Comments

મુશ્કેલીના વખતે

આર્ટ ઓફ લિવિંગ લવિંગ અને લિવિંગ living , loving, leaving ના એક સરસ કોન્સેપ્ટ પર પ્રવચન હતું અને ત્યાર બાદ વક્તા સાથે ચર્ચાસત્ર પણ હતું. જીવન કઈ રીતે જીવવું… જીવન એક કલા છે… જીવનને કઈ રીતે શણગારવું… જીવનને કેમ ચાહવું… જીવનમાં અન્યને પ્રેમ આપવો… પ્રેમ વહેંચવો… અને જીવનમાં કઈ રીતે મમત્વ અને માયાથી દૂર થવું… થોડું થોડું બધું જ છોડતાં જવું… અહંકારનો ત્યાગ કરવો… આવું ઘણું બધું વક્તાએ બે કલાકના પ્રવચનમાં કહ્યું અને બધાએ તાળીઓથી તેમને વધાવ્યા.

અડધો કલાકના વિરામ બાદ ચર્ચાસત્ર શરૂ થયું. વકતા સ્ટેજ પર આવ્યા અને શ્રોતાજનોને પ્રશ્ન પૂછવા માટે કહ્યું, એક પછી એક પ્રશ્નો આવ્યા. વક્તાએ બધાના જવાબ આપ્યા. એક શ્રોતાએ પાછળથી ધીમેથી કહ્યું,’ સાહેબ, માફ કરજો પણ આવી બધી સરસ સરસ જીવન જીવવાની કળાની વાતો સાંભળવામાં સારી લાગે અને જીવન સરળતાથી વહેતું હોય ને તો પણ બધી વાતોને જીવનમાં ઉતારવી અને જીવવી ઘણી અઘરી છે અને જીવનમાં જ્યારે અનેક મુશ્કેલીઓ હોય ત્યારે આ બધી વાતો યાદ આવે જ નહીં.’

વક્તાએ કંઈક વિચાર્યું અને પછી પાછળથી સવાલ પૂછનાર શ્રોતાને સ્ટેજ પર પધારવા કહ્યું અને પછી બોલ્યા,’ સરસ, ઘણાના મનની વાત તમે પૂછી. હવે ચાલો, તમને સમજાવું જીવનમાં ત્રણ વ્યક્તિઓને તમે ક્યારેય નહીં ભૂલતા. મુશ્કેલીના સમયે સાચો સાથ આપવાવાળાને… મુશ્કેલીના સમયે સાથ છોડી દેનારને… અને મુશ્કેલીમાં તમને મૂકનારને…’ બધાએ કહ્યું,’ બરાબર છે, ખરી વાત છે.’ હવે વક્તાએ પ્રશ્ન પૂછનાર શ્રોતાને પૂછ્યું કે,” તમે મને જણાવો, આ ત્રણ જણને તમે ક્યારેય ન ભૂલો અને પછી તમે તેની સાથે કેવો વ્યવહાર કરો?’

પેલા શ્રોતાએ કહ્યું,’ મને મુશ્કેલીમાં સાથ આપનારનો હું ખૂબ ખૂબ આભાર માનું, મને મુશ્કેલીમાં છોડી દેનારને હું કોઈ દિવસ મદદ ન કરું અને મને મુશ્કેલીમાં મૂકનારને તો હું તક મળતાં જ ખૂબ જ મોટી મુશ્કેલીમાં ફસાવી દઉં.’ વક્તાએ કહ્યું ,’ મોટા ભાગે બધાનું જ આ જ વર્તન હોય પણ અહીં જ  લિવિંગ, લવિંગ અને લિવિંગને જીવનમાં ઉતારવાનું છે. મુશ્કેલીમાં સાથ આપનારને જીવનના ડગલે ને પગલે સાથ આપવો, મુશ્કેલીમાં છોડી જનારને નાદાન ગણવા પણ તેમની જરૂર પડે તો આપણાથી બનતી મદદ ચોક્કસ કરવી અને મુશ્કેલીમાં મૂકનારને માફ કરી દેવો. આ જ જીવન જીવવાની સાચી કળા છે.’ વક્તાએ એકદમ સુંદર સમજ આપી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top