ્યા મુજબ લાલજીને ડાબા પડખે ગંભીર ઇજા થઇ હતી અને થોડો ભાગ કાળો પડી ગયો હતો. નશાની હાલતમાં લાલજી બોલી રહ્યો હતો કે, તેને 10 મીનીટ પહેલા જ પોલીસોએ બહુ માર માર્યો છે, જ્યારે લાજપોર જેલના સત્તાધીશોએ કહ્યુ હતુ કે, એક દિવસ પહેલા તે રાત્રીના નશામાં પડ્યો હતો અને તેને કમરના ભાગે વાગ્યુ હતુ.
જો કે, લાજપોર જેલના સત્તાધીશોની સામે જ એક મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે. અગાઉ પણ પોલીસના મારના કારણે કેટલાક દર્દીઓને ગંભીર ઇજા પહોંચી હોય તેઓને સિવિલમાં (civil) સારવાર આપવામાં આવી હતી. જો કે લાલજીભાઇને રાજકોટના જેલના પોલીસવાળાએ માર્યો હતો કે પછી લાજપોર જેલના પોલીસવાળાએ માર માર્યો છે તે એક તપાસનો વિષય બન્યો છે. હાલ તો લાલજીને સારવાર (treatment) માટે દાખલ કરવામાં આવ્યો છે. બીજી તરફ લાજપોર જેલમાં આવનાર આરોપીઓને બેરહેમીપૂર્વક માર મારવામાં આવ્યાના આક્ષેપ સાથે બે આરોપીને નવી સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. અહીં એક આરોપીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અને તેનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાયું હતું. જ્યારે અન્ય એક આરોપીને સારવાર માટે દાખલ કરાયો હોવાની વિગતો સાંપડી છે.