બાળકને કઈ ભાષા શીખવાડવી અને બાળકને કઈ ભાષામાં શિક્ષણ આપવું? આ બે અલગ પ્રશ્નો છે અને દુનિયાભરમાં મા-બાપ શિક્ષણના પ્રારમ્ભિક તબક્કે આ પ્રશ્નોનો સામનો કરે છે જેમકે યુરોપમાં છવ્વીસ દેશોમાં નાગરિકો સ્વતન્ત્ર હેરફેર કરે છે એટલે જર્મનીની યુવતી નેધરલેન્ડમાં સ્થાયી થાય ત્યારે બાળકને ડચ ભાષા શીખવાડવી, જર્મન શીખવાડવી કે અંગ્રેજી / તે પ્રશ્ન આવે જ છે પણ આ દેશોમાં ભાષાનું રાજકારણ નથી.
ઇતિહાસની રીતે જ દુનિયા આખીમાં અંગ્રેજી બજારની ભાષા બની ગઈ છે એટલે શિક્ષણમાં લગભગ બધા જ વિકસિત સમાજના દેશોમાં દ્વિ ભાષાનો સિધ્ધાંત સ્વીકારાયો છે એટલે કે બાળકને માતૃભાષા અને અન્ય ભાષા એમ બે ભાષા શીખવાડવામાં આવે છે. ભારતમાં ત્રણ ભાષાના નિયમને કારણે વિવાદ પણ છે વિરોધ પણ છે અને સરવાળે રાષ્ટ્રભાષા અને માતૃભાષાના ઝઘડામાં બજાર ભાષા અંગ્રેજી જીતે છે.
ભારતમાં સ્વતન્ત્રતા વખતથી ભાષાનું રાજકારણ ચાલે છે. કોંગ્રેસે આ મુદ્દાને બાજુમાં મૂકીને શાસન કર્યું જ્યારે ભાજપની નવી શિક્ષણ નીતિમાં ત્રણ ભાષાની નીતિ આવી એટલે વિવાદ ફરી શરૂ થયો. જો કે દેશભરમાં રાજ્યભાષા માટે જે જુવાળ ઊભા થાય છે તે ગુજરાતમાં ભાગ્યે જ થાય છે એટલે દેશના અન્ય રાજ્યમાં કોઈ બીજી ભાષા ફરજીયાત થવા સાથે વિરોધ થાય જ્યારે ગુજરાતમાં ઘણી બધી અંગ્રેજી માધ્યમ બાળક ચાર ચાર ભાષા ભણે છે પણ વાલીઓ હરફ ઉચ્ચારતા નથી. ઉલટાનું ગુજરાતી સહિતની ભાષાઓ માત્ર પાસ થવા પૂરતી તૈયાર કરવાની બાળકને શિખામણ આપવામાં આવે છે.
જો તમે કોઈ શિક્ષણશાસ્ત્રી કે મનોવૈજ્ઞાનિકને માત્ર એટલું પૂછશો કે બાળકને કઈ ભાષા શીખવામાં અઘરી પડે તે તો માત્ર ભાષા સિવાયની કોઈ પણ ભાષા બાળકને સરખા પ્રયત્નથી જ આવડે તેવો જવાબ લખશે. મતલબ કે બાળક માટે અન્ય તમામ ભાષા એકસરખી જ સહેલી કે અઘરી છે પણ જો તમે આ જ તજજ્ઞોને સ્પષ્ટ રીતે પૂછશો કે બાળકને ગણિત, વિજ્ઞાન કે સમાજવિદ્યા જેવા વિષયો શીખવા કઈ ભાષામાં સરળ પડે તો તરત કહેશે કે માતૃભાષામાં.
આપણે રાજકીય વિવાદ છોડીને રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં દ્વિ ભાષાનો સિધ્ધાંત અપનાવવા જેવો છે અને આ સિધ્ધાંત છે મધર ટંગ અને અધર ટંગ. મતલબ કે માતૃભાષા અને અન્ય ભાષા. દરેક બાળકને માતૃભાષામાં શિક્ષણ આપો અને એક અન્ય ભાષા શીખવા દો, જે તેને બાકીની દુનિયામાં સંવાદ માટે કામ લાગે. જો બાળક ચાર ભાષા શીખશે તો તેનું મગજ આ ભાષાઓમાં રોકાઈ જશે અને ગણિત, વિજ્ઞાન જેવા અન્ય વિષયો જે ભાષા દ્વારા તેણે શીખવાના છે તે અધૂરા અને નબળા રહેશે.
ગુજરાતમાં સૌ હિન્દીને પ્રેમ કરે છે. ફિલ્મ, ગીતો, સીરીયલો બધા જ મનોરંજનમાં ગુજરાતી કરતાં હિન્દીને પ્રાથમિકતા મળે છે પણ ભાષા તરીકે ફરજીયાત શીખવાની વાત આવે તો તે પ્રશ્નો ઊભા કરશે. સંસ્કૃત એ આદરની ભાષા છે. ગુજરાતમાં કોલેજ કક્ષાએ સંસ્કૃત ભણનારા પણ ભાષા કરતાં ભાષાનો ઈતિહાસ અને તે પણ ગુજરાતીમાં ભણીને ડીગ્રી મેળવી રહ્યા છે ત્યારે પ્રાથમિક અને માધ્યમિકનાં બાળકો સંસ્કૃત વ્યાકરણ ભણી રહ્યાં છે. એક તો આપને ભાષા અને સાહિત્ય બે અલગ બાબત છે અને ભાષા અંતે તો વિચારોના વિનિમયનું માધ્યમ છે.
તે શીખવાથી રોજબરોજનો વ્યવહાર થવો જોઈએ તે મહત્ત્વની વાત ભૂલી જઈએ છીએ માટે ખરેખર શિક્ષણની ચિંતા હોય તો બાળકને બે ભાષા શીખવાડો. સરકારે પણ ભાષાના મુદ્દાને અહમ્નો પ્રશ્ન બનવાને બદલે બે ભાષાની નીતિ અપનાવવી જોઈએ કે બાળકને દરેક રાજ્યમાં માતૃભાષામાં શિક્ષણ મળે ને અન્ય ભાષા બાળકને જે જરૂરી હોય તે જાતે નકકી કરીને ભણે. સરકાર આમાં ફરજ નહિ પાડે. બાકી ભાષાના આંતરિક ઝઘડામાં દક્ષિણનાં રાજ્યોમાં હિન્દીનો વિરોધ હિન્દી બેલ્ટમાં દક્ષિણની ભાષાનો વિરોધ આ બધાની વચ્ચે અંગ્રેજીનું આધિપત્ય વધતું જ જશે. આપની ભાષાઓ માટે અંદરોઅંદર લડવાનું અને વિદેશી ભાષાને સૌનો પ્રેમ મળે તેવી અજબ વાત માત્ર ભારતમાં શક્ય બને.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
