SURAT

ઘોડા બિમાર થયા તો સુરતીઓએ વરરાજા અને દુલ્હનની ગ્રાન્ડ એન્ટ્રી માટે સોલિડ આઈડિયા લગાવ્યા

લગ્ન એ જીવનનો અતિ મહત્વનો પ્રસંગ છે એટલે દરેક વ્યક્તિ લગ્ન પ્રત્યે ખાસ્સો ઉત્સાહિત હોય છે. લગ્ન નાના પાયે હોય કે ભભકાદાર, કોઈ પણ વ્યક્તિ તેમાં કચાસ રાખવા નથી માંગતી. ત્યારે આજે તો લોકોને દરેક પ્રસંગે નવો ટ્રેન્ડ જ ટ્રાય કરવા જોઈએ છે, તો પછી લગ્નમાં કેમ નહીં! આજે લગ્નની દરેક વિધિઓમાં કેટલાક વેરીએશન ઉમેરાયા છે. જો કે વરઘોડા માટે ખાસ કરીને આજે પણ ઘોડાગાડી પર પસંદગી ઉતારવામાં આવે છે પરંતુ હાલમાં શહેરમાં ઘોડાઓમાં ફેલાઈ રહેલી ગલેંડર ડિસિઝ નામની બીમારીને કારણે વરધોડિયા મૂંઝાઇ રહ્યાા છે. પણ આ બધી પરિસ્થિતિ વચ્ચે પણ સુરતીઓને તો કંઈક હટકે કરવા જ જોઈએ છે જેથી તેનો ઉપાય તો શોધી જ લેતાં હોય છે. ત્યારે આ વર્ષે લગ્ન પ્રસંગને ખાસ બનાવવા દુલ્હા દુલ્હનની એન્ટ્રી પણ એકદમ અનોખા જ અંદાજમાં થઈ રહી છે. તો ચાલો માણીએ લોકો કેવી કેવી એન્ટ્રી કરીને લગ્નને ટ્રેન્ડી બનાવાઇ રહ્યાં છે.

દિવાળી બાદ બળદગાડાનો ક્રેઝ વધ્યો: હાર્દિક ધામેલિયા
લોકો કઈક નવું કરવા સાથે જ પરંપરા પણ જળવાય એનું પણ ધ્યાન રાખતા હોય છે. જેના કારણે આજકાલ બળદગાડાની પણ ખાસ્સી માંગ વધી છે. વિવિધ ઇવેન્ટમાં પોતાનું બળદગાડું લઈને જતાં હાર્દિકભાઇ ધામેલિયા કહે છે કે, ‘’ છેલ્લાં 3 માસમાં મેરેજના અલગ અલગ ફંક્શનોમાં બળદગાડાનો ક્રેઝ વધ્યો છે કારણ કે આપણી જૂની પરંપરા પ્રમાણે લગ્નમાં બળદગાડામાં બેસાડીને વરરાજાને લઈ જવામાં આવતા હતા. જો કે શહેરોમાં આ શક્ય ન હોવાથી લોકો કાર કે બગીનો ઉપયોગ કરે છે. પણ આજે હવે કઈક નવું કરવા ઉત્સાહિત સુરતીઓમાં પરંપરા પણ સચવાય અને નવું પણ લાગે એટ્લે બળદગાડાનો ક્રેઝ વધ્યો છે. હાલમાં સુરતમાં 7 થી 8 જેટલા જ બળદગાડા છે જેથી ખાસ્સી માંગ રહે છે. દુલ્હા દુલ્હનની એન્ટ્રીથી લઈને ગેટથી મંડપ સુધી કે ગેટથી ઘર સુધી લઈ જવા માટે બળદગાડાની માંગ રહે છે. બળદગાડું એટ્રેક્ટિવ લાગે એ મારે અમે લાઇટિંગ અને છત્રીથી શણગારીએ છીએ.’’

જાતે ડાન્સ શિખીને લગ્નને યાદગાર બનાવ્યા : અનેરી શાહ
અનેરી શાહના હાલમાં જ લગ્ન થયા છે. અનેરી કહે છે કે, ‘’દરેક યુવતીની જેમ જ મે પણ મારા લગ્ન માટે ઘણા સપના સેવ્યા હતા. જ્યારે મારા લગ્ન નક્કી થયા ત્યારથી જ હું ખાસ્સી ઉત્સાહિત હતી. મારે મારા લગ્નમાં કઈક ખાસ કરવું હતું જે અન્ય લગ્નો કરતાં કઈક અલગ હોય. જો કે એ માટે લગ્નની વિધિઓમાં કોઈ બાંધછોડ કરવા તૈયાર ન હતી પણ દુલ્હન એન્ટ્રી માટે મારે અલગ કરવું હતું અને મે મારી એન્ટ્રી ડાન્સ કરતાં કરતાં કરવાનું નક્કી કર્યું. હવે આમાં પ્રોબ્લેમ એ હતો કે મને ખાસ ડાન્સ કરતાં આવડતો જ ન હતો, પણ હું મારા નિર્ણય પર મક્કમ હતી અને મેં યુ ટ્યુબ નો સહારો લીધો અને જાતે ડાન્સ શીખ્યો. આમ,મારા માટે મારા લગ્ન આ બે કારણોથી ખાસ યાદગાર બન્યા જેની મને ખુશી છે.’’

સૂર્ય અને સ્વસ્તિક સાથે એન્ટ્રી : આયુષી વોહેરા
આયુષી વોહેરા કહે છે કે, ‘’આજકાલ લગ્નોમાં દુલ્હા-દુલ્હનની યુનિક એન્ટ્રીનો ક્રેઝ છે એટ્લે અમે અગાઉથી જ કઈક અલગ કરવાનું પ્લાનિંગ વિચારી રાખ્યું હતું માટે અમે વરમાળા માટે અલગ એન્ટ્રી કરવાનું નક્કી કર્યું. આ એન્ટ્રીમાં સૂર્ય અને સ્વસ્તિક સામ સામેથી વચ્ચે એકબીજાની નજીક આવે છે. જેમાં સ્વસ્તિક દુલ્હનની પાછળ અને સૂર્ય દુલ્હાની પાછળથી નજીક આવતા જાય છે જેઓ વચ્ચે ભેગા મળે છે ત્યારે દુલ્હા દુલ્હન પણ એકબીજાની નજીક આવી જાય છે અને એકબીજાને વરમાળા પહેરાવે છે. આ પ્રકારની ખાસ એન્ટ્રી માટે અમે ઈવેન્ટ પ્લાનર હાયર કર્યા હતા જેમણે આ નવો આઇડિયા આપીને અમારી મોમેન્ટસ યાદગાર બનાવી.’’

ખાસ રજવાડી રથથી કરાવી એન્ટ્રી: વૃષીન વડેરા
વૃષીન વડેરા કહે છે કે, ‘’લગ્નોમાં ઓરીજનલ ઘોડાનો ઉપયોગ ન કરીને પણ રજવાડી લગ્ન જેવો ઠાઠ જામે એ માટે મેં ખાસ સિલિકોન ઘોડા દ્વારા રજવાડી રથ એન્ટ્રી કરાવી હતી. જેમાં સાથે જ ધજા લઈને સૈનિકો પણ સાથે રાખવામા આવ્યા હતા તેમજ મારી વાઇફની આગળ દીવા લઈને 6 ડાન્સરો સાથે શાનદાર એન્ટ્રી કરવવામાં આવી હતી. કહે છે કે, લગ્ન જીવનનો ખૂબ જ મહત્વનો પ્રસંગ છે એટલે એમાં કોઈ કચાસ રાખવા માંગતા ન હતા એટ્લે અમે પરંપરા પણ સચવાય અને ટ્રેન્ડ પણ જળવાય એ રીતે આવી યુનિક એન્ટ્રી કરવાનું પસંદ કર્યું હતું જેને કારણે અમારા આમંત્રિત મહેમાનો પણ ખૂબ જ એકસાઈટેડ હતા.’’

Most Popular

To Top