શાંઘાઈ: ચીન(China)માં કોરોના(Corona) સતત તબાહી મચાવી રહ્યો છે. કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે સોમવારે ચીનના બે સૌથી મોટા શહેરોમાં પ્રતિબંધો વધુ કડક કરવામાં આવ્યા હતા. જેના કારણે લોકોમાં આક્રોશ ફેલાયો હતો. તેમજ કોરોના સામે ચીનની ઝીરો કોવિડ પોલિસી પર પણ સવાલો ઉઠી રહ્યા છે.
કોરોનાને લઈ લોકો ઘરમાં કેદ
શાંઘાઈમાં સતત 6 અઠવાડિયાથી લોકડાઉન(LockDown) ચાલી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે અહીં સંક્રમણને રોકવા માટે પ્રતિબંધો કડક કરવામાં આવ્યા છે. જો કે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે શાંઘાઈના 16માંથી ચાર જિલ્લામાં લોકોને નોટિસ આપવામાં આવી છે કે તેઓ ઘરની બહાર ન જઈ શકે કે ડિલિવરી પણ ન લઈ શકે. જો કે, અગાઉ લોકોને રહેણાંક વિસ્તારમાં ઘરોની બહાર ફરવાની છૂટ હતી.
કોરોના વાયરસ કરતા તેઓની આ નીતિથી વધુ ડરી રહ્યા છે: સ્થાનિક રહેવાસી
બીજી તરફ રવિવારે લાગુ કરવામાં આવેલા નવા પ્રતિબંધને લઈ વિરોધ ઉગ્ર બન્યો છે. શાંઘાઈના રહેવાસીનાં જણાવ્યા મુજબ, તેઓએ જેલ જેવું લાગી રહ્યું છે. અમે કોરોના વાયરસ કરતા તેઓની આ નીતિથી વધુ ડરી રહ્યા છે. બેઇજિંગમાં પણ અત્યાર સુધીના કડક પ્રતિબંધોનું એલાન કરવામાં આવ્યું છે. દક્ષિણ-પશ્ચિમમાં સોમવારે તમામ નાગરિકોને બહાર જવાની ના પાડી દેવામાં આવી હતી.
કડક પ્રતિબંધોની અસર ચીનની અર્થવ્યવસ્થા પર
વાયરસના ફેલાવાને લગતી તમામ ગતિવિધિઓ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમજ અન્ય વિસ્તારોમાં લોકોને વર્ક ફ્રોમ હોમ કરવાનું જણાવવામાં આવ્યું છે. કેટલીક રેસ્ટોરન્ટ અને જાહેર પરિવહન પણ બંધ કરી દેવામાં આવ્યા છે. એટલું જ નહીં, ઘણી ઇમારતો અને પાર્કને પણ સીલ કરવામાં આવ્યા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ચીનના કડક પ્રતિબંધોની અસર તેની અર્થવ્યવસ્થા પર પણ પડી રહી છે.
ચીનની નિકાસ વૃદ્ધિ બે વર્ષમાં સૌથી નબળી સ્થિતિએ
સોમવારે જાહેર કરાયેલા ડેટા અનુસાર ચીનની નિકાસ વૃદ્ધિ લગભગ બે વર્ષમાં સૌથી નબળી સ્થિતિએ પહોંચી ગઈ છે. આટલું જ નહીં ચીનમાં અન્ય બિઝનેસ પણ કોરોનાથી પ્રભાવિત થયા છે. બીજી તરફ ચીન એ વાત પર અડગ છે કે તેની ઝીરો કોવિડ પોલિસી કોરોના સામે લડવાની છે. ચીનના વુહાનમાં પણ કોરોનાનો પહેલો કેસ જોવા મળ્યો હતો. વહીવટીતંત્રે લોકોને આ નીતિની ટીકા કરવા સામે ચેતવણી આપી છે. તેમનું કહેવું છે કે આ નીતિ લોકોના જીવ બચાવવા માટે છે.