ફરજિયાત હેલમેટનો કાયદાથી ચર્ચાપત્રમાં એનો વિરોધ ચાલુ છે. હેલમેટ વગરનું ડ્રાઇવિંગ કેટલું અસલામત હશે! આ મુદ્દે જોઇએ એવી જાગૃતિ ભારતમાં નથી. મારાં કેટલાંક અવલોકનો અને મારા મિકેનિકલ તેમ જ ભૌતિકીના અલ્પજ્ઞાનને આધારે જેનો વિરોધ થઇ રહ્યો છે એવા હેલમેટના ફરમાન અંગે હું નીચેનાં તારણો પર પહોંચી છું.૧)સુરત (અથવા ગુજરાતના) દરેક ફ્લાયઓવર, રીંગ રોડ વગેરે પર વાહનોની ગતિ 60+ kmph હોય જ છે. ONGC બ્રીજ પર દરરોજ અકસ્માતમાં લોકો જીવ ગુમાવવાના સમાચારો પેપરના પાને આવતા રહે છે. એટલે શહેરમાં વાહનોની સ્પીડ હોતી નથી એ દલીલ વજૂદ ગુમાવી બેસે છે. ૨) ઘણાં લોકો કરોડરજ્જુની ઇજાઓની પણ વાતો કરે છે. પણ હવે તો હેલમેટ પણ એકદમ ઓછા વજનના આવે છે. ૩) સામાન્ય ધારણાથી વિરુદ્ધ હેલમેટ પહેરવાથી ઉનાળા દરમિયાન માથું ઠંડું રહે છે. ગરમીની અસર માથા પર બિલકુલ વર્તાતી નથી.
૪) વાર તહેવારો મને ઘણા ભટકાય છે જે કોલર ઊંચો કરીને બોલે; ‘‘બોસ, અમને કાંઇ થાય નહીં’’, ‘‘ઉપરવાળાની મરજી વગર પાંદડું હલતું નથી’’, ‘‘અમારું ડ્રાઇવિંગ પરફેક્ટ છે કે છેલ્લા પચ્ચા વરહથી ડ્રાઇવીંગ કરું છુ તો ય એક્કેય એક્સિડન્ટ થયો નથી’’. તમે સલામત છો તો કુદરતનો આભાર માનો. જે દહાડે અકસ્માત થશે ત્યારે આવી ફિશિયારીઓનો કચ્ચરઘાણ નીકળી જાય છે. ૫) હેલમેટ હાથમાંથી છટકીને ય નીચે પડે તો એ બદલી નાંખવાની ભલામણ હું પોતે કરું છું. સલામતીનાં કારણોસર સાવ સસ્તા મોબાઇલ ફોનને કવરથી ઢાંકી દઇએ પણ હેલમેટની વાત આવે તો લોકોને માથે તમસ ચઢી આવે! ૬) હેલમેટનો કાયદો આટલો મોડો કેમ આવ્યો તે જ ભારોભાર આશ્ચર્ય છે. ભારતમાં માનવજીવનની કોઇ કિંમત નથી.
સુરત – રાધિકા ત્રિવેદી– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
પરીક્ષા પર ચર્ચા
પાઠશાળા જીવનની હોય કે અભ્યાસની સમગ્ર વર્ષ દરમિયાન શીખેલી બાબતો કેટલી ગ્રહણ કરવામાં આવી તેની ચકાસણીના ભાગરૂપે લેવામાં આવતી પરીક્ષાઓ માટે વ્યક્તિએ વ્યક્તિએ ભિન્ન અભિપ્રાયો જોવા મળે છે. પ્રમાદમાં આખું વર્ષ પસાર કરનારને પરીક્ષા ટાણે તેનો હાઉ સતાવે, એ સ્વાભાવિક છે. નિયમિત અભ્યાસ કરનારને માટે પરીક્ષા સહજ બની રહે છે. કઠોર પુરુષાર્થ દ્વારા ઉચ્ચ પરિણામના સ્વપ્ન સેવનાર પરીક્ષાની આતુરતાપૂર્વક રાહ જુએ છે.જીવનરૂપી પાઠશાળામાં પણ જે વ્યક્તિ આવનાર પરીક્ષાનો સામનો કરવા, સ્વાગત કરવા હરહંમેશ તૈયાર રહે છે, તે વ્યક્તિ પરીક્ષા પૂર્વે જ જીત હાંસલ કરી લે છે!
સુરત – દિપ્તી ટેલર– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
