કડાણા : કડાણા તાલુકાના અમથાણી ગામે રહેતી દિકરીને દિવાળીના તહેવાર નિમિત્તે પિયર લઇ જવા આવેલા પિતાને જમાઇ સાથે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં જમાઇએ ઉશ્કેરાઈને કુહાડીનો ઘા સસરાને ઝીંકી દેતાં મોત નિપજ્યું હતું. કડાણા તાલુકાના મોટા પડાદરા ગામના રહીશ ભગાભાઈ મોતીભાઇ તાવિયાડની પુત્રી ઈલાબહેનના લગ્ન તાલુકાના અમથાણી ગામના ડામોર શૈલેષભાઈ રમણભાઇ (ઉ.વ.૨૩) સાથે એક વર્ષ અગાઉ થયા હતા. જેમાં 29મી ઓક્ટોબર,21ના રોજ સસરા ભગાભાઈ મોતીભાઇ તાવિયાડ તેની પુત્રી ઈલાબહેનને દિવાળીનો તહેવાર આવતો હોવાથી તેડવા માટે પુત્રીની સાસરી અમથાણી મુકામે ગયાં હતાં.
જ્યાં પુત્રી ઈલાબહેનને તેડી જવા બાબતે પતિ શૈલેષભાઈ અને ઈલાબેનના પિતા ભગાભાઈ ત્રણેય વચ્ચે સાંજે બોલાચાલી થઈ હતી. જેમાં ઉશ્કેરાયેલા ઈલાબહેનના પતિ શૈલેષભાઈએ પોતાના ઘરમાંથી કનકા કુહાડી (ફરસી) લઈ આવી સસરા ભગાભાઈના મોઢાંના ભાગે અને ડાબા પગે ઢીંચણથી નીચેના ભાગે કુહાડીના ઘા મારી જીવલેણ હમલો કર્યો હતો. આ હુમલામાં સસરા ભગાભાઈનું ઘટના સ્થળ પર જ મોત નિપજયું હતું. જયારે પત્ની ઈલાબહેનને પણ કુહાડીના ઘા મારી દેતાં ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.
આ બનાવની જાણ થતા કડાણા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.આર.મોઢીયા તથા સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ભગવાનભાઈની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. જ્યારે મરનાર ભગાભાઈની પુત્રી ઈલાબેનને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે લુણાવાડા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. જયાંથી વધુ સારવાર અર્થે એસ.એસ.જી. હોસ્પિટલ,વડોદરા ખસેડવામાં આવ્યાં છે. કડાણા પોલીસે ફરીયાદી ભારતભાઈ પગીની ફરીયાદના આધારે તપાસ હાથ ધરી ગુનો નોંધી શૈલેષભાઈ ડામોરની ધરપકડ કરી છે.