ડાકોર: યાત્રાધામ ડાકોરમાં અનંત ચતુર્દશીના દિવસે સાંજના સમયે સાંબેલાધાર વરસાદ પડવાથી નગર આખું તળાવમાં ફેરવાઈ ગયું હતું. પાલિકાના પાપે નગરજનો તેમજ પુનમ ભરવા આવેલાં અનેક શ્રધ્ધાળુઓની હાલત કફોડી બની હતી. દુકાનોમાં પાણી ઘુસી જવાથી વેપારીઓ પણ ચિંતામાં મુકાયાં હતાં. યાત્રાધામ ડાકોરમાં ગુરૂવારના રોજ અનંત ચતુર્દશીના દિવસની ઢળતી સાંજે એકાએક જોરદાર પવન અને વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. મંદિરના દ્વાર સુધી ઢીંચણસમાં પાણી ભરાઈ જવાથી ભક્તોમાં દોડધામ મચી ગઈ હતી.
પાલિકાના પાપે ડાકોરના બજારોમાં દુકાનોની અંદર પણ પાણી ઘૂસી ગયાં હતાં. જેથી વ્યાપારીઓ ચિંતામાં મુકાયાં હતાં. ટાવર પાસે નવકારવિહાર થાય તેવા દ્રશ્યો સર્જાયા હતા. કંકુ દરવાજે ઘૂંટણ સમા પાણી ભરાયા હતાં. આ ઉપરાંત પરસોત્તમ ભુવન પાસે, જય બંગ્લોઝ સોસાયટીમાં, ગોપાલ પુરાના નાકે અને ગણેશ સિનેમા પાસે તળાવ ભરાયા હોય એવા દ્રશ્ય સર્જાયા હતાં. ઠેર-ઠેર પાણી ભરાઈ જવાને કારણે ગણેશ વિસર્જન કરી પરત ઘરે જઈ રહેલાં મંડળો મુસીબતમાં મુકાયા હતા. બીજી બાજુ વરસાદ શરૂ થતાની સાથે જ વીજળી પણ ડુલ થઈ ગઈ હતી. ઘણો લાંબો સમય સુધી વિજળી ના આવતાં નગરજનો મુશ્કેલીમાં મુકાયાં હતાં. આ ઉપરાંત ડાકોર આજુબાજુ અસંખ્ય વૃક્ષો ધરાશયી થવાથી સંપર્ક પણ તૂટી ગયો હતો.