Feature Stories

પાંચ વર્ષમાં ભારતમાં વકફની મિલ્કતો વધીને 8.7 લાખ થઈ ગઈ, મોદી સરકારે વક્ફ બોર્ડની સત્તા ઘટાડવાની યોજના બનાવી

તાજેતરમાં વકફ બોર્ડની જગ્યાનો મોટો વિવાદ સર્જાયો હતો. વકફ બોર્ડ દ્વારા ખોટી રીતે જગ્યાઓ લઈ લેવામાં આવી હોવાના આક્ષેપો પણ કરાયા હતા અને વકફ બોર્ડ પાસે અમર્યાદિત સત્તાઓ હોવાના વાંધાઓ પણ ઉઠાવવામાં આવ્યા હતા. આ મામલાને રાજકીય રંગ પણ અપાયો હતો. દેશભરમાં 8.7 લાખથી વધુ મિલકતો, કુલ આશરે 9.4 લાખ એકર, વક્ફ બોર્ડના અધિકારક્ષેત્ર હેઠળ છે. મોદી 3.0 સરકારે હવે વક્ફ બોર્ડની સત્તા ઘટાડવાની યોજના બનાવી છે. કેન્દ્ર સરકારે જૂના વકફ કાયદાઓને બદલવા માટે વકફ એમેન્ડમેન્ટ બિલ 2024 (Waqf amendment Bill) સંસદમાં રજૂ કર્યું હતું. જોકે, આ મામલે ખુદ મોદી સરકારના સાથી પક્ષો દ્વારા જ વાંધાઓ ઉઠાવવામાં આવતાં આ બિલ જેપીસીને આપવામાં આવ્યું હતું. મંગળવારે સંસદમાં વક્ફ બિલ પર JPCની બેઠક દરમિયાન ઝપાઝપી થઈ હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જી અને બીજેપી સાંસદ અભિજિત ગંગોપાધ્યાય વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન કલ્યાણ બેનર્જીએ ટેબલ પર રાખેલી કાચની પાણીની બોટલ ફેંકી દીધી, જેના કારણે તેઓ ઘાયલ થયા. બેનર્જીને અંગૂઠા અને આંગળીમાં ઈજા થઈ હતી. બાદમાં તેમને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. આ ઘટના બાદ થોડા સમય માટે મિટિંગ રોકી દેવામાં આવી હતી. સારવાર બાદ AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી અને AAP નેતા સંજય સિંહ તેમને પાછા મિટિંગ રૂમમાં લઈ જતા જોવા મળ્યા હતા. ત્યારે એ જાણવું જરૂરી છે કે વકફ શું છે? વકફ બોર્ડ શું કામગીરી કરે છે? વકફ બોર્ડની સત્તા શું છે?

વકફ અને વકફ બોર્ડ શું છે?
વકફ બોર્ડ વિશે સમજતા પહેલા એ જાણવું જરૂરી છે કે વકફ શું છે? વક્ફ અરબી શબ્દ છે. વક્ફનો અર્થ થાય છે ‘અલ્લાહના નામે’, એટલે કે એવી જમીનો કે જે કોઈ વ્યક્તિ કે સંસ્થાના નામે નથી. આમાં જંગમ અને સ્થાવર મિલકતનો સમાવેશ થાય છે. કોઈપણ મુસ્લિમ પોતાની સંપત્તિ વકફમાં દાન કરી શકે છે. કોઈપણ મિલકત વકફ જાહેર થયા પછી તે બિન-હસ્તાંતરપાત્ર બની જાય છે. વકફ બોર્ડ વકફ મિલકતનું સંચાલન કરે છે. તે કાનૂની એન્ટિટી છે. દરેક રાજ્યમાં વક્ફ બોર્ડ છે. વકફ બોર્ડમાં મિલકતોની નોંધણી ફરજિયાત છે. બોર્ડ મિલકતોની નોંધણી, સંચાલન અને સંરક્ષણ કરે છે. રાજ્યોમાં બોર્ડનું નેતૃત્વ અધ્યક્ષ કરે છે. દેશમાં બે પ્રકારના વક્ફ બોર્ડ છે, શિયા અને સુન્ની. દેશમાં એક કેન્દ્રીય અને 32 રાજ્ય વક્ફ બોર્ડ છે. કોઈ વ્યક્તિ પોતાના વારસદારોને સતત આવક મળતી રહે તે માટે પણ મિલકતને વકફ જાહેર કરી શકે છે. આ વકફ મિલકતને ભાડે પણ આપી શકાય છે. તેને 99 વર્ષના પટ્ટે લીઝ પર પણ આપવામાં આવે છે.

વક્ફ બોર્ડ કેટલી મિલકત ધરાવે છે?
દેશમાં વક્ફ બોર્ડ પાસે આઠ લાખ એકરથી વધુ જમીન છે. વર્ષ 2009માં આ જમીન ચાર લાખ એકર હતી. તેમાં મોટાભાગની મસ્જિદો, મદરેસાઓ અને કબ્રસ્તાનોનો સમાવેશ થાય છે. વક્ફ બોર્ડની અંદાજિત સંપત્તિ 1.2 લાખ કરોડ રૂપિયા છે. દેશમાં એક સેન્ટ્રલ વક્ફ બોર્ડ અને 32 સ્ટેટ બોર્ડ છે. જેમાં ઉત્તર પ્રદેશ અને બિહારના બે શિયા વક્ફ બોર્ડનો સમાવેશ થાય છે. રેલ્વે અને સંરક્ષણ વિભાગ પછી વક્ફ બોર્ડ પાસે દેશમાં સૌથી વધુ સંપત્તિ છે.

વક્ફ એક્ટ 1954 શું છે
દેશમાં સૌપ્રથમ વખત 1954માં વકફ એક્ટ લાગુ કરવામાં આવ્યો હતો. આ અંતર્ગત વક્ફ બોર્ડનો પણ જન્મ થયો હતો. આ કાયદાનો હેતુ વકફ સંબંધિત કામને સરળ બનાવવાનો હતો. કાયદામાં વકફ મિલકતના દાવા અને જાળવણી માટેની જોગવાઈઓ પણ છે. પ્રથમ સુધારો 1955માં કરવામાં આવ્યો હતો. 1995માં નવો વક્ફ બોર્ડ કાયદો ઘડવામાં આવ્યો હતો. આ અંતર્ગત દરેક રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં વકફ બોર્ડ બનાવવાની પરવાનગી આપવામાં આવી હતી. બાદમાં વર્ષ 2013માં તેમાં સુધારો કરવામાં આવ્યો હતો.

વક્ફ બોર્ડના સભ્ય કોણ છે? વકફ બોર્ડ શું કરે છે?
અધ્યક્ષ ઉપરાંત બોર્ડમાં રાજ્ય સરકારના સભ્યો, મુસ્લિમ ધારાસભ્યો, સાંસદો, રાજ્ય બાર કાઉન્સિલના સભ્યો, ઇસ્લામિક વિદ્વાનો અને વકફના મુતવલ્લીનો સમાવેશ થાય છે. વક્ફ બોર્ડ પાસે પણ કેસ કરવાની સત્તા છે. વકફ મિલકતોનું સંચાલન કરવા ઉપરાંત બોર્ડ વકફમાં મળેલા દાનમાંથી શૈક્ષણિક સંસ્થાઓ, મસ્જિદો, કબ્રસ્તાનો અને રાત્રિ આશ્રયસ્થાનોનું નિર્માણ અને જાળવણી પણ કરે છે.

દેશમાં એક કેન્દ્રીય અને 32 રાજ્ય વક્ફ બોર્ડ
દેશમાં એક સેન્ટ્રલ વક્ફ બોર્ડ અને 32 સ્ટેટ બોર્ડ છે. કેન્દ્રીય લઘુમતી કલ્યાણ મંત્રી સેન્ટ્રલ વક્ફ બોર્ડના હોદ્દેદાર અધ્યક્ષ છે. અગાઉની સરકારોમાં વકફ બોર્ડની ગ્રાન્ટ આપવામાં આવી છે. મોદી સરકારમાં પણ વકફને લઈને ઉદારતા દાખવવામાં આવી હતી. સેન્ટ્રલ વકફ બોર્ડે એક નિયમ બનાવ્યો હતો કે જો વકફની જમીન પર શાળા, હોસ્પિટલ વગેરે બનાવવામાં આવશે તો તેનો સંપૂર્ણ ખર્ચ સરકાર ભોગવશે. આ ત્યારે થયું જ્યારે મુખ્તાર અબ્બાસ નકવીના લઘુમતી કલ્યાણ મંત્રી હતા.

સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલ શું છે?
સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલ એ લઘુમતી બાબતોના મંત્રાલયના વહીવટી નિયંત્રણ હેઠળની એક વૈધાનિક સંસ્થા છે. વક્ફ એક્ટ 1954ની જોગવાઈઓ અનુસાર 1964માં કાઉન્સિલની રચના કરવામાં આવી હતી. વકફ બોર્ડની કામગીરી અને વકફના વહીવટને લગતી બાબતો પર કેન્દ્ર સરકારની સલાહકાર સંસ્થા તરીકે તેની સ્થાપના કરવામાં આવી હતી. કાઉન્સિલ પાસે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો અને રાજ્ય વક્ફ બોર્ડને સલાહ આપવાની સત્તા છે. કાઉન્સિલના અધ્યક્ષ કેન્દ્રીય મંત્રી હોય છે.

વકફ ટ્રિબ્યુનલના નિર્ણયને હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં પણ પડકારી શકાતું નથી
જો કોઈની મિલકતને વકફ મિલકત તરીકે જાહેર કરવામાં આવે તો તેની સામે કોર્ટમાં જઈ શકાતું નથી. વક્ફ બોર્ડને જ અપીલ કરવાની રહેશે. વક્ફ બોર્ડનો નિર્ણય વિરુદ્ધમાં આવે તો પણ તમે કોર્ટમાં જઈ શકાતુ નથી. પછી વક્ફ ટ્રિબ્યુનલમાં જઈ શકાશે. આ ટ્રિબ્યુનલમાં વહીવટી અધિકારીઓનો સમાવેશ થાય છે. તેમાં બિનમુસ્લિમો પણ હોઈ શકે છે. વકફ એક્ટની કલમ 85 કહે છે કે ટ્રિબ્યુનલના નિર્ણયને હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં પણ પડકારી શકાય નહીં. એકવાર મિલકતને વકફ જાહેર કરવામાં આવે તો તે હંમેશા વકફ રહે છે.

નરસિમ્હા રાવ સરકારમાં વક્ફ બોર્ડની સત્તામાં વધારો કરવામાં આવ્યો હતો
વક્ફ બોર્ડની રચના 1954માં થઈ હતી. જો કે 1995ના સુધારાએ વક્ફ બોર્ડને અમર્યાદિત સત્તાઓ આપી હતી. પીવી નરસિમ્હા રાવની કોંગ્રેસ સરકારે વકફ એક્ટ 1954માં સુધારો કર્યો અને નવી જોગવાઈઓ ઉમેરીને વક્ફ બોર્ડને અમર્યાદિત સત્તાઓ આપી. વકફ અધિનિયમ 1995ની કલમ 3(r) મુજબ જો કોઈ મિલકતને કોઈ હેતુ માટે મુસ્લિમ કાયદા અનુસાર પવિત્ર, ધાર્મિક અથવા સખાવતી ગણવામાં આવે તો તે વકફ મિલકત બની જશે. વકફ એક્ટ 1995ની કલમ 40 કહે છે કે વકફ સર્વેયર અને વક્ફ બોર્ડ નક્કી કરશે કે તે કોની જમીન છે. બાદમાં વર્ષ 2013માં વકફને સંબંધિત બાબતોમાં અમર્યાદિત અને સંપૂર્ણ સ્વાયત્તતા આપતાં સુધારા રજૂ કરવામાં આવ્યા હતા.

Most Popular

To Top