Columns

કુણાલ કામરાના કેસમાં અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનો અધિકાર ચર્ચાની એરણ પર ચડ્યો છે

સોશિયલ મીડિયાના યુગમાં પહેલાં જેમને કોઈ ઓળખતું પણ નહોતું તેવા કલાકારો એકાએક મહાન થઈ ગયા છે. તેમાં પણ સ્ટેન્ડ-અપ કોમેડિયનો મેદાન મારી ગયા છે. અમિત ટંડન અને કુણાલ કામરા જેવા કલાકારો ૨૦-૨૫ પ્રેક્ષકો સામે કોમેડી કરતા હોય છે, પણ સોશિયલ મીડિયામાં તેમના લાખો દર્શકો હોય છે, જેને કારણે તેઓ જે કંઈ બોલે તેના પડઘા આખા દેશમાં પડતા હોય છે. સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરા ફરી એકવાર વિવાદમાં છે. આ વખતે તેઓ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે વિરુદ્ધ ટિપ્પણી કરવા બદલ હેડલાઇન્સમાં છે.

કુણાલ કામરાએ તેના શોમાં ફિલ્મ દિલ તો પાગલ હૈનું પેરોડી ગીત ગાયું હતું. આ ગીતમાં ૨૦૨૨ દરમિયાન શિવસેનામાં થયેલા વિભાજનનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. કુણાલ કામરાએ આ ગીતમાં ‘ગદ્દાર’ શબ્દનો ઉપયોગ કર્યો છે, જેને શિવસેના (શિંદે જૂથ)ના નેતા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના અપમાન તરીકે જોવામાં આવી રહ્યો છે. જો કે, કુણાલ કામરાએ એકનાથ શિંદેનું નામ લીધું ન હતું. રવિવારે આ વીડિયો સામે આવ્યા બાદ શિવસેનાના કાર્યકરો ગુસ્સે ભરાયા અને તેના પર પોતાની તીવ્ર પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. શિવસેનાના કાર્યકરોએ તે જગ્યાએ પણ તોડફોડ કરી હતી જ્યાં કુણાલ કામરાનો શો શૂટ થયો હતો.

આ કેસમાં શિવસેનાના ધારાસભ્ય મુરજી પટેલે કુણાલ કામરા વિરુદ્ધ FIR પણ દાખલ કરી છે. આ ઉપરાંત તેની ધરપકડની પણ માંગણી પણ કરવામાં આવી રહી છે. શિવસેનાના સાંસદ નરેશ મ્હસ્કેએ એક વીડિયો સંદેશ દ્વારા કુણાલ કામરાને ધમકી આપી છે. કુણાલ કામરાએ તેમના શોમાં એકનાથ શિંદે ઉપરાંત વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સુધા મૂર્તિની પણ ફિરકી તાણી હતી, પણ તેમના તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. કુણાલ કામરાના શોનું શૂટિંગ જે સ્ટુડિયોમાં કરવામાં આવ્યું હતું તેમાં મુંબઈ મહાનગરપાલિકા દ્વારા પણ તોડફોડ કરવામાં આવી છે. રાજકારણીઓ જાડી ચામડીના હોય છે, પણ તેઓ અપમાન સહન કરી શકતા નથી. કુણાલ કામરા આ પહેલાં પણ ઘણી વખત વણજોઈતા વિવાદો પેદા કરી ચૂક્યા છે. તેઓ રાજકારણ, ફિલ્મો અને રમતગમત પરનાં પોતાનાં બેધડક મંતવ્યોને કારણે મીડિયાની હેડલાઇન્સમાં રહી ચૂક્યા છે.

કુણાલ કામરા મુંબઈમાં રહેતા સ્ટેન્ડ-અપ કોમેડિયન છે. તેમની કારકિર્દીની શરૂઆત ખૂબ જ રસપ્રદ છે. કુણાલ કામરાએ કોઈક રીતે પોતાનો સ્કૂલ અને જુનિયર કોલેજનો અભ્યાસ પૂર્ણ કર્યો અને તેના માતા-પિતાને જાણ કર્યા વિના જ કોલેજ છોડી દીધી હતી. ૧૭ વર્ષની ઉંમરે તેમણે MTV ની ઇન-હાઉસ પ્રોડક્શન ટીમ સાથે ઇન્ટર્નશિપ કરી. એક વર્ષ પછી, તેઓ પ્રસૂન પાંડેની કોર્કોઇસ ફિલ્મ્સમાં પ્રોડક્શન આસિસ્ટન્ટ તરીકે જોડાયા, જ્યાં તેમણે છ વર્ષ સુધી કામ કર્યું હતું. તેમની વેબસાઇટ પર અપલોડ કરાયેલી તેમની પ્રોફાઇલ મુજબ તેમણે જાહેરાત ઉદ્યોગમાં ૮ વર્ષ વિતાવ્યા.

ત્યાર બાદ તેમણે ૨૦૧૩ માં સ્ટેન્ડ-અપ કોમેડી કરવાનું શરૂ કર્યું. કામરા તેમના લોકપ્રિય રાજકીય કોમેડી પોડકાસ્ટ શો શટ અપ યા કુણાલ માટે જાણીતા છે, જે તેમણે ૨૦૧૭ માં શરૂ કર્યો હતો. આ પોડકાસ્ટમાં તેઓ તેમના મહેમાન સાથે વર્તમાન બાબતો, રાજકીય મુદ્દાઓ સહિત અનેક વિષયો પર વાત કરે છે. આ પોડકાસ્ટ શોમાં તેમણે ઘણી જાણીતી હસ્તીઓને આમંત્રિત કર્યા છે, જેમાં પત્રકાર રવિશ કુમાર, સાંસદ અસદુદ્દીન ઓવૈસી, કન્હૈયા કુમાર, ઉંમર ખાલિદ, શેહલા રશીદ, જાવેદ અખ્તર, અરવિંદ કેજરીવાલ જેવા મોટા નેતાઓનાં નામો પણ સામેલ છે.

આ પહેલી વાર નથી જ્યારે કુણાલ કામરા વિવાદમાં આવ્યા હોય. તેમની સાથે સંકળાયેલા વિવાદોની લાંબી યાદી છે. કુણાલ કામરા સ્વતંત્રતા પછી ભારતમાં રાજકારણીઓ દ્વારા પ્રજાને જે રીતે લૂંટવામાં આવી રહી છે અને મૂર્ખ બનાવવામાં આવી રહી છે તે બાબતમાં ધારદાર કટાક્ષો કરવા માટે જાણીતા છે. તેમના કટાક્ષો બુદ્ધિજીવી વર્ગને બહુ પસંદ આવે છે, પણ તેનાથી રાજકારણીઓને મરચાં લાગે છે. તા. ૨ માર્ચ ૨૦૧૭ ના રોજ કુણાલ કામરાએ યુટ્યુબ પર દેશભક્તિ અને શાસન શીર્ષક વિશેનો તેમનો એક સ્ટેન્ડ-અપ કોમેડી વિડિઓ અપલોડ કર્યો હતો. આ વીડિયો માટે તેને જાનથી મારી નાખવાની ધમકીઓનો સામનો કરવો પડ્યો હતો. ૨૦૧૮ માં મુસ્લિમો, શીખો અને મધર ટેરેસા પરની તેમની મજાક વાયરલ થયા પછી કુણાલ કામરાએ તેમનું ટ્વિટર (હવે X) એકાઉન્ટ ડિલીટ કરવું પડ્યું.

વધુમાં, તેમને રાજકીય વિચારો વ્યક્ત કરવા બદલ મુંબઈના શિવાજી પાર્કમાં તેમનું એપાર્ટમેન્ટ ખાલી કરવાનું કહેવામાં આવ્યું હતું. તે સમયે તેમણે તેમના એપાર્ટમેન્ટના માલિક સાથેની વાતચીતનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો હતો. તે સમયે તેમણે ફેસબુક પર એક લાંબી પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટના એક નાના ભાગમાં તેમણે કહ્યું હતું કે એક દિવસ તમારો મકાનમાલિક તમને તમારાં રાજકીય મંતવ્યોને કારણે તમારું ઘર ખાલી કરવા અને બીજી જગ્યા શોધવાનું કહેશે. જ્યારે આ બધું ચાલી રહ્યું છે અને તમે આત્મહત્યા કરવાનું વિચારી રહ્યા છો, ત્યારે HDFC તમને મેસેજ કરીને પૂછશે કે શું તમે તમારું આધાર કાર્ડ લિંક કર્યું છે? તેથી તમે જે પણ કોમેડિયન બનવા માંગો છો તે વિશે પહેલાં સમજદારીપૂર્વક વિચારો. કુણાલ કામરા દ્વારા વૈચારિક સ્વતંત્રતાનો થતો ઉપયોગ કેટલાક લોકો માટે ઝેરની ગરજ સારે છે.

કુણાલ કામરા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદ જેવી કટ્ટર હિન્દુત્વવાદી વિચારધારાના પણ વિરોધી છે. તા. ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ વિશ્વ હિન્દુ પરિષદની ધમકીઓને કારણે ગુડગાંવમાં તેમનો કોમેડી શો રદ થયા બાદ, કામરાએ વિશ્વ હિન્દુ પરિષદને એક ખુલ્લો પત્ર લખીને વિશ્વ હિન્દુ પરિષદને પડકાર ફેંક્યો હતો કે મને ભગવાન સાથેના મારા સંબંધની કોઈ કસોટી આપવાની જરૂર નથી લાગતી. તેમ છતાં હું મોટેથી અને ગર્વથી જય શ્રી સીતારામ અને જય રાધાકૃષ્ણ કહું છું. હવે જો તમે ખરેખર ભારતના સંતાન હો તો નથુરામ ગોડસે મુર્દાબાદ લખીને મોકલો. નહીં તો હું સમજીશ કે તમે લોકો આતંકવાદના સમર્થક છો.

ઓક્ટોબર ૨૦૨૪ માં ઓલા કંપનીના માલિક ભાવેશ અગ્રવાલ અને કામરા વચ્ચે સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા જોવા મળી હતી. ચર્ચા કામરાની ટીકાથી શરૂ થઈ હતી, જ્યાં તેમણે ઓલા ઇલેક્ટ્રિક ગ્રાહકોની વણઉકેલાયેલી ફરિયાદો અને રિફંડ સંબંધિત સમસ્યાઓ પર પ્રકાશ પાડ્યો હતો. સોશિયલ મીડિયા X પર તેમણે લખ્યું હતું કે શું ભારતીય ગ્રાહકોનો અવાજ કોઈ સાંભળે છે? શું તેઓ તેના માટે લાયક છે? ટુ-વ્હીલર એ દૈનિક વેતન કામદારોનું જીવન છે. શું ભારતીયો આ રીતે ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરશે? જે કોઈને ઓલા ઇલેક્ટ્રિક સાથે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, તે દરેકને ટેગ કરીને અહીં તમારી વાર્તા પોસ્ટ કરો. આ પોસ્ટ પછી સોશિયલ મીડિયા પર અસંતુષ્ટ ઓલા ગ્રાહકો તરફથી ફરિયાદોનો પ્રવાહ ઉભરાઈ આવ્યો હતો.

જાન્યુઆરી ૨૦૨૦ માં કુણાલ કામરાએ ઇન્ડિગો ફ્લાઇટમાં પત્રકાર અર્નબ ગોસ્વામી સાથે  ઝઘડો કર્યો હતો અને તેમના પત્રકારત્વની પ્રથાઓ પર સવાલ ઉઠાવ્યા હતા. કામરાએ આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર પણ શેર કર્યો હતો. આ ઘટના પછી ઇન્ડિગોએ તેમના પર છ મહિનાનો પ્રતિબંધ મૂક્યો હતો. તે જ સમયે એર ઇન્ડિયા અને સ્પાઇસજેટ સહિત અન્ય એરલાઇન્સે પણ તેમના પર અનિશ્ચિત સમય માટે પ્રતિબંધ મૂક્યો હતો. આ પ્રતિબંધ પછી ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપે કુણાલ કામરાને ટેકો આપવા માટે ઇન્ડિગો સાથે ઉડાન ભરવાનો ઇનકાર કર્યો હતો. ૨૦૨૩માં કુણાલ કામરાએ બોમ્બે હાઈકોર્ટમાં આઈટી નિયમો ૨૦૨૩ને પડકારતી અરજી દાખલ કરી હતી.

આ અરજીમાં તેમણે દલીલ કરી હતી કે જો કેન્દ્ર સરકાર મનસ્વી રીતે કોઈ ચોક્કસ વ્યક્તિના કાર્યને તપાસ માટે આદેશ કરે તો તે તેની અભિવ્યક્તિની સ્વતંત્રતાનું ઉલ્લંઘન હશે. જે બાદ બોમ્બે હાઈકોર્ટે કેટલાક સુધારેલા નિયમો ગેરબંધારણીય ગણાવ્યા હતા. બોમ્બે હાઈકોર્ટના આ નિર્ણય પછી કુણાલ કામરાએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું કે હું કોર્ટના આ બોલ્ડ નિર્ણય માટે ખૂબ આભારી છું, જે આપણા વાણી સ્વાતંત્ર્યના અધિકારને સમર્થન આપે છે. આ અધિકારોમાં સરકારી નીતિ પર પ્રશ્ન ઉઠાવવાનો, ટીકા કરવાનો અને મજાક કરવાનો પણ અધિકાર સામેલ છે. તેમાં કોઈ શંકા નથી કે આ નિર્ણય આપણી લોકશાહીને મજબૂત બનાવે છે.– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top