આણંદ : ખંભાત તાલુકાના પાલડી ગામે આવેલી એગ્રો ફેક્ટરીની માલીકીની લઇને બે ભાઇ વચ્ચે ચાલતી તકરારમાં નાના ભાઈએ રિવોલ્વર લાવી મોટા ભાઈ – ભાભી સામે તાકી હતી. જેનો વિડીયો ખંભાત ગ્રામ્ય પોલીસ સુધી પહોંચતાં પોલીસે નાના ભાઈ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ખંભાત ગ્રામ્ય પોલીસ ઇન્સ્પેક્ટર કે.કે. દેસાઇના મોબાઇલ વિડીયો આવ્યો હતો. જેમાં એક શખસ રિવોલ્વરથી અન્ય લોકોને ડરાવતો ધમકાવતો હોય તેવું દેખાતું હતું. આથી, આ બાબતે તપાસ કરતાં તે ખંભાતના પાલડી ગામની એગ્રો કંપનીનો હોવાનું ખુલ્યું હતું. આથી, પોલીસે કંપનીના માલીક અનુપકુમાર સુશીલકુમાર બંસલ (રહે.પાલડી, મૂળ રહે. પંજાબ)ની પૂછપરછ કરતાં તેણે કબુલ્યું હતું કે, નાના ભાઈ શેખરકુમાર સુશીલકુમાર બંસલ સાથે કંપનીની ધંધાકીય બાબતે તકરાર ચાલી રહી છે.
જેમાં રવિવારના રોજ પત્ની વંદનાબહેન સાથે પ્લાન્ટ પર ગયાં હતાં. જ્યાં શેખર સાથે બોલાચાલી થતાં તેણે લાયસન્સ વાળી રિવોલ્વર લાવી મને, પત્ની વંદનાબહેન અને મજુરોને મારી નાંખવાની ધમકી આપી હતી. તે સમયે પુત્ર કેશવે આ વિડીયો ઉતારી લીધો હતો. જોકે, આ ઘટના અંગે અનુપકુમારે કાયદેસરની કાર્યવાહી કરવા માટે ના પાડી હતી અને પોતાના સગા ભાઈ થતાં હોય ધંધાકીય બાબતે એકબીજા સાથે સહકાર આપવા જણાવ્યું હતું. જોકે, શેખર બંસલ પાસે રહેલી લાયસન્સવાળી રિવોલ્વરમાં શરત ભંગ થતો હોવાથી તેની સામે ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટનામાં પોલીસે વિડીયો આધારે કાર્યવાહી કરી હતી.