કીમ: ઔદ્યોગિક વિસ્તાર એવા કીમ (Kim) -કોસંબાના (Kosamba) શહેર નજીક દીપડા (Panther) ફરી રહ્યા છે, શનિવારે રાત્રે એક દીપડાનું ટ્રેન (Train) અડફેટે મોત (Death) થયું હતું.
કીમ-કોસંબા રેલવે ટ્રેક ઉપર ટ્રેન અડફેટે દીપડાનું મોત થયું હતું. કીમ નદી નજીકથી વહેલી સવારે દીપડાનો મૃતદેહ મળી આવ્યો હતો. કોસંબાથી કીમ ટ્રેક લાઈન પરથી શરીરના વચ્ચેના ભાગેથી દીપડા બે ભાગ થઈ ગયા હતા. રેલવે લાઈન ક્રોસ કરતી વખતે કોઈ ટ્રેન અડફેટે દીપડાનું મોત થયાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવ્યું હતું. જે અંગેની જાણ રેલવે વિભાગ સહિત વન વિભાગને કરવામાં આવી હતી. વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. દીપડાના મૃતદેહનો કબજો લઈ વધુ તજવીજ હાથધરી હતી.
વાંસદાના ગડગબારીમાં તારમાં ફસાયેલા દીપડાને રેસ્કયું કરી બચાવી લેવાયો
વાંસદાના ગડગબારી ફળિયામાંથી તારમાં ફસાયેલા દીપડાને રેસ્કયું કરી બચાવી લેવાયો હતો. વલસાડ ઉત્તર વન વિભાગના વાંસદા પશ્ચિમ રેંજના કાર્ય વિસ્તારમાં આવેલા જામલિયા રાઉન્ડના રાણીફળિયા ગામે ગડગાબારી ફળિયામાં વન્ય પ્રાણી દીપડી એક ખેડૂતના ખાતેદારના ખેતરના પાડી પર દીપડો તારમાં આકસ્મિક રીતે ફસાઈ ગયો હતો.
જેની જાણ વાંસદા પશ્ચિમ રેંજના રેંજ ફોરેસ્ટ ઓફિસર જે.ડી.રાઠોડને મળતા તેઓ સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત ઉઠાવી દોરડા વડે દીપડાનું રેસક્યુ કરી પાંજરામાં પુરી વધુ સારવાર અર્થે વાંસદા ખાતે લાવવામાં આવ્યો હતો. ઉપરોક્ત બચાવ કામગીરીમાં મદદનીશ વન સંરક્ષક જે. ડી. રાઠોડના માર્ગદર્શન હેઠળ રા.ફો. લીમઝરના બી.ટી.પટેલ, રા.ફો.આર.યુ.પટેલ, રા.ફો.કણધા એસ.એમ.પટેલ, બી.ગા.લીમઝર એન.જે.પટેલ સાથે રહી કામગીરી કરવામાં આવી હતી.
કીમ ચાર રસ્તા ખાતે ઊભેલી ટ્રકની પાછળ ઇકો કાર અથડાતાં ચાલકનું મોત
હથોડા: મૂળ રાજસ્થાનનો વતની અને હાલમાં કીમ ખાતે રહેતો હર્ષકુમાર રાજેશભાઈ અંબાલાલ જૈન રવિવારે સવારે દસ વાગ્યે વગર નંબરની ઇકો કાર લઈને નજીકમાં આવેલા પેટ્રોલ પમ્પ ખાતે સીએનજી ગેસ પુરાવવા માટે જવા નીકળ્યો હતો. તેણે ગફલત કરતાં માર્ગમાં ઊભેલી ટ્રકની પાછળથી ઇકો કાર ધડાકા અથડાઈ હતી. આ અકસ્માતમાં કારના ચાલક હર્ષ જૈનને ગંભીર ઇજા થતાં તેને કામરેજની દિનબંધુ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. બનાવ અંગે પાલોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પણસોલીમાં પાળેલી કૂતરીને ઘરની બહાર કાઢવા મામલે થયેલી બબાલમાં ખેડૂત પર ત્રણ શખ્સોનો હુમલો
ભરૂચ: વાલિયાના પણસોલી ગામના ૪૫ વર્ષીય ખેડૂત નરેન્દ્રસિંહ રામસિંહ સુણવા તેમના પરિવાર સાથે રહે છે. શનિવારે રાત્રે તેમનો દીકરો પૂંજનસિંહ પાળેલી કુતરી (ડોલી)ને લઈને ઘરની બહાર ફરવા નીકળ્યો હતો. ફળીયામાં દેશી કુતરાને ફરતા જોતા પાળેલી કુતરી પૂંજનસિંહ પાસેથી એકાએક છૂટીને છોકરા પાછળ દોડી હતી. સમગ્ર ઘટનાને લઈને ફળિયાના મહેન્દ્રસિંહ બળવંતસિંહ સુરતીયા ગાળો બોલતો આવીને કહ્યું કે ‘તમારી કુતરીને કેમ બહાર કાઢો છો. તે અમારા છોકરા પાછળ દોડી છે. ને ઉશ્કેરાઈને નરેન્દ્રસિંહની ફેટ પકડી લીધી હતી. મહેન્દ્રસિંહની સાથે ગામના નટવરસિંહ રામસિંહ સાંગડોત અને તેમનો દીકરો દિગ્વિજયસિંહ નટવરસિંહ સાંગડોતએ લાકડી વડે માર માર્યો હતો. નરેન્દ્રસિંહને ઈજા થતા વાલિયા સરકારી દવાખાને સારવાર માટે દાખલ કરાયા હતા. જે બાબતે નરેન્દ્રસિંહ સુણવાએ વાલિયા પોલીસ મથકે હુમલો કરનાર ત્રણેય વિરૂદ્ધમાં ફરિયાદ નોંધાવી હતી.