સુરતઃ ડુમસ ખાતે આવેલા લંગર પાસેના ઐતિહાસિક કૂવામાં અજાણી મહિલાએ મેલી વિદ્યાનું પડીકું નાંખ્યું હતું. મહિલાને પડીકું નાખતા ગ્રામજનો જોઈ જતા મહિલાને પકડવા દોડ્યા હતા, પણ મહિલા ત્યાંથી ભાગી છૂટી હતી. ગ્રામજનોમાં આ મામલે તર્ક વિતર્ક અને ભયનો માહોલ સર્જાયો હતો. ગ્રામજનોએ અજાણી મહિલા વિરૂદ્ધ ડુમસ પોલીસમાં અરજી કરી છે.
ડુમસ દરિયા કિનારાના વિસ્તારોમાં મેલી વિદ્યાનાં અનેક કિસ્સા બહાર આવ્યા છે, ત્યારે આજે વધુ એક ઘટના સામે આવી છે.
ડુમસના લંગર પાસેના એક ઐતિહાસિક કૂવામાં છેલ્લા બે દાયકાથી ડુમસ ગામના અને આજુબાજુના ગામના લોકો આજ કૂવાનું પાણી પીતા આવ્યા છે. ગ્રામજનો હાલ પણ ફિલ્ટર પાણીનો જમાનો હોવા છતાં આ કૂવાનું પાણી પી રહ્યા છે. ગત 20મીના સાંજે ડુમસ વિસ્તારમાં વિચિત્ર કિસ્સો બન્યો હતો, જેમાં એક અજાણી મહિલા લંગર પાસેના આ કૂવામાં એક મેલું પેકેટ નાંખતી હતી.
જો કે ગ્રામજનો તેને જોઈ જતા મહિલાને પકડવા પાછળ ભાગ્યા હતા. મહિલા કૂવામાં મેલું નાંખી ભાગી છૂટી હતી. આ ઘટના બાદ ગ્રામજનોમાં ભયનો માહોલ ઉદભવ્યો હતો. આ મામલે ગ્રામજનોએ અજાણી મહિલા વિરૂદ્ધ ડુમસ પોલીસમાં અરજી કરી હતી. પોલીસે સીસીટીવીના ફૂટેજ તપાસવા સાથે મહિલાની શોધખોળ શરૂ કરી છે.
કૂવો ઐતિહાસિક, 1899થી ગામલોકો તેના પાણીનો ઉપયોગ પીવા માટે કરે છે
ડુમસ અને તેની આજુબાજુના ગામના લોકો 1899થી આ કૂવાનું પાણી પીએ છે. વર્ષો પહેલા ગ્રામજનો ચાલતા ચાલતા પાણી ભરવા આવતા અને તેનો ઉપયોગ કરતા આવ્યા છે. હાલ પણ એક ગ્રામજને જણાવ્યું હતું કે ફિલ્ટરનાં જમાના પણ લોકો પીવા માટે આ જ કૂવાનું પાણી ઉપયોગમાં લે છે. 10 હજારથી વધુ લોકો આ કૂવાના પાણીનો ઉપયોગ પીવા માટે કરે છે. હાલ ગ્રામજનો બાઈક કે અન્ય વાહન લઈને પાણી ભરવા આવે છે, જો કે હવે મહિલાએ કૂવામાં મેલી વિદ્યાનું પડીકું નાંખતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.
કર્મકાંડી બ્રાહ્મણ ચાલતા કૂવામાં મેલી વિદ્યાનું પડીકું નાખવાનું કહે છે
આ મામલે એક ગ્રામજને જણાવ્યું હતું કે આ રીતની ઘટના અનેક વખત બનતી આવી છે. આ પ્રકારની પ્રવૃત્તિ ચોક્કસ સમાજના લોકો કરતા હોવાનું જણાવ્યું હતું. જેમાં તેઓ કર્મકાંડી બ્રાહ્મણ પાસે વિધિ કરાવતા હોય છે અને વિધિના અંતે કર્મકાંડી બ્રાહ્મણ મેલી વસ્તુનું પડીકું ચાલતા કૂવામાં નાંખવાથી બધા દુઃખ દૂર થતાં હોવાનું જણાવતાં હોય છે. સમગ્ર શહેરમાં હવે આવા ચલતા કૂવા બહુ ગણ્યાગાંઠ્યા છે. જેથી લોકો ખાસ કરીને લંગર પાસેના કૂવાને પસંદ કરતા આવ્યા છે. આ મામલે જ ગ્રામજનોએ કૂવાની આજુબાજુમાં સીસીટીવી પણ મૂકાવ્યા છે.