ધરમપુર: ધરમપુરમાં (Dharampur) સાળા બનેવી અકસ્માતનો ભોગ બન્યા હોવાની ઘટના બની છે. સત્સંગમાંથી એક જ બાઈક પર પરત આવતા સાળા-બનેવી રાતના અંધારામાં ઝાડ સાથે ભટકાઈ (Bike Accident with Tree) જતા ગંભીર રીતે ઈજા પામ્યા છે. તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
- સાળા બનેવી પેંણઘામાં સત્સંગમાંથી પરત જઈ રહ્યાં હતાં ત્યારે થયો અકસ્માત
- સિંદુમ્બર ગામ પાસે સામેથી આવતા વાહનની લાઈટથી આંખ અંજાઈ જતા બાઈક ઝાડ સાથે ભટકાઈ
- સાળો બાઈક ચલાવી રહ્યો હતો, અક્સમાતમાં બનેવીનું મોત
ધરમપુર તાલુકાના પેંણધામાં સત્સંગ કરી સાળા-બનેવી બાઈક લઈને રાત્રીના સમયે ઘરે આવી રહ્યા હતા તે દરમિયાન સિદુમ્બર ગામ પાસે સામેથી કોઈક મોટા વાહનની લાઈટ બાઈક ચલાવનાર સાળાની આંખ ઉપર પડતા તેઓ અંજાઈ ગયા હતા અને સામેના ઝાડ સાથે બાઈક લઈને અથડાઈ પડયા હતાં. જેમાં સાળા-બનેવી ઈજાગ્રસ્ત બન્યા હતાં. બંને ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જયાં બનેવીનું મોત નિપજયું હતું. જે બનાવ અંગેની ફરિયાદ બનેવીના પુત્રએ ધરમપુર પોલીસ મથકમાં કરી હતી.
ધરમપુર પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર, ધરમપુર તાલુકાના મામાભાચા, માહાલ ફળિયામાં રમતુભાઈ ગંગાભાઈ માહલા (ઉં.આ.35) પરિવાર સાથે રહે છે. ગત તારીખ 3-4-23 ના રોજ રાત્રીના સમયે તેમના પિતા ગંગાભાઈ અને મામા કાશીનાથ લક્ષેભાઈ ચૌધરી બાઈક નં. જીજે-15 એલએલ-9229 લઈને પેંણધામાં ગ્રામજનો સાથે સત્સંગમાં ગયા હતાં. રાત્રીના સમયે સાળા-બનેવી બાઈક લઈને પરત ઘરે આવવા માટે નીકળ્યા હતાં.
બાઈક સાળો કાશીનાથ ચલાવી રહ્યો હતો. સિદુમ્બર ગામના પીએચસી આગળથી કોઈક મોટા વાહનની લાઈટ સીધી આંખ ઉપર આવતી હોય જેને કારણે બાઈક ચાલક સાળાની આંખ અંજાઈ ગઈ હતી અને સામેના ઝાડ સાથે બાઈક અથડાઈ હતી. જે અકસ્માતમાં બંને ઈજાગ્રસ્ત બન્યા હતાં. ગ્રામજનોએ તરત જ 108 એમ્બ્યુલન્સ સેવા આપી ધરમપુર સાંઈનાથ હોસ્પિટલ ખસેડયા હતાં. બનેવી ગંગાભાઈને માથાના ભાગે ગંભીર ઈજા હોય વધુ સારવાર માટે રાજચંદ્ર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. જયાં ગત તારીખ 5-4-23 ના રોજ તેમનું મોત નિપજયું હોવાનું તબીબે જણાવ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતક ગંગાભાઈના પુત્ર રમતુભાઈ માહલાએ ધરમપુર પોલીસ મથકમાં કરી હતી.
—