ફરી એકવાર જમ્મુ-કાશ્મીરમાં બિન-કાશ્મીરીઓ પર નિશાન સાધવામાં આવી રહ્યું છે. આ સમગ્ર પ્રકરણને મીડિયા ટાર્ગેટ કિલિંગનું નામ આપી રહી છે પરંતુ આ એક ખૂબ જ વિચારીને રચવામાં આવેલું ષડયંત્ર છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે કલમ 370 નાબૂદ થયાં પછી પહેલીવાર કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે કાશ્મીરની મુલાકાત લેવાની ફરજ પડી છે. 1990ના દાયકામાં જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટે પણ આવી જ રીતે નિર્દોષ નાગરિકોને મારવાના શરૂ કર્યા હતાં જેમાં કાશ્મીરી પંડિતોએ મોટા પાયે હિજરત કરવાની ફરજ પડી હતી.
આ પ્રકરણના 32 વર્ષ પછી ફરી એક વખત બિન કાશ્મીરી ખાસ કરીને બિન મુસ્લિમને આતંકવાદીઓ ટારગેટ કરી રહ્યાં છે. આ ભયના માહોલ વચ્ચે પ્રવાસી મજૂરો તો કાશ્મીર છોડી જ રહ્યાં છે પરંતુ સરકાર માટે સૌથી મોટો પડકાર સ્થાનિક નાગરિકોની સુરક્ષાનો પણ ઉભો થયો છે. આતંકવાદીઓએ શ્રીનગરના ઇદગાહ વિસ્તારમાં બિહારના એક પાણી-પુરી વેચનારા વ્યક્તિ પર ગોળી ચલાવી હતી. જેમાં તેમનું મોત થયું છે. જ્યારે બીજી તરફ પુલવામામાં ઉત્તરપ્રદેશના રહેવાસી સગીર અહમદને પણ ઠાર કરવામાં આવ્યો હતો. આઈજીપી કાશ્મીર વિજય કુમારે આ વાતની પુષ્ટિ પણ કરી છે.
આ ઘટનાના થોડા સમય બાદ યુપીના મજૂર સગીર અહમદને પુલવામામાં ગોળી વાગી હોવાની માહિતી મળી આવી હતી. તેમનું પણ મોત થયું છે. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ષડયંત્ર મુજબ, હાલમાં આતંકવાદીઓએ બિન-મુસ્લિમ અને બિન-કાશ્મીરી લોકોને નિશાન બનાવી રહ્યા છે. 5 ઓક્ટોબરે શ્રીનગરમાં બિહારના દુકાનદારની હત્યા કરી હતી. સપ્ટેમ્બરમાં કુલગામના નેહામા વિસ્તારમાં આતંકવાદીઓએ બિહારના એક મજૂરની હત્યા કરી હતી. ચાલુ મહિનામાં આતંકીઓએ 8 નાગરિકોની હત્યા કરી છે. તેમાંથી 5 લઘુમતી સમુદાયના છે. ગયા અઠવાડિયે શ્રીનગરની એક સરકારી શાળામાં બે શિક્ષકની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અગ્રણી કાશ્મીરી પંડિત અને શ્રીનગરની સૌથી પ્રખ્યાત ફાર્મસીના માલિક માખન લાલ બિંદુની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. એક ‘ચાટ’ વિક્રેતા, બિહારના વીરેન્દ્ર પાસવાન અને અન્ય એક નાગરિક મોહમ્મદ શફી લોનની પણ આતંકવાદીઓએ હત્યા કરી હતી. સત્તાવાર આંકડાઓ અનુસાર, 2021 માં અત્યાર સુધીમાં આતંકવાદીઓ દ્વારા કુલ 29 નાગરિકોની હત્યા કરવામાં આવી છે.
પાકિસ્તાની એજન્સી આઈએસઆઈએ તાજેતરમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે) માં અનેક આતંકવાદી સંગઠનોના નેતાઓને મળ્યા હતા અને તેમને કાશ્મીરી પંડિતો અને બિન-મુસ્લિમોને નિશાન બનાવીને જમ્મુ-કાશ્મીરમાં વધુ હુમલા કરવા જણાવ્યું હતું. તદનુસાર, એજન્સીઓએ એલર્ટ જારી કર્યું છે. આ મુજબ ISI એ આતંકવાદીઓને ટાર્ગેટ કિલિંગ વધારવા માટે કહ્યું છે. જમ્મુ કાશ્મીરમાં સેનાના 9 જવાનોની શહાદત બાદ સેનાએ સર્ચ ઓપરેશન ઝડપી બનાવી દીધુ છે. આ વચ્ચે રાજૌરીમાં જવાનોએ લશ્કરના 6 આતંકીઓને માર્યા હતાં.
મંગળવારે સેનાએ રાજૌરીના જંગલોમાં પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના 6 આતંકીઓને ઠાર માર્યા હતાં. આ મહિનામાં જ સેનાએ કુલ 13 આતંકવાદીઓને ઠાર માર્યા છે. ટારગેટ કિલિંગ બાદ સેનાએ આતંકીઓના સફાયાને લઈને ચલાવવામાં આવી રહેલા ઓપરેશનને વધુ તેજ કરી દીધુ છે. આ વચ્ચે સેનાએ રાજૌરી સેક્ટરના જંગલમાં એક મોટી સફળતા મળી છે. સેનાએ અહીં લશ્કરના 6 આતંકીઓને મારી નાખ્યા છે. હજુ કેટલાક આતંકીઓના છુપાયા હોવાની આશંકા છે. સર્ચ અભિયાન હાલ ચાલુ છે.
તો બીજી તરફ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ શનિવારે જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચી ગયા છે. ઓગસ્ટ ૨૦૧૯માં કલમ ૩૭૦ નાબૂદ કરવામાં આવી તેના પછી તેમની કાશ્મીરની આ પ્રથમ મુલાકાત છે. તેઓ અહીં આવ્યા બાદ ત્રાસવાદીઓના હાથે હત્યા કરાયેલા એક પોલીસ અધિકારીના કુટુંબને મળવા સીધા પહોંચ્યા હતા. તેમણે ત્યારબાદ કાશ્મીર ખીણમાં સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરવા માટેની એક બેઠકની અધ્યક્ષતા સંભાળી હતી.
ગૃહ મંત્રી, કે જેઓ અહીં ત્રણ દિવસની મુલાકાતે આવ્યા છે તેમની આ મુલાકાત પર સમગ્ર દેશની નજર છે જો કે શનિવારે ખીણના ઘણા ભાગોમાં ભારે વરસાદ અને બરફ વર્ષાનો દિવસ હતો, અને જો હવામાન સુધરશે તો તેઓ રવિવારે એક રેલીને સંબોધન કરવા જમ્મુની મુલાકાતે જશે અને ફરી શ્રીનગર પાછા ફરશે એમ અધિકારીઓએ જણાવ્યું હતું. અમિત શાહ આજે અહીં આવ્યા બાદ સૌથી પહેલા જમ્મુ અને કાશ્મીર પોલીસના એક પોલીસ ઇન્સ્પેકટર પરવેઝ અહમદના કુટુંબીજનોને મળવા ગયા હતા. આ પોલીસ અધિકારીની હત્યા ત્રાસવાદીઓએ ૨૨ જૂનના રોજ તેમના વતન નોગામમાં કરી હતી જ્યારે તેઓ એક મસ્જિદમાં સાંજની નમાઝ પઢીને પરત ફરી રહ્યા હતા.
શાહે કુટુંબીજનોને આશ્વાસન આપ્યું હતું અને પરવેઝના વિધવા ફાતીમાને સરકારી નોકરીનું નિમણુકપત્રક આપ્યું હતું. તેમણે રાજ ભવન ખાતે એક સુરક્ષા સમીક્ષા બેઠકમાં જમ્મુ-કાશ્મીરની સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરી હતી અને કાશ્મીર ખીણમાં ત્રાસવાદ સામે લડવા માટે લેવાયેલા પગલાઓની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં લેફટેનન્ટ ગવર્નર સહિત ટોચના વહીવટી અધિકારીઓ તથા વરિષ્ઠ સુરક્ષા અધિકારીઓએ ભાગ લીધો હતો. જો કે હજી સુધી તેમનું કોઇ સત્તાવાર નિવેનદ આવ્યું નથી એટલે બિન કાશમીરીઓની હત્યા પર તેઓ શું કહેશે તેની પર પણ સૌની નજર રહેશે. જો કે, ટાર્ગેટ કિલિંગનો આ સિલસિલો સરકારે કોઇપણ ભોગે ખતમ કરવો જ પડશે નહીં તો ફરીથી પ્રવાસીની સાથે સાથે મૂળ કાશ્મીરીઓની પણ ફરી એક વખત હિજરત શરૂ થઇ જશે.