Editorial

પર્યાવરણના ભોગે પ્રગતિ કરનાર ચીનમાં ક્લાઈમેટ ચેન્જને કારણે હવે આત્યાંતિક વરસાદ-પૂરની આગાહી

દરેક દેશએ પ્રગતિ કરવી જોઈએ પરંતુ તે પ્રગતિ આંધળી પણ હોવી જોઈએ નહીં. પર્યાવરણના ભોગે તો ક્યારેય પ્રગતિ હોવી જોઈએ નહીં પરંતુ પ્રગતિશીલ દેશો પર્યાવરણને ભૂલી જાય છે અને પછી તેનું નુકસાન ભોગવવું પડે છે.આ જ સ્થિતિ હાલમાં ચીન માટે થઈ છે. ચીનનું અર્થતંત્ર વૈશ્વિક રીતે બીજા ક્રમે છે પરંતુ ચીનનો આ વિકાસ પર્યાવરણના ભોગે થયો છે અને તેને કારણે ક્લાઈમેટમાં એટલો ચેન્જ આવ્યો છે કે હવે ચીન ભારે પૂરની સ્થિતિનો સામનો કરી રહ્યું છે.

ચીનમાં ચોમાસું શરૂ થયું છે અને તેને પગલે ચીનમાં મધ્ય અને દક્ષિણ ચીનમાં ભારે વરસાદ અને આકસ્મિક પૂર એટલે કે ફ્લેશ ફ્લડનું મોટું જોખમ ઊભું થવા પામ્યું છે. શુક્રવારે આ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું અને તેને કારણે ચીનમાં કૃષિ ક્ષેત્રની સાથે અર્થતંત્રને ભારે નુકસાન થાય તેવી સ્થિતિ હોવાથી આખા દેશમાં ભારે ડરનો માહોલ ઊભો થવા પામ્યો છે.હવામાનશાસ્ત્રીઓ પ્રમાણે ક્લાઈમેટ ચેન્જને કારણે થનારા આત્યાંતિક વરસાદથી જૂની પૂર સંરક્ષણ પ્રણાલીઓ પણ ડૂબી જાય તેમ છે. આને કારણે લાખો લોકો વિસ્થાપિત થવાનો ભય ઊભો થયો છે.

શુક્રવારે ચીનની સમાચાર એજન્સીએ કરેલી જાહેરાત પ્રમાણે આન્હુઈ, હેનાન, હુબેઈ, હુનાન, ગુઈઝોઈ અને ગુઆંગ્ઝી જેવા પ્રાંતોમાં અતિભારે વરસાદની સાથે પૂર આવવાની સંભાવના છે. ચીનમાં સામાન્ય રીતે જૂનના પ્રારંભમાં ચોમાસું શરૂ થાય છે. ત્યારબાદ તીવ્ર ગરમી પડે છે. ગરમીને કારણે પણ નુકસાન થાય છે. ગયા વર્ષે જુલાઈમાં ભારે વરસાદને કારણે કુદરતી આફતોથી ચીનને 10 બિલિયન ડોલરથી વધારે નુકસાન થયું હતું. અગાઉ 2020માં ચીનમાં ચોમાસું લાંબુ ચાલ્યું હતું. તેને કારણે ત્રણ ગણું નુકસાન થયું હતું.

શુક્રવારે આ આગાહી જાહેર કરવામાં આવી પરંતુ તે પહેલા ગુરૂવારે દક્ષિણ હુનાન પ્રાંતમાં નદીઓણાં 1998 પછીના સૌથી મોટા પૂર આવ્યા હતા. નદી કાટમાળ સ્વરૂપે રસ્તા પર વહેવા લાગી હતી. ચીનમાં હજી ચોમાસાની શરૂઆત છે ત્યારે નુકસાન કેટલું થશે તેનો કોઈ અંદાજ જ માંડી શકાતો નથી. ચીને દેશની પ્રગતિ માટે અનેક સ્થળે નદીઓને બાંધી દીધી છે. મોટા-મોટા ડેમ બનાવ્યા છે. ક્યાંક કુત્રિમ વરસાદનો પ્રયોગ પણ કર્યો છે. અનેક ઠેકાણે ચીને પર્વતો પર નગરો વસાવ્યા છે. દેશની ઈકોનોમીને ઉપર લઈ જવા માટે ચીને પર્યાવરણને ભારે નુકસાન પહોંચાડ્યું છે. અણુબોમ્બથી માંડીને મિસાઈલો તેમજ ઔદ્યોગિકરણને કારણે ચીનની પ્રાકૃતિક સ્થિતિ સદંતર બદલાઈ જવા પામી છે

 જેવી રીતે પ્રકૃત્તિમાં બદલાવ આવ્યો છે તેવી જ રીતે ચીનમાં મોસમનો પણ બદલાવ આવ્યો છે. અગાઉ ચોમાસું લાંબું રહ્યું છે ત્યારે હવે ચોમાસું ભારે પ્રકોપવાળું પણ રહે તેવી આગાહી કરાઈ છે. ચીને છેલ્લા એકાદ દાયકામાં જ હરણફાળ ભરી છે. એવું માની શકાય કે ચીને દેશના વિકાસ માટે પ્રકૃત્તિને બદલી નાખી છે. જેનું પરિણામ હવે સામે આવી રહ્યું છે. ચીનમાં ચોમાસામાં ભારે પૂરની શરૂઆત થઈ ચૂકી છે. ચીનની હાલની સ્થિતિ પરથી અન્ય દેશએ પણ સબક લેવાની જરૂર છે. જો આવી જ રીતે પ્રકૃત્તિના ભોગે વિકાસ થતો રહેશે તો વિનાશ ગમે ત્યારે થાય તેવી તૈયારી પણ રાખવી જ પડશે.

ચીન ટેકનોલોજીની દ્રષ્ટિએ ઘણું આગળ છે પરંતુ વિકાસશીલ દેશ ભારતે તેના પરથી ઘણું શીખવાની જરૂરીયાત છે. ચીનના સારા પાસા શીખવાની સાથે તેના ખરાબ પાસા ભારતે દૂર રાખવા જેવા છે. વિકાસ કેમ કરવો તે ચીન પાસેથી શીખવા જેવું છે પરંતુ સામે પર્યાવરણની પણ જાળવણી આપણે કરવાની છે. ચીન પાસેથી ટેકનોલોજી ભલે શીખવામાં આવે પરંતુ સાથે સાથે ચીનની જે હાલત થઈ રહી છે તેવી ભારતની પણ હાલત નહીં થાય તે જોવાની જવાબદારી ભારત સરકારની છે. જો ભારત સરકાર સજાગ નહીં રહે તો ભવિષ્યમાં ચીનની જેમ મોટું નુકસાન ઉઠાવવાની તૈયારી રાખવી પડશે તે નક્કી છે.

Most Popular

To Top