આણંદ: બોરસદ તાલુકાના ખાનપુર ગામે રહેતા પતિ – પત્ની વચ્ચે લાંબા સમયથી ચાલી આવતા ઘરકંકાસમાં પતિએ પત્નીની હત્યા કરી નાંખી હોવાનો બનાવ બન્યો છે. પતિ સાથે ઘાસચારો લેવા ગયેલી પત્નીનું સીમ વિસ્તારમાં ગળુ દબાવી રહેંસી નાંખી હતી. આ અંગે કાકા સસરાની ફરિયાદ આધારે વિરસદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઉમરેઠના ઘોરા ગામે રોહિતવાસમાં રહેતા જયાબહેનના લગ્ન 14 વરસ પહેલા બોરસદના ખાનપુર ગામે રહેતા હરિશ કનુભાઈ રોહિત સાથે થયાં હતાં. આ લગ્ન જીવન દરમિયાન તેમને એક દિકરો અને દિકરીનો જન્મ પણ થયો છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી જયાબહેન પિયર ઘોરા આવે તે સમયે સાસરીમાં પતિ સાથે વારંવાર ઝઘડો થતો હોવાની ફરિયાદ કરતા હતાં. તેમાં પણ બે વર્ષ પહેલા મોટો ઝઘડો થતાં તેનો ભાઇ વસંત અને કાકા મણીભાઈ મકવાણા સમાધાન માટે ખાનપુર ગયાં હતં. આ સમાધાન બાદ પણ અવાર નવાર ઘરકંકાસ અને ઝઘડાની ફરિયાદ જયાબહેન તરફથી રહેતી હતી. દરમિયાનમાં 2જી જુલાઇના રોજ બપોરના ત્રણેક વાગે ખાનપુરથી વસંત પર ફોન આવ્યો હતો કે જયાબહેનનું મૃત્યું થયું છે.
જોકે, કેવી રીતે થયું તે બાબતે યોગ્ય જવાબ મળ્યો નહતો. તેથી મણીભાઈ અને તેમનો પરિવાર ખાનપુર જવા નીકળ્યાં હતાં. જોકે, તેમને જયાબહેનના મોત સંદર્ભે પહેલેથી શંકા હોવાથી તપાસની માગ કરી હતી. આથી, લાશને રાસ સરકારી દવાખાને લઇ ગયાં હતાં. જ્યાં લાશ જોયા બાદ પોલીસને જાણ કરી હતી. જેના પગલે વિરસદ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. જ્યાં જરૂરી નિવેદનો બાદ લાશનું પોસ્ટમોર્ટમ કરાવવા માટે કરમસદ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જયાબહેનનું મોત મોઢાના ઉપર તથા ગળાના ભાગે દબાણ થવાથી એટલે કે શ્વાસ રુંધાવાથી થયું હોવાનું ખુલ્યું હતું. આથી, જયાબહેનની હત્યા તેના પતિ હરિશ રોહિત દ્વારા કરવામાં આવીનું જણાતાં કાકા સસરા મણીભાઈ મકવાણાએ વિરસદ પોલીસ મથકે હરિશ રોહિત સામે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
- હરિશે હત્યા છુપાવવા ઘાસચારો લેવા ગયા હોવાની વાર્તા ઘડી કાઢી
જયાબહેનના મોત અંગે તેના પરિવારજનોએ તપાસ હાથ ધરી હતી. જેમાં હરિશ રોહિતના મામા કરશનભાઈએ જણાવ્યું હતું કે, સવારના 11 વાગ્યાના સુમારે હરિશ સાયકલ લઇને રેલવે લાઇનની બાજુમાં આવેલા તેમના ખેતરમાં ઘાસચારો લેવા ગયો હતો. થોડીવાર પછી જયાબહેન ઘાસચારો લેવા તે ખેતરમાં આવેલા અને બારેક વાગ્યાના સુમારે હરિશે કાપેલું ઘાસ જયાબહેનને પોટલું બાંધેલું અને તે ઘાસ હરિશે કહ્યું કે રેલવે લાઇનની પેલી બાજુ સાયકલ પાસે મુકી આવ. તેમ કહેતા જયાબહેન તેનું પોટલું માથે મુકીને રેલવે લાઇનની પેલી બાજુ મુકવા ગયાં હતાં. જેના થોડા સમય બાદ જયાબહેન પરત ન આવતા હરિશ જોવા માટે ગયો હતો. આ સમયે જયાબહેન રેલવે લાઇનની બાજુમાં મેન્ટલ ઉપર બેભાન હાલતમાં પડેલા જોવા મળ્યાં હતાં. તેમના માથામાં વાગેલું હતું.
- ઘાસચારો વાઢતા સમયે નજીવી બાબતે થયેલા ઝઘડામાં હત્યા કરી
‘હરિશ અને જયાબહેન વચ્ચે લાંબા સમયથી ઝઘડા ચાલતાં હતાં. તેમાં 2જી જુલાઇના રોજ ખેતરમાં ઘાસ વાઢતા સમયે ફરી કોઇ મુદ્દે ઝઘડો થયો હતો. આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં હરિશ આવેશમાં આવી ગયો હતો અને રેલવે ટ્રેક નજીક જ જયાબહેનનું ગળું દબાવી દીધું હતું. આ સમયે બચવાની કોશીષમાં જયાબહેનને માથાના પાછળના ભાગે પણ ઇજા પહોંચી હતી. આ હત્યા સંદર્ભે હરિશની અટકાયત કરી કોવિડ ટેસ્ટ માટે મોકલી આપવામાં આવ્યો છે.’ – બી. બી. ગોંડલિયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, વિરસદ.