૧૮૬૯ માં પોરબંદરમાં જન્મેલા મોહનદાસ કરમચંદ ગાંધીના જન્મને આ વર્ષે એકસો પંચાવન વર્ષ પૂરાં થશે. જાણકારો માને છે કે ગાંધીજીના વિચારોને જીવનમાં ઉતારવા એ જ સાચી ઉજવણીની રીત છે. આપણે આ કોલમમાં હમણાં શિક્ષણની વાસ્તવિક સ્થિતિ શું છે તે તપાસી રહ્યા છીએ ત્યારે એ તપાસીએ કે ભારતના શિક્ષણમાં ગાંધી મૂલ્યો કયાં છે? ગાંધીજી આ યુગનું આશ્ચર્ય છે. કોઈ નવલોહિયો કોમ્પ્યુટરના સહારે ગાંધીજીએ લખેલા પત્રો, એમણે કરેલાં આંદોલનો, એમણે આપેલાં પ્રવચનો, એમનો જેલવાસ બધું ભેગું કરે તો એને બે ઘડી વિચાર આવે કે આટલું બધું કામ એક માણસ આટલા સમયમાં કરી કેવી રીતે શક્યો? અંગ્રેજ વાઈસરોયથી માંડીને ખેડૂત સુધી સૌને ગાંધીજી પત્ર લખતાં. કદાચ આટલા પત્રો લખનારા ગાંધીજી દુનિયાના એકલા માનવી હશે.
કોઈ એવું ક્ષેત્ર નથી જેના માટે ગાંધીજીએ લખ્યું ના હોય અને આજે ભારતે થોડું આત્મદર્શન કરવાની જરૂર છે કે દેશ અને સમાજનું એવું કયું ક્ષેત્ર છે જ્યાં આપણે આજે ગાંધીવિચારનો અમલ કર્યો હોય. ગાંધીજી એક જગ્યાએ બોલ્યા હતા કે ભારત આઝાદી મેળવીને કેવો દેશ બનશે તો કહે એવો દેશ બનશે કે તેને જોઈને દુનિયા કહે કે આઝાદ થવું તો આ રીતે થવું? શું અત્યારે દુનિયા કહેશે કે આઝાદ થવું તો આ રીતે થવું? દુનિયા આખીમાં જે ગાંધીની વાતો છે એ જ ગાંધીના એક પણ વિચાર આપણે જીવનના એક પણ ક્ષેત્રમાં સ્વીકાર્યા નથી. ઇવન શિક્ષણમાં પણ નહિ.
સ્વતંત્ર ભારતના આટલા વર્ષના ઇતિહાસમાં આપણે એક પણ વખત મેકોલે આપેલી શિક્ષણ પદ્ધતિમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન નથી કર્યો. ભારતીય શિક્ષણની સૌથી મોટી નબળાઈ એ છે કે તેમાં ભારતીયપણું નથી. ગાંધીજી દેશના ખૂણે ખૂણા ફર્યા અને સમાજજીવનની વિવિધતાને સમજ્યા પછી તેમણે ભારતીય અર્થતંત્ર વિષે વિચારો રજૂ કર્યા. એવી જ રીતે ભારતીય શિક્ષણ કેવું હોય તેના વિચારો રજૂ કર્યા પણ સ્વતંત્રતા માટે ગાંધીજીનો ઉપયોગ કર્યા પછી આપણે ગાંધીજીના વિચારોનો આઝાદ ભારતમાં ઉપયોગ જ ના કર્યો. ઉલટાનું ગાંધીજીને જે પ્રિય ના હતું એ દંભ આચર્યો અને ગાંધીજી ઈચ્છતા હતા એ બુનિયાદી શિક્ષણનો આપણે છેદ જ ઉડાવી દીધો.
માત્ર બે ચાર ગાંધીવાદી સંસ્થાનોમાં આ પદ્ધતિ મુજબ શિક્ષણ આપ્યું પણ જન સામાન્ય તો પેલી મેકોલે સિસ્ટમ જ બાળકો ભણાવતાં હતાં એમાં ખાનગીકરણ આવ્યું. ગાંધીવિચારમાં રસ ના હતો એ સૌને ગાંધીછાપની નોટોમાં રસ પડ્યો અને શિક્ષણનો વેપાર ચાલુ થયો. સાચા ગાંધીવિચારને વરેલો માણસ ક્યારેય શિક્ષણના વેપારીકરણનો સ્વીકાર ના કરે. ગાંધીજીના ટ્રસ્ટીશીપના સિધ્ધાંતથી પ્રેરાઈને જેમણે પોતાની મિલકતો સમાજ માટે વાપરવા કાઢી ટ્રસ્ટ બનાવ્યાં અને શિક્ષણ સંસ્થાઓ ખોલી તેમના જ વંશજ આજે એ જ ટ્રસ્ટનો દુરુપયોગ કરીને સમાજને લૂંટી રહ્યા છે. આપણી શિક્ષણ સંસ્થાઓના સંચાલનથી માંડીને શિક્ષણમાં ભણવામાં આવતા પાઠ્યક્રમ સુધી ક્યાંય ગાંધીજી રહ્યા નથી.
પ્રાથમિક શાળાઓમાં રોજ સવારે “સત્ય, અહિંસા, ચોરી ના કરવી, વણજોઈતું નવ સંઘરવું, બ્રહ્મચર્ય ને જાતે મહેનત કોઈ અડે નવ અભડાવું. અભય, સ્વદેશી, સ્વાદ ત્યાગ ને સર્વ ધર્મ સરખા ગણવા. આ અગિયાર મહાવ્રત સમજી નમ્રપણે દૃઢ આચરવા. આ પ્રાર્થના ગવાતી હતી તે પણ હવે બંધ થઇ ગઈ. જો પ્રાર્થના ગવાતી જ બંધ થઇ જાય તો અગિયાર વ્રત પાળવાની વાત જ ક્યાં રહે છે?ગાંધીજી માતૃભાષાના આગ્રહી હતા. તેમનું અંગ્રેજી પણ સારું જ હતું. વિશ્વમાં મધર ટંગ અને અધર ટંગની થિયરી જ સ્વીકાર્ય છે. મતલબ કે માતૃભાષા અને અન્ય ભાષા બે ભાષા શિક્ષણમાં હોય. ગાંધીજી કદી ત્રણ-ચાર ભાષા અને તે પણ ફરજિયાત ભણાવવાની તરફેણ ન કરતાં અને અત્યારે જે રાષ્ટ્રીય કક્ષાએ ભાષાનો વિવાદ શરૂ થયો છે તે ન થવા દેત. મૂળમાં ગાંધીજી માત્ર રાજકીય સ્વતંત્રતા નહીં પણ મૂળભૂત સ્વતંત્રતાના લક્ષ્યને સિધ્ધ કરવામાં માનતા અને માટે તેમનો કેળવણીનો ખ્યાલ શુદ્ધ ભારતીય હતો. આજના આપણા શિક્ષણમાં આપણે ભારતીયતાનો તો કાંટો જ કાઢી નાખ્યો છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.