સાપુતારા : ડાંગ જિલ્લામાં શનિવારથી અનરાધાર વરસાદી માહોલ જામતા નદીઓ ભયજનક સપાટી વટાવીને વહેતી જોવા મળી રહી છે. રવિવારે ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, શામગહાન, માંળુગા, સાકરપાતળ, વઘઇ, ઝાવડા, ભેંસકાતરી, કાલીબેલ, બરડીપાડા, મહાલ, સિંગાણા, સુબિર, લવચાલી, ચીંચલી, આહવા, બોરખલ, ગલકુંડ, ગારખડી, પીપલાઈદેવી, પીપલદહાડ સહીત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકોમાં દિવસ દરમ્યાન સાંબેલાદાર વરસાદ પડતા સર્વત્ર પાણીની રેલમછેલ ફરી વળી હતી. ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં શનિવારથી પડી રહેલા અનરાધાર વરસાદનાં પગલે જિલ્લાની લોકમાતાઓમાં અંબિકા, ખાપરી, પૂર્ણા અને ગીરા નદીઓ રોદ્ર સ્વરૂપમાં વહી રહી છે. ડાંગની ચારેય નદીઓ અધધ પ્રવાહની સાથે ગાંડીતુર બનતા નદી કાંઠેનાં ખેતરોમાં રોપેલો ડાંગરનો પાક ઘસડાઈ જવા પામ્યો હતો. ડાંગનો ગીરાધોધ, ગિરમાળનો ગીરાધોધ, શિવઘાટ ધોધ, ભેગુ ધોધ સહીત નાના મોટા જળધોધ અખૂટ પાણીનાં જથ્થા સાથે રમણીય બન્યા હતા. ડાંગ જિલ્લામાં ભારે વરસાદથી 23 કોઝવે ઊંડા પાણીમાં ગરક થતા 40 થી વધુ ગામડા પ્રભાવિત બની સંપર્કવિહોણા બન્યા હતા. ડાંગ જિલ્લામાં અનરાધાર વરસાદને કારણે કોઝ વે અને સ્લેબ ડ્રેઈન ઓવર ટોપીક થતા 23 જેટલા ગ્રામ્ય માર્ગો અને 1 રાજ્યધોરી માર્ગ અવરોધાયો હતો.
ડાંગ જિલ્લા પંચાયત હસ્તકના 24 માર્ગો અવરોધાયા
સુબિર તાલુકાના (1) હિંદળાથી ધુડા રોડ, અને (2) કાકડવિહીરથી ખેંરિન્દ્રા-ચમારપાડા રોડ, સહિત આહવા તાલુકાના (1) ચિકટીયા-ગાઠવી રોડ, (2) રાનપાડા-ભાપખલ-બારીપાડા રોડ, (3) ભવાનદગડ-ધુલચોંડ-આમસરવલણ રોડ, (4) ભૂરાપાણી-બારીપાડા-ચિરાપાડા રોડ, (5) બોરખલ-ગાયખાસ-ચવડવેલ રોડ-1, (6) બોરખલ-ગાયખાસ-ચવડવેલ રોડ-2, તથા વઘઇ તાલુકાના (1) ખાતળ ફાટકથી ઘોડી રોડ, (2) માછળી-ચિખલા-દિવડ્યાવન રોડ-1, (3) માછળી-ચિખલા-દિવડ્યાવન રોડ-૨, (4) વાઝટઆંબા-કોયલીપાડા રોડ, (5) ઘોડવહળ વી.એ.રોડ, (6) આહેરડી-બોરદહાડ રોડ, (7) ચીખલદા વી.એ.રોડ, (8) સુસરદા વી.એ.રોડ, (9) માનમોડી-બોડારમાળ-નિબારપાડા રોડ, (10) આંબાપાડા વી.એ.રોડ, (11) કાલીબેલ-પાંઢરમાળ-વાંકન રોડ, (12) ધાગડી-કાનત ફળીયા રોડ, (13) ભદરપાડા-ચિચોન્ડ રોડ,(14) દગુનિયા વી.એ. રોડ-1, (15) દગુનિયા વી.એ. રોડ-2, સહિતના 24 રોડ ઓવર ટોપિંગ થયા છે.
જ્યારે મહાલ-બરડીપાડા નેશનલ હાઈ વે નં.953 કે જે સવારે રોડ વચ્ચે પાણી અને કાદવ કીચડ ભરાઈ જવાથી બંધ થવા પામ્યો હતો, જે જિલ્લા કલેક્ટર મહેશ પટેલના માર્ગદર્શન અનુસાર તાકીદની કામગીરી હાથ ધરાતા, વાહનવ્યવહાર માટે પુનઃ ચાલુ કરાયો હતો. ભારે વરસાદથી મહાલ રોડ ઉપર પાણી ભરાઈ જવાથી પ્રવાસન સ્થળ તરીકે પ્રખ્યાત મહાલ ઇકો કેમ્પ સાઈડ બંધ કરવામાં આવી હતી. ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમ્યાન સુબિર પંથકમાં 188 મીમી અર્થાત 7.52 ઈંચ, સાપુતારા પંથકમાં 211 મીમી અર્થાત 8.44 ઈંચ, વઘઇ પંથકમાં 247 મીમી અર્થાત 9.88 ઈંચ જ્યારે સૌથી વધુ આહવા પંથકમાં 251 મીમી અર્થાત 10.04 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
પિકઅપ નાળામાં ખાબકી પલ્ટી ગઈ
આહવાનાં ગાઢવી રોડ પર પીપલ્યામાળ નજીક પીકઅપ ગાડીના ચાલકે સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા પિકઅપ ગાડી માર્ગની સાઈડનાં નાળામાં ખાબકી પલ્ટી મારી ગઈ હતી. જે બનાવમાં ચાલકનો ચમત્કારિક બચાવ થયેલો હોવાની વિગતો સાંપડેલી છે.
સાપુતારાથી શામગહાનના માર્ગમાં ટ્રક ખોટકાતા ટ્રાફિક જામ
ગિરિમથક સાપુતારા ખાતે જન્માષ્ટમીની રજાઓને લઈને મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. તેવામાં રવિવારે અનરાધાર વરસાદમાં માલવાહક ટ્રક માર્ગની સાઈડમાં ઉતરી જઈ ખોટકાઈ જતા વાહનોની લાંબી કતારો જામવાની સાથે ટ્રાફિક જામની સ્થિતિ વણસી હતી. સાપુતારા ઘાટમાં ભેખડો ધસી પડવાનાં ભય વચ્ચે વાહનચાલકો ચિંતામાં મુકાયા હતા. પરંતુ સાપુતારા પી.આઈ. એન.ઝેડ.ભોયાની ટીમે ભારે જહેમત બાદ ટ્રાફિક પૂર્વરત કરતા પ્રવાસીઓએ હાશકારો અનુભવ્યો હતો.
ડાંગ જિલ્લાનો 24 કલાકનો વરસાદ
આહવા 10.04 ઈંચ
વઘઇ 9.88 ઈંચ
સાપુતારા 8.44 ઈંચ
સુબિર 7.52 ઈંચ