Dakshin Gujarat Main

જંબુસરમાં દુકાનદારોને દાદાગીરી ભારે પડી, નોટીસની અવગણના કરનાર સામે પાલિકા કમિશનરે કડક કાર્યવાહી કરી

જંબુસર: જંબુસર નગરપાલિકાની (Jambusar Municipality) બે જગ્યામાં દુકાનદારોએ ૨૭ દુકાન પર ગેરકાયદે કબજો કરવાના મુદ્દે મુખ્ય અધિકારીએ કડક હાથે નોટિસ (notice) આપ્યા બાદ સીલ (seal) મારતાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો.

જંબુસર નગરપાલિકા દ્વારા પાલિકાની જગ્યામાં બનાવેલા શોપિંગ સેન્ટરમાં (Shopping center) પાછળના ભાગે બનાવેલી ૯ દુકાન તથા ટંકારી ભાગોળ નજીક બાકરસા તળાવ પાસેના શોપિંગ સેન્ટરમાં ૧૮ દુકાન મળી કુલ ૨૭ દુકાનનું નિયમોનુસાર મૂલ્યાંકન કરી સરકારની ૬૫(૨) મુજબ મંજૂરી મેળવી હરાજી કરી ભાડે આપવાની હોય છે. જો કે, આ નિયમોનુસાર કાર્યવાહી ન થતાં તત્કાલીન કમિશનર ક્ષિપ્રા અગ્રવાલની કોર્ટમાં ૨૫૮નો કેસ ચાલ્યો હતો. જેમાં નગરપાલિકાએ તા.૨૯-૧૦-૨૦૧૬ને કાયમી અસરથી મોકૂફ કરી ઠરાવમાં દર્શાવીને શોપિંગ સેન્ટરની દુકાનો મૂળ સ્થિતિમાં પ્રસ્થાપિત કરવા તથા નગરપાલિકા અધિનિયમ કલમ ૬૫(૨) અંગેની પરવાનગી મેળવ્યા બાદ હરાજી કરવા માટે હુકમ થયો હતો.

દુકાનદારો દુકાન ખાલી ન કરતા પાલિકા દ્વારા નોટિસ અપાય

પ્રાદેશિક કમિશનરના હુકમ અમલ કરવા અર્થે જંબુસર નગરપાલિકાના તત્કાલીન મુખ્ય અધિકારી પરાક્રમસિંહ મકવાણાએ શોપિંગ સેન્ટરના દુકાનદારોને સાત દિવસની નોટિસ ફટકારી ફટકારીને દુકાન ખાલી કરીને પાલિકાને કબજો સુપરત કરવા જણાવ્યું હતું. ત્યારબાદ મુખ્ય અધિકારીની બદલી થતાં તેમના સ્થાને મુખ્ય અધિકારી તરીકે યોગેશ ગણાત્રા નિયુક્ત થતાં ફરીવાર દુકાનદારોને દુકાન ખાલી કરીને પાલિકાને કબજો આપવા નોટિસ ફટકારી હતી.

અધિકારી દ્વારા 9 દુકાનો સીલ કરાય


જો કે, મુખ્ય અધિકારીએ નવ દુકાનોનો કબજો લેવા માટે સીલ મારવાની કામગીરી હાથ ધરી હતી. એક દુકાનદારે કાનૂની સલાહ મેળવવા માટે લેખિતમાં અરજી કરતાં સોમવાર સુધીનો ટાઈમ આપ્યો હતો. ત્યારબાદ કોઈ પ્રક્રિયા દુકાનદારોએ હાથ ન ધરતાં ગુરુવારે મુખ્ય અધિકારી યોગેશ મકવાણા સ્ટાફ સાથે જઈને બંને શોપિંગ સેન્ટરની દુકાનોનો કબજો લેવા પહોંચતાં મામલતદાર સામેની નવ દુકાન તેમજ બાકરસા તળાવ સામેના શોપિંગ સેન્ટરમાં ૧૮ દુકાન પણ સીલ કરી હતી. નગરપાલિકાના કડકાઈભર્યા વલણથી દુકાનદારોએ નાણાં ખર્ચીને દુકાન લીધા બાદ આખરે નાણાં ગુમાવવાનો વારો આવ્યો હતો. આ ઘટનાથી જંબુસરમાં ગેરકાયદે કબજો કરનારા શખ્સોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

Most Popular

To Top