Madhya Gujarat

ગળતેશ્વરના પડાલમાં એંઠવાડ બાબતે બે પાડોશી બાખડ્યાં

નડિયાદ: ગળતેશ્વર તાલુકાના રસુલપુર ગામમાં રહેતાં બે પાડોશી પરિવાર વચ્ચે ઘર આગળ એઠવાડ નાંખવા મુદ્દે તકરાર થઈ હતી. જે ઉગ્ર બનતાં બંને પરિવારો હાથાપાઈ પર ઉતરી આવ્યાં હતાં. જેમાં બંને પરિવારના મળી કુલ ચાર સભ્યોને ઈજા પહોંચી હતી. ગળતેશ્વરના પડાલ તાબે રસુલપુર ગામના ઈન્દિરાનગરી વિસ્તારમાં રહેતાં હંસાબેન પંકજભાઈ પરમારે ગતરોજ સાંજના સમયે વધેલાં દુધ-ભાત પોતાના ઘરની સામે રોડ પર નાંખ્યાં હતાં.

જેને પગલે તેમના ઘરની સામે રહેતાં ભારતીબેન શૈલેષભાઈ રાવળે અમારા ઘરની પાછળ એઠવાડ કેમ નાંખ્યો તેમ કહી હંસાબેનને ઠપકો આપતાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ભારતીબેન ઘરમાંથી સારવણી લઈ આવી હંસાબેનને મારમારવા લાગ્યાં હતાં. તો સામેપક્ષે હંસાબેને પણ સાવરણી વડે ભારતીબેન પર હુમલો કર્યો હતો. જોતજોતામાં ઝઘડો ઉગ્ર બની જતાં હંસાબેનના પતિ પંકજભાઈ ઝઘડો શાંત પાડવા વચ્ચે પડ્યાં હતાં.

તે વખતે ભારતીબેનના સસરાં સુરેશભાઈ ઉર્ફે મહેશભાઈ રાવળ અને સાસુ અંજુબેન આવી જતાં બંને પરિવારો વચ્ચે હાથાપાઈ થઈ હતી. આ બનાવ અંગે સેવાલિયા પોલીસે હંસાબેન પંકજભાઈ પરમારની ફરીયાદને આધારે ભારતીબેન શૈલેષભાઈ રાવળ, સુરેશભાઈ ઉર્ફે મહેશભાઈ રમણભાઈ રાવળ અને અંજુબેન સુરેશભાઈ રાવળ વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો. જ્યારે સામેપક્ષે ભારતીબેન શૈલેષભાઈ રાવળની ફરીયાદને આધારે પોલીસે પંકજભાઈ અને હંસાબેન વિરૂધ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top