ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ જગદીશ ઠાકોરે આજે અમદાવાદના કોંગ્રેસ ભવન ખાતે તેમનો વિધિવત રીતે પદભાર સંભાળ્યો હતો. અમદાવાદ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પટાંગણમાં યોજાયેલા પદગ્રહણ સમારંભમાં નવનિયુક્ત પ્રમુખ જગદીશ ઠાકોરે ભાજપ સરકારને આડે હાથે લેતા કહ્યું હતું કે રાજ્યમાં દબાવવાની, ધરાવવાની અને કાવતરાખોર સરકાર ચાલી રહી છે જે, હવે નહીં ચાલે. ગુજરાતમાં કાલે ચૂંટણી આવતી હોય તો આજે ચૂંટણી આવે કોંગ્રેસ તેના રોડમેપ સાથે 2022માં સરકાર બનાવવા માટે તૈયાર છે.
નવા પ્રદેશ પ્રમુખના પદ ગ્રહણ સમારંભમાં રાજ્યભરમાંથી ઉપસ્થિત કોંગ્રેસ કાર્યકર્તાઓને સંબોધન કરતાં જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે 2022માં કોંગ્રેસની સરકાર બનવાની સાથે જ પહેલી જ કેબિનેટમાં ખેડૂતો ના દેવા માફ કરવાની જાહેરાત કરવામાં આવશે. રાજ્યની ભાજપ સરકાર કાવતરાખોર અને ડરાવવાની રાજનીતિ કરી રહી છે જે હવે નહીં ચાલે. 2022માં કોંગ્રેસની સરકાર સત્તા પર આવશે એટલે વિધવા સહાય બહેનોને ઓનલાઈન ફોર્મ ભરવા નહીં પડે, ગ્રામસેવક વિધવા બહેનોના ઘરે જઈને ફોર્મ ભરશે અને સહાય ના પૈસા પણ આપશે.
રાજ્યની ભાજપ સરકાર વેપારમાં જાણે ત્રીજો ભાગીદાર હોય તેમ નાના વેપારીઓને હેરાન કરી રહી છે, વેપારીઓ પણ હવે ભાજપ સરકારથી ત્રાસી ગયા છે, વેપારીઓ હવે કોંગ્રેસ પાસે અપેક્ષા રાખી રહ્યા છે. જગદીશ ઠાકોરે કહ્યું હતું કે જન્મથી કોંગ્રેસની વિરાસતને જાણુ છું. જે લોકોએ કો આઝાદીની લડાઈમાં અંગ્રેજોને મદદ કરી છે, તે લોકોને ઓળખતો હોવ ત્યારે મારા માટે પ્રદેશ પ્રમુખનો તાજ કાંટો ન હોઈ શકે. આઝાદીની લડાઇ લડીને વિશ્વમાં મહાસત્તા બનાવી હોય તોવી જો કોઈ પાર્ટી હોય તો તે કોંગ્રેસ છે. કોંગ્રેસ પાસે બધું હોવા છતાં માર્કેટિંગ કરવામાં પાછા પડ્યા છે. કોંગ્રેસના લોકો બોલકા નથી, કોઈ આડુ અવળું બોલે તો જવાદો તેમ કહી જવા કહીં દુઃપ્રચાર કરવાની છૂટ આપી તેનું આજે આ પરિણામ છે. હવે કોંગ્રેસે સજ્જ થવાની જરૂર છે, કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓએ આળસ ખંખેરીને હવે ગુજરાતની ગાદી માટે તૈયારીએ લાગી જવાનું છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે કોંગ્રેસની પ્રાથમિકતા કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 4 લાખની સહાય અપાવવી, કોરોના દરમિયાન ફરજ મૃત્યુ પામેલા સરકારી કર્મચારીઓના પરિવારમાંથી એક નોકરી આપવામાં આવે, અને કોરોનામાં ખાનગી હોસ્પિટલોમાં સારવાર દરમિયાન થયેલા બિલમાં રાહત આપી વળતર ચૂકવવામાં આવે, આ ઉપરાંત ખેડૂતોના પ્રશ્નો, બેરોજગાર યુવાનોના પ્રશ્નો, સહીત સામાન્ય જનતાને સ્પર્શતા તમામ પ્રશ્નો કોંગ્રેસની પ્રાથમિકતા રહેશે.
રાજ્યમાં ભાજપની સરકાર દ્વારા વાઇબ્રન્ટ સમિટમાં 25,૦૦૦ની ડીશ પીરસવામાં આવે છે, પરંતુ બેરોજગાર પોલીસ ભરતીના યુવાનોને 50 રૂપિયાનું પુરી શાક ખવડાવી શકતી નથી. ભાજપની નેતાગીરી ઉપર સવાલ ઉભો કરતાં તેમણે કહ્યું હતું કે ગુજરાતમાંથી એક પણ માઈનો લાલ ના મળ્યો કે, જેના પર ૧૦૮ કેસ હોય તેવા વ્યક્તિને ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે બેસાડવા પડ્યા. ગુજરાતની સરકાર કાવતરાખોર સરકાર હોવાથી તેમની સામે બુદ્ધિથી આક્રમકતાથી લડાઈ લડવા કોંગ્રેસ કાર્યકર્તાઓને આહ્વાન કર્યું હતું.
અમે આદિવાસી છીએ, ભાજપવાળા અમને વનવાસી બનાવવા બેઠા છે: સુખરામ રાઠવા
વિધાનસભામાં વિરોધ પક્ષના નવા નેતા તરીકે વરણી થયેલા સુખરામ રાઠવાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે ગુજરાતની ભાજપ સરકાર આદિવાસીઓના હક્કોનું હનન કરી રહી છે. ભાજપવાળા અમને, આદિવાસીઓને વનવાસી બનાવવા બેઠા છે, પરંતુ અમે આદિવાસી છે. સુખરામ રાઠવાએ વનબંધુ કલ્યાણ યોજનામા ચાલતી ગેરરીતિ અંગે કહ્યું હતું કે આ યોજનામાં કોઈ જ આદિવાસીઓનો વિકાસ થયો નથી. માત્ર ને માત્ર ભાજપની ભગીની સંસ્થાઓ અને તેમના મળતિયાઓ દ્વારા ખિસ્સા ભરવાનું કામ કરવામાં આવ્યું છે. તેમણે ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકરોને આળસ ખંખેરીને મહેનત કરવા લાગી જવા હુંકાર કરતાં કહ્યું હતું કે સંગઠનને ચેતનવંતુ બનાવીને કાગળ પરના નેતા નહીં પરંતુ મહેનત કરીને સત્તા મેળવવાની જરૂર છે.
ગુજરાત મોડેલ ખોખલું છે તેમાં કોઈ જ દમ નથી: પ્રભારી રધુ શર્મા
પ્રદેશ કોંગ્રેસના નવા વરાયેલા પ્રમુખના પદ ગ્રહણ સમારંભમાં કાર્યકર્તાઓને સંબોધન કરતા પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ જણાવ્યું હતું કે ગુજરાતનું મોડેલ ખોખલું છે, તેમાં કોઈ જ દમ નથી. કોરોના મહામારી દરમિયાન ગુજરાતમાં લાખો લોકોના મૃત્યુ થયા છે, કોરોનામાં ગુજરાતમાં ઇન્જેક્શનો અને દવાના કાળા બજાર થતાં હતા. આજે દેશમાં પેટ્રોલ, ડીઝલ, ગેસ સહિતના ભાવોએ માજા મુકી છે. ગુજરાતની જનતા મોંઘવારીથી ત્રસ્ત છે, ત્યારે હવે 2022માં ગુજરાતની જનતા ગુજરાતની અને 2024માં દેશની જનતા કોંગ્રેસને સત્તા અપાવશે,તેવો મનો સંપૂર્ણ વિશ્વાસ છે.