નડિયાદ: અમદાવાદ ઈન્દોર હાઇવે પરથી પસાર થતી હલદરવાસની 108 ટીમે એમ્બ્યુલન્સમાં મહિલાની પ્રસુતિ કરાવી જોડિયા બાળક અને માતાની જિંદગી બચાવી લીધી હતી. બાદમાં 108ની ટીમે મહિલા અને બંને બાળકોને વધુ સારવાર માટે અમદાવાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મહેમદાવાદ તાલુકાના હલદરવાસ ખાતે ઉભી રહેતી 108 એમ્બ્યુલન્સને ગઈકાલે સોમવારે હાજર સ્ટાફ કેસરીસિંહ ઝાલા તથા મહેન્દ્રસિંહ સોલંકી પર ઇમરજન્સી સેવા માટે મીરઝાપુરથી સારવાર માટે કોલ મળ્યો હતો. જેથી 108ની ટીમ તેમજ પાયલોટ મહેન્દ્રસિંહ સોલંકી કોલના સ્થળે દોડી ગયા હતા. 108ની ટીમે પ્રસૂતિની પીડાથી પીડાતી પરણિતા કવિબેન કમલેશભાઈ કુશવાહ (ઉં.23)ને એમ્બ્યુલન્સમાં લીધી હતી.
જેમાં રિપોર્ટ પરથી પ્રસુતાને ટ્વીન પ્રેગ્નન્સી હોવાનું જણાઈ આવ્યું હતું. આ પરિણીતાને અસહય પ્રસૂતિ પીડા થતા 108 એમ્બ્યુલન્સની ટીમે પ્રસુતાને એમ્બ્યુલન્સમાં નોર્મલ પ્રસુતિ કરાવી હતી. માતા અને બંને નવજાત બાળકોને તુરંત જ વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આમ 108ની ટીમે એમ્બ્યુલન્સમાં મહિલાની પ્રસુતિ કરાવી માતા અને બંને જોડિયા બાળકોની જિંદગી બચાવી લીધી હતી. હાલમાં માતા અને બંને બાળકો સ્વસ્થ હાલતમાં છે. પ્રસુતાના પરિવારજનોએ 108 એમ્બ્યુલન્સ ટીમનો આભાર માન્યો હતો.