નવી દિલ્હી(NewDelhi): લોન ટ્રેપમાં (LoanTrap) ફસાઈને અનેક લોકોના જીવન બરબાદ થઈ જાય છે. આવા અનેક કિસ્સા સામે આવ્યા બાદ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ (RBI) લોન એપને (LoanApp) ઓપરેટ કરનારાઓ માટે ગાઈડલાઈન (GuideLine) જાહેર કરી છે. રિઝર્વ બેન્કની નવી ગાઈડલાઈન અનુસાર હવે લોનનું રિ પેમેન્ટ (Repayment) કરવામાં મોડું થવાના કિસ્સામાં લોન એપ કંપનીઓ આડેધડ પેનલ્ટી (Penalty) વસૂલી શકશે નહીં.
બેન્કો અને નોન બેન્કિંગ કંપનીઓ (NBFC) દ્વારા રેવન્યુ વધારવા માટે પેનલ ઈન્ટરેસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. રિઝર્વ બેન્ક આ પ્રથાથી ચિંતિત છે. બેન્કે શુક્રવારે એક નિયમ જાહેર કરીને કહ્યું કે, લોન ચુકવવામાં ચૂક થાય તો યોગ્ય દંડ જ વસૂલી શકાશે. રિઝર્વ બેન્કે લોન ખાતા પર લગાડાતા પેનલ્ટી પર પ્રતિબંધ લગાવી દીધો છે.
લોન ખાતા પર પેનલ ચાર્જીસના રિઝર્વ બેન્કના નવા નિયમો 1 જાન્યુઆરી 2024થી લાગુ પડશે. આ નવા નિયમ આરબીઆઈ દ્વારા રેગ્યુલેટેડ તમામ બેન્કિંગ સંસ્થાઓ પર લાગુ પડશે. જેમાં તમામ કમર્શિયલ બેન્ક, સહકારી બેન્ક, એનબીએફસી, હાઉસિંગ ફાઈનાન્સ કંપની અને એક્ઝિમ બેન્ક, નાબાર્ડ, એનએચબી, સિડબી તેમજ એનબીએફઆઈડી જેવી સંસ્થાઓ સામેલ છે.
રિઝર્વ બેન્કે નિયમો અંગે કહ્યું કે, બેન્કો અને અન્ય લોન આપનારી સંસ્થાઓને 1 જાન્યુઆરી 2024થી લોનધારક પાસેથી પેનલ્ટી વસૂલવાની મંજૂરી મળશે નહીં. રિઝર્વ બેન્કના પરિપત્રમાં લખ્યું છે કે, લોન લેનાર તરફથી લોન એગ્રીમેન્ટના નિયમો અને શરતોનું પાલન નહીં કરવાના સંજોગોમાં દંડ વસૂલવામાં આવશે તો તેને પેનલ ચાર્જીસ માની લેવાશે અને તેને પેનલ્ટી ઈન્ટરેસ્ટના રૂપમાં નહીં લગાડાશે. જોકે, આ નવા નિર્દેશ ક્રેડીટ કાર્ડ અને બિઝનેસ ક્રેડીટ કાર્ડ પર લાગુ પડશે નહીં.
જો આરબીઆઈની નવી ગાઈડલાઈન્સને ઉદાહરણ આપીને સમજાવવામાં આવે તો લોન પર દંડ ત્યારે લાગુ પડે છે જ્યારે કોઈ ગ્રાહક સમયસર લોનનો હપ્તો ભરતો નથી. તેનો અર્થ કે ઓગસ્ટ મહિનાનો હપ્તો લોનધારક ભરતો નથી તો તેની પાસેથી 10 ટકા વ્યાજ દર અનુસાર 1000 રૂપિયા દંડ લાગુ પડે છે. આ રીતે મુદ્દત વીત્યા બાદ હપ્તો ભરવાના કિસ્સામાં વાર્ષિક 24 ટકા વધારાનો દંડ એટલે કે પેનલ ઈન્ટરેસ્ટ ભરવો પડે છે.
જોકે હવે રિઝર્વ બેન્ક દ્વારા નિયમોમાં ફેરફાર કરાયો છે. તે અનુસાર લોનનો ઈએમઆઈ સમયસર નહીં ભરવાના કિસ્સામાં જો 2 ટકા પેનલ ઈન્ટરેસ્ટ લગાવવામાં આવે છે તો તેને પેનલ ચાર્જીસ માની લેવાશે. તેનાથી લોનધારક તરફથી ભરવામાં આવતા વ્યાજમાં કોઈ વધારાનો ઘટક જોડવામાં આવશે નહીં. જણાવી દઈએ કે રિઝર્વ બેન્કે આ વર્ષે એપ્રિલ 2023માં પેનલ ચાર્જ માટે એક મુસદ્દો જાહેર કર્યો હતો.