સુરત (Surat) : ઓલપાડના (Olpad) કિમ ગામમાં ગરબા ગ્રાઉન્ડમાં ગરબા રમતો વિધર્મી યુવાન ઝડપાતા ખેલૈયાઓમાં રોષ ફાટી નીકળ્યો હતો. આ વિધર્મી ઓલપાડના કિમ મૈત્રી વૃંદ ગરબા ગ્રાઉન્ડમાં હિન્દુનો વેશ ધારણ કરી ઘૂસ્યો હોવાની હકીકત સામે આવી હતી. આ અંગે માહિતી મળતા હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓ રાત્રે ગરબા સ્થળે પહોંચ્યા હતા અને માથે ફેંટો બાંધી સલવાર પહેરી ગરબા રમતા યુવાન પાસે આધાર કાર્ડ માંગ્યો હતો. આધારકાર્ડ જોતા જ વિધર્મી યુવકની પોલ ખુલી ગઈ હતી. ગરબા ગ્રાઉન્ડમાં બબાલ થતા પોલીસ પણ દોડી આવી હતી.
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, વિધર્મી યુવાનને ગરબા ગ્રાઉન્ડમાંથી બહાર લઇ જતા મામલો થાળે પડ્યો હતો. ગરબા આયોજકો સામે હિન્દુ સંગઠનો એ સવાલ ઉઠાવ્યા હતા. વિધર્મી યુવાનને ગરબા આયોજકે 178 નંબરનો પાસ પણ ફાળવી દીધો હતો. આ યુવાન કેટલા દિવસથી ગરબા રમવા આવતો હતો એ એક તપાસનો વિષય બન્યો હતો. અગાઉ પણ આ મૈત્રી વૃંદમાં વિધર્મી યુવકો ગરબા રમતા જોવા મળ્યા હતા.
ઉલ્લેખનીય છે કે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળની સુરત શાખાઓ દ્વારા નવરાત્રિના પ્રારંભ પહેલાં જ વિધર્મી યુવકો જોગ જાહેર ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. નવરાત્રિમાં કોઈ પણ ઠેકાણે વિધર્મીઓ ગરબા રમતા દેખાયા તો તેઓ સામે કાયદેસરની કાર્યવાહીની ચીમકી ઉચ્ચારાઈ હતી. એટલું જ નહીં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કર્મશિયલ નવરાત્રિના આયોજકોને પણ આ મામલે તકેદારી રાખવા સૂચના અપાઈ હતી. તેમ છતાં ઓલપાડમાં વિધર્મી યુવક ગરબા રમતો પકડાતા આયોજકોની વ્યવસ્થા સામે પ્રશ્નો ઉઠ્યા છે.
જણાવી દઈએ કે ગયા વર્ષે સુરતના એક કમર્શિયલ નવરાત્રિના આયોજનમાં હિન્દુ નામ ધારણ કરી બાઉન્સર તરીકે ફરજ બજાવતા વિધર્મી યુવકના લીધે ભારે હંગામો થયો હતો.