SURAT

‘તારા બાપનો રોડ છે..’, ડુમસમાં દિપક ઈજારદાર બોડીગાર્ડ સાથે મહિલાના ઘરમાં ઘુસી ગયો, ગાળો દીધી

સુરતઃ ડુમસના સુલતાનાબાદમાં રહેતા દીપક ઇજારદાર અને બાપુજીની વાડીમાં રહેતા પટેલ પરિવાર વચ્ચે પોસ્ટર લગાવવા મામલે માથાકૂટ થઈ હતી. જેને લઈ શનિવારે રાતે દીપક ઇજારદાર અને તેના બોડી ગાર્ડ પટેલ પરિવારના ઘરે જઈ ગેરવર્તણૂક કરી અભદ્ર ભાષાનો ઉપયોગ કરતાં મામલો ડુમસ પોલીસમાં પહોંચ્યો હતો.

  • સુલતાનાબાદમાં બે પરિવાર વચ્ચેના પોસ્ટરના ઝઘડામાં દીપક ઈજારદાર સામે ગુનો નોંધાયો
  • પટેલ પરિવારે પોસ્ટર ફાડી નાખ્યાના આક્ષેપ સાથે દીપક બોડીગાર્ડ લઈ પટેલ પરિવારના ઘરે પહોંચ્યો

ડુમસ સુલતાનબાદ બાપુજીની વાડી ખાતે રહેતા દર્શનાબેન ઋષિકેશભાઈ નાનુભાઈ પટેલે ડુમસ પોલીસમાં 12મીના રોજ દીપક ધીરુભાઈ ઇજારદાર (રહે., ભક્તિ ધામ બંગલો, સુલતાનાબાદ, ડુમસ) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. દર્શનાબેનના જણાવ્યા અનુસાર, તેઓ ગત 10 મીની રાત્રે ઘરે હાજર હતા ત્યારે ગામના દીપક ઇજારદાર નામનો વ્યક્તિ તેના બે-ત્રણ બોડીગાર્ડ સાથે તેમના ઘરના આંગણાના ગેટ પાસે આવ્યો અને બિભત્સ ગાળાગાળી કરવા લાગ્યો હતો.

દીપક ઇજારદારે બહાર આવ, આજે તને બતાવી દઉં જેવી ધમકીઓ આપી અને આંગણામાં ઘૂસીને દર્શનાબેન તથા તેમના પુત્રોને અપશબ્દો બોલ્યા હતા. દર્શનાબેનના પુત્ર યશે જ્યારે પૂછ્યું કે તેઓ શા માટે આવું કરે છે, તો દીપક ઇજારદારે ઉશ્કેરાઈને કહ્યું, તારા બાપનો રોડ છે? હું પોસ્ટર લગાવું તને શું તકલીફ?

આ ઉપરાંત તેણે દર્શનાબેન અને તેમના પુત્રોને ગોળી મારીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. યશે પોલીસને ફોન કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે દીપક ઇજારદાર તેના બોડીગાર્ડ સાથે ત્યાંથી નાસી ગયો હતો. આ મામલે ડુમસ પોલીસે દીપક ઇજારદાર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top