નડિયાદ: ડાકોરમાં દેશી દારૂનું વેચાણ કરતાં એક બુટલેગરે તેના ઘર નજીકના વિસ્તારમાં રહેતાં એક ઈસમ ઉપર પોલીસમાં બાતમી આપી હોવાની ખોટી રીસ રાખી ઝઘડો કર્યો હતો. ઝઘડો ઉગ્ર બનતાં ઉશ્કેરાયેલાં બુટલેગરે ખિસ્સામાંથી ચપ્પું કાઢી હુમલો કરી દીધો હતો. આ હુમલામાં ગળા, કપાળ તેમજ હાથના ભાગે ચપ્પાના ઘા વાગવાથી ઈસમને ગંભીર ઈજા પહોંચી હતી. આ બનાવ અંગે ડાકોર પોલીસે બુટલેગર વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ડાકોર રેલ્વેસ્ટેશન નજીક આવેલ પી.ડબલ્યુ.ડી કચેરી સામે રહેતાં રમેશભાઈ શંકરભાઈ ખાંટ મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. રવિવારના રોજ સાંજે સાડા પાંચ વાગ્યાના અરસામાં રમેશભાઈ બજાર જવા માટે ઘરેથી નીકળ્યાં હતાં. તેઓ ઘર નજીક આવેલ મહાકાળી માતાજીના મંદિર આગળથી પસાર થઈ રહ્યાં હતાં. તે વખતે ત્યાં રહેતા અતુલ રમણભાઈ પરમારે ગમેતેમ અપશબ્દો બોલી રમેશભાઈને રોક્યાં હતાં અને તું મારા ઘરે દારૂની રેઈડો કેમ પડાવે છે તેમ કહી ઝઘડો કર્યો હતો.
જો કે દારૂની રેઈડ બાબતે તેઓ કાંઈ જાણતાં ન હોવાનું રમેશભાઈએ જણાવ્યું હતું. જેથી ઉશ્કેરાઈ ગયેલાં અતુલે ગડદાપાટુનો મારમારી રમેશભાઈને જમીન પર પાડી દીધાં હતાં. ત્યારબાદ ખિસ્સામાંથી ચપ્પું કાઢી રમેશભાઈ ઉપર હુમલો કર્યો હતો. ચાર વખત કરેલાં ચપ્પાંના પ્રહારથી રમેશભાઈને ગળા, કપાળ, હાથની આંગળીઓ તમેજ કાંડાના ભાગે ઈજા પહોંચી હતી.
બુમાબુમ થતાં રમેશભાઈના પરિવારજનો સહિત આસપાસના રહીશો તેમજ રાહદારીઓ અને વાહનચાલકોનું ટોળું એકત્રિત થઈ ગયું હતું. તે વખતે લોહીલુહાણ હાલતમાં રોડ પર પડેલાં રમેશભાઈને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી અતુલ ત્યાંથી ભાગી ગયો હતો. આ બનાવ અંગે રમેશભાઈ શંકરભાઈ ખાંટની ફરીયાદને આધારે ડાકોર પોલીસે બુટલેગર અતુલ રમણભાઈ પરમાર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.