Comments

ગુજરાતમાં જ નવી શિક્ષણ નીતિનો ઉચ્ચ શિક્ષણમાં “ઘડો લાડવો”કરી નાખ્યો

કેન્દ્રમાં ભાજપની સરકાર, રાજ્યમાં ભાજપની સરકાર, ગુજરતની સરકારી યુનિવર્સિટીઓમાં ભાજપના જ કુલપતિ શ્રી અને રજીસ્ટાર અને વર્ષો પછી જેમાં પરિવર્તન થયું છે તે ભાજપ સરકારની મહત્ત્વાકાંક્ષી નવી શિક્ષણ નીતિ. બીજે બધે તો ઠીક છે ખુદ ગુજરાતમાં જ નવી શિક્ષણ નીતિનો ઘડો લાડવો કરી નાખવામાં આવ્યો છે અને એ પણ સેલ્ફ ફાઈનાન્સ યુનિ.માં નહીં સરકારની પોતાની જ યુનિવર્સિટીઓમાં વર્ષ ૨૦૨૦ સરકારે નવી શિક્ષણ નીતિની જાહેરાત કરી, ગુજરાતમાં તેનો બે વર્ષ પછી ૨૦૨૩ થી અમલ થયો અને હવે તો તેને પણ ત્રણ વર્ષ પૂરાં થશે એટલે ઉચ્ચ શિક્ષણમાં કોલેજમાં નવી શિક્ષણ નીતિ મુજબ પ્રથમ સેમેસ્ટરમાં દાખલ થયાં હોય તેવાં વિદ્યાર્થીઓ ત્રીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યાં છે.

આ વર્ષ પૂરું થતાં તેમના 6 સેમેસ્ટર પૂરાં થાય. હવે નવી શિક્ષણ નીતિ મુજબ જો વિદ્યાર્થી ત્રણ જ વર્ષ કોલેજ કરવા માંગે છે તો તેને ડીગ્રી આપવાની થાય અને જો ચોથું વર્ષ અભ્યાસ ચાલુ રાખે તો તેના અભ્યાસની વ્યવસ્થા કરવાની થાય એટલે કે અત્યાર સુધી કોલેજોમાં ત્રણ સેમેસ્ટર એક સાથે ભણાવાતા હતા. તેમાં ચોથા સેમેસ્ટરના અભ્યાસની વ્યવસ્થા કરવી પડે! એક સેમ. પતી ગયું છે પણ યુનિવર્સિટી તો આ ગંભીર મુદ્દો સમજી નથી. જૂની નીતિમાં આ વર્ષ માસ્તરનું પ્રથમ વર્ષ હતું. હવે આ કોલેજનું ચોથું વર્ષ થશે તો ફી નક્કી કરવાથી માંડીને કોલેજોમાં વર્ગ ખંડો વધારવા સુધીની વ્યવસ્થા કરવી પડશે. ચાર સેમ.ના સમયપત્રકો બનાવવાં પડશે. હવે પછી ચાર સેમ ઈ-પરીક્ષાઓ લેવી પડશે.

નવી શિક્ષણ નીતિમાં નવું શું છે? એમ કોઈ પૂછે તો તેનો પ્રથમ જવાબ એ છે કે વિદ્યાર્થી બાજુએ સ્વતન્ત્રતા એ આ નીતિનો મુખ્ય અને નવો મુદ્દો છે. એટલે કે જૂની શિક્ષણ નીતિમાં વિદ્યાર્થી બારમું પાસ કર્યા પછી કોલેજમાં સ્નાતકનો અભ્યાસ શરૂ કરે ત્યારે જો તે કોમર્સ લાઈનમાં જવાનું નક્કી કરે તો તેના વિષયો આપોઆપ નક્કી થઇ જતા. સાયન્સ, આર્ટસમાં થોડા વિકલ્પો મળતા પણ મહદ્ અંશે જે કોલેજમાં જે વિષય મળતા હોય તે જ પસંદ કરવા પડતા. હવે નવી શિક્ષણ નીતિમાં વિદ્યાર્થીને વિષય જાતે પસંદ કરવાની છૂટ છે. એટલું જ નહીં એક કોલેજમાં બધા વિષય નથી મળતા તો તે બે કોલેજોમાં અભ્યાસ કરી શકાશે અને એક કોલેજ અને એક ઓનલાઈન એમ બે જગ્યાએથી પણ અભ્યાસ કરી શકાશે.

હવે આ સ્વતન્ત્રતાના સંદર્ભે જો ગુજરાતમાં બે વર્ષના અનુભવને તપાસીએ તો જોવા મળે છે કે ક્યાંય આ સ્વતન્ત્રતા વિદ્યાર્થીને મળી નથી! વળી આર્ટસ સાયન્સમાં જૂની પરમ્પરા હતી જ કે જેને ગુજરાતી સાથે સ્નાતક થવું હોય તે ગુજરાતી સાથે સ્નાતક થાય અને જેને હિન્દી મુખ્ય વિષય લેવો હોય તે હિન્દી રાખે. વિજ્ઞાન પ્રવાહમાં કેમેસ્ટ્રી કે મેથ્સ પસંદ કરી જ શકાતું હતું. જે નવામાં પણ આપવામાં આવે છે પણ કોમર્સનાં વિદ્યાર્થીઓને આ સ્વતન્ત્રતા આજે પણ નથી. નવી નીતિમાં સ્પષ્ટ છે કે યુનિવર્સિટીએ વિદ્યાર્થીને વિષય નથી આપવાના, વિષય પસંદગીના જુદા જુદા બાસ્કેટ આપવાના છે જેમાં વિષયોના વિવિધ વિકલ્પ હોય પણ ના ગુજરાતની મોટા ભાગની યુનિવર્સિટીમાં કોમર્સ એ જ જુના ફિક્સ મેનુમાં ચાલે છે.

વળી એક બે યુનિવર્સિટી તો ક્રેડીટ ગુણની ગણતરીમાં પણ ગોટાલા કરી બેઠી છે એટલે આ વર્ષ પૂરું થતાં જે વિદ્યાર્થી ડીગ્રી માંગશે તેને સ્પેશ્યલાઇઝ વિષય સાથે ડીગ્રી મળશે નહીં પણ જનરલ ડીગ્રી મળશે જે ઘણા પ્રશ્નો ઊભા કરશે. ત્રણ વર્ષના અમલ પછી પણ ગુજરાતનાં વાલીઓ અને વિદ્યાર્થીઓને આ નવી શિક્ષણ નીતિના માળખા વિષે કોઈ ખબર નથી અને આ સરકાર કે તંત્રની મોટી ખામી છે. ગામે ગામ રાજકીય પ્રચારમાં લાગતાં કાર્યકર્તાઓને નવી શિક્ષણ નીતિના પ્રસાર માટે મોકલ્યા હોત તો આ હાલત ના હોત.

નવી શિક્ષણ નીતિમાં ભારતીય જ્ઞાન પરમ્પરા છે જેમાં કોઈને કાંઈ ગતાગમ પડતી નથી. બધા જ પોતપોતાના વિષયમાં ભારતીય શબ્દ ઉમેરીને કોર્સ બનાવ્યાની જાહેરાત કરી દે છે. ઇન્ટર ડીસીપ્લીનરી અને મલ્ટી ડીસીપ્લીનરી વિષય માટે તો યુનિ. સત્તાવાળાને જ માંડ સમજ પડી છે ક્યાંક ક્યાંક અને એમ મોટો પ્રશ્ન તેના ભણાવનારાનો છે કોલેજોમાં વર્ષોથી. સોફ્ટ સ્કીલ કે વેલ્યુએડેડનાં અધ્યાપન થતાં જ નથી અને સૌથી મોટો પ્રશ્ન તો વિદ્યાર્થી હાજરીનો છે. નેવું ટકા કોલેજોમાં વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવ્યા પછી માત્ર પરીક્ષા આપવા જ આવે છે ત્યારે આવતા સત્રમાં એપ્રેન્ટિસશીપ ફરજીયાત કરવાની છે તે કેવી રીતે થશે તે મોટો પ્રશ્ન છે. ટૂંકમાં મોડલ રાજ્ય ગણાતું ગુજરાત નવી શિક્ષણ નીતિના અમલમાં મોડેલ પુરવાર થયું નથી. ઉલટાનું આવતા વર્ષથી હોબાળા શરૂ થશે તે નક્કી છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top