ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી કાળઝાળ ગરમી (Heat) પડી રહી છે. આજે મોટાભાગનાં શહેરોનું તાપમાન 40 ડિગ્રી ની ઉપર નોંધાયું હતું. આજે સૌથી વધુ ગરમી રાજકોટમાં (Rajkot) 41.9 ડિ.સે. નોંધાઇ હતી.
બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ગરમીના પ્રમાણમાં વધારો થવાની ચેતવણી આપી છે.
આજે દિવસ દરમિયાન ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં વાદળછાયા વાતાવરણને કારણે ગરમીમાં થોડી ઘણી રાહત જણાઈ હતી. તેમ છતાં રાજ્યના મોટાભાગનાં શહેરોનું તાપમાન 40 ડિ.સે.ની ઉપર નોંધાયું હતું.
હવામાન ખાતાના સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્યના અન્ય શહેરોમાં અમદાવાદમાં 41.8 ડિ.સે., વડોદરામાં 40.8 ડિ.સે., રાજકોટમાં 41.9 ડિ.સે., અમરેલીમાં 41.5 ડિ.સે., ગાંધીનગરમાં 42.2 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 41.8 ડિ.સે., જ્યારે નલિયામાં 36.1 ડિ.સે., તાપમાન નોંધાયું હતું.
અમદાવાદમાં બપોરના સમયે ટ્રાફિક સિગ્નલો બંધ રહેશે
રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે બપોરના સમયે રસ્તા પર વાહન ચાલકોને ટ્રાફિક સીગ્નલ પર ગરમીમાં ઉભા રહેવું ન પડે તે માટે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા બપોરના સમયે શહેરના રસ્તાઓ પરના ટ્રાફિક સીગ્નલો બંધ રાખવાનો નિણર્ય લીધો છે, જેથી વાહન ચાલકોને તડકામાં ચાર રસ્તા પર ટ્રાફિક સીગ્નલ પર ઉભા રહેવું ન પડે.
આવતા અઠવાડિયાથી ફરી ગરમી વધશે, પારો વધુ એક ડિગ્રી વધી ગયો
સુરત: શહેરમાં આજે મહત્તમ તાપમાનનો પારો વધુ એક ડિગ્રી ચઢતા બપોરે ગરમીમાં વધારો નોંધાયો હતો. આગામી અઠવાડિયામાં તાપમાનનો પારો 40 ડિગ્રીની નજીક પહોંચી તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.
- સુરતમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે 36.7 ડિગ્રી અને 27.5 ડિગ્રી નોંધાયું
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, શહેરમાં અઠવાડિયાના પ્રારંભે વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. સાથે જ ત્રણેક દિવસ સુધી સતત ઝડપી પવનો ફુંકાતા તાપમાનમાં સડસડાટ ઘટાડો નોંધાયો હતો. પરંતુ બે દિવસથી તાપમાનમાં ફરી વધારો નોંધાયો છે. તાપમાન વધવાનું કારણ દક્ષિણ-પશ્ચિમના પવન છે. આજે શહેરમાં મહત્તમ તાપમાન એક ડિગ્રી વધીને 36.7 ડિગ્રી નોંધાયું હતું. લઘુત્તમ તાપમાન આંશિક વધારા સાથે 27.5 ડિગ્રી નોંધાયું હતું. હવામાં 57 ટકા ભેજની સાથે 7 કિલોમીટરની ઝડપે દક્ષિણ-પશ્ચિમનો પવન ફુંકાયો હતો. આવતા અઠવાડિયા સુધી તાપમાનનો પારો વધીને 40 ડિગ્રી નજીક પહોંચે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.