દાહોદ: દાહોદમાં પેટના અસહ્ય દર્દની પીડા ધરાવતા યુવકના પેટમાંથી 14 પથરી કઢાઈ હતી. એક વર્ષથી પેટમાં અસહ્ય દુઃખાવા અને પેશાબમાં મુશ્કેલીની ફરિયાદ સાથે દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે 4 જૂનના રોજ આવેલા 25 વર્ષ યુવકનું ઓપરેશન કરાયું છે. દાહોદ નજીકના વિસ્તારનો 25 વર્ષીય યુવક 4થીના રોજ હોસ્પિટલમાં આવ્યો હતો. જ્યાં તબીબો દ્વારા 2 દિવસમાં 5 થી 6 પરીક્ષણો કરવામાં આવ્યાં હતાં. જેમાં રેડિયોલોજિસ્ટોની ટીમે યુવકના બ્લેડરના ભાગે 14 પથરીઓ હોવાનું નિદાન કર્યું હતું. ત્યારબાદ તા.7ના રોજ સર્જન ડૉ. હાર્દિક ભોંકણ અને એનેસ્થેટિક ડૉ.આનંદની ટીમ દ્વારા ઓપરેશન કરી બ્લેડરમાંથી 14 પથરીઓ કાઢવામાં આવી હતી. હાલમાં યુવકની હાલત સ્થિર છે.
વિવિધ પરીક્ષણો દરમિયાન દર્દીની પેશાબની કોથળીવાળા ભાગમાં એકસાથે 14 પથરી જોવા મળતાં તેનું ઓપરેશન કર્યું હતું. મોટી સાઈઝની કહી શકાય તેવી આશરે 300 ગ્રામ વજન ધરાવતી 14 પથરી કાઢી છે. આવો કિસ્સો જવલ્લે જ બનતો હોય છે. એક્સ રેમાં KUB (કિડની, યુરેટર, બ્લેડર) રિપોર્ટમાં સ્પષ્ટ જોવાઇ હતી. આ પથરીઓને ઝાયડ્સમાં જ કેમિકલ એનાલિસિસ માટે મોકલી છે, તેના રિપોર્ટ બાદ ખબર પડશે કે આમ કેમ થયું હશે? – ડો. હાર્દિક ભોંકણ, સર્જન.