Editorial

ઇરાનમાં એમબીબીએસ સુધીની છ વર્ષ ફી માત્ર 15થી 30 લાખ હોવાથી ભારતીય વિદ્યાર્થી ત્યાં જાય છે

હાલમાં જ ઇરાન પર ઇઝરાયેલે હુમલો કરતાં ત્યાં ભારતીય વિદ્યાર્થી ફસાયા હતા જેમને આર્મેનિયાના માર્ગે ભારત પરત લાવવામાં આવ્યા હતા ત્યારે પ્રશ્ન એ થાય છે કે ભારતીય વિદ્યાર્થી ત્યાં જાય છે શા માટે ?એમબીબીએસનો અભ્યાસ બીજા દેશોની સરખામણીએ ખૂબ સસ્તો છે. ભારતીય વિદ્યાર્થી મેડિકલના અભ્યાસ માટે યુક્રેન જેવા દેશોમાં પણ જાય છે, પરંતુ ત્યાં પરિસ્થિતિ ખરાબ હોવાના લીધે હવે તેઓ ઈરાન તરફ જઈ રહ્યા છે, ઈરાનમાં છ વર્ષના એમબીબીએસની કુલ ફી લગભગ 15થી 30 લાખ રૂપિયા છે, જ્યારે બાંગ્લાદેશમાં આ ફી બે ગણી એટલે કે 60 લાખ રૂપિયા સુધી હોય છે.

ઈરાનમાં એમબીબીએસના અભ્યાસ માટે મુખ્ય યુનિવર્સિટીઝમાં તહેરાનમાંની ઈરાન યુનિવર્સિટી ઑફ મેડિકલ સાયન્સિસ, ઇસ્લામિક આઝાદ યુનિવર્સિટી ઑફ મેડિકલ સાયન્સિસ, શાહિદ બેહેશ્તી યુનિવર્સિટી અને કેરમાન યુનિવર્સિટી સામેલ છે. ઍજ્યુકેશન ઝોન અને આ પ્રકારની ઘણી એજન્સીઓ ભારતીય વિદ્યાર્થીઓને વિદેશમાં ઍડમિશન અપાવવામાં મદદ કરે છે. ઈરાનમાં ઍડમિશન પ્રક્રિયામાં મદદ કરનાર એક એજન્સીના એક કર્મચારીએ નામ જાહેર નહીં કરવાની શરતે જણાવ્યું, “ઈરાનમાં શિષ્યવૃત્તિ પણ સારી મળે છે, આ કારણે અહીંના વિદ્યાર્થીઓ મોટા પ્રમાણમાં ઈરાન તરફ જઈ રહ્યા છે.

વિદેશમાં શિક્ષણ અપાવતી સંસ્થાઓ અનુસાર, બીજા દેશોની સરખામણીએ ઈરાનમાં ખૂબ ઓછી ફી છે. કાશ્મીરનાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ ઈરાન જવાનું એક મોટું કારણ ઓછી ફીની સાથોસાથ ત્યાંનાં રહેણીકહેણી અને વાતાવરણ પણ છે, જે તેમને પોતાના ઘર જેવો અહેસાસ કરાવે છે. દુનિયાભરના શિયા મુસલમાનો માટે ધાર્મિક શિક્ષણનું એક મુખ્ય કેન્દ્ર હવે ઈરાન બની ચૂક્યું છે. જોકે, ઇરાકના નઝફ અને સીરિયાનાં દમાસ્કસ શહેરમાં પણ વિદ્યાર્થીઓ ધાર્મિક શિક્ષણ મેળવે છે. પરંતુ, ઇરાકમાં સદ્દામ હુસૈનના શાસનકાળ દરમિયાન ધાર્મિક શિક્ષણનું કેન્દ્ર ધીરે ધીરે ઈરાન તરફ શિફ્ટ થઈ ગયું.

અહીંનાં મશહદ અને કુમ શહેરોમાં વિદ્યાર્થીઓ ધાર્મિક શિક્ષણ લેવા માટે આવે છે. ઈરાનમાં જે ભારતીય વિદ્યાર્થીઓ ધાર્મિક શિક્ષણ પ્રાપ્ત કરવાના હેતુથી જાય છે, તેમના માટે અનેક સુવિધાઓ ઉપલબ્ધ છે. તેમના અભ્યાસનો સમગ્ર ખર્ચ ઈરાની સરકાર ઉઠાવે છે. કુમ શહેર તહેરાનથી લગભગ 150 કિલોમીટર દૂર આવેલું છે, ધાર્મિક શિક્ષણનું એક મોટું કેન્દ્ર છે. અહીં પાંચથી છ મુખ્ય મદરેસા છે, જેમાં આધુનિક શિક્ષણની સાથે સાથે ધાર્મિક શિક્ષણ પણ આપવામાં આવે છે. આ પણ એક કારણ છે કે જેના કારણે વિદ્યાર્થીઓ ત્યાં જવા માટે પ્રેરાય છે. ચીનમાં પહેલા એમબીબીએસ માટે આકર્ષણ હતું પરંતુ ત્યાં કોરોના બાદ જનારાની સંખ્યા ઘટી ગઇ છે એટલું જ નહીં રશિયા અને યુક્રેન પણ સૌથી સારા ડેસ્ટિનેશન ગણાતા હતા પરંતુ ત્યાં યુદ્ધ ચાલે છે એટલે હવે ભારતીય વિદ્યાર્થીઓએ ઇરાન પર પસંદગી ઉતારી છે.

Most Popular

To Top