Business

બ્રિટનમાં ઈમિગ્રેશન વિરોધી હિંસા શું દર્શાવે છે?

ઈંગ્લેન્ડ 13 વર્ષમાં તેના સૌથી ખરાબ રમખાણોનું સાક્ષી છે. તાજેતરમાં લિવરપૂલ નજીક સાઉથપોર્ટમાં એક ડાન્સ પાર્ટીમાં સામૂહિક છરાબાજીનો બનાવ બન્યો હતો જેમાં ત્રણ યુવાન બ્રિટીશ છોકરીઓનાં મૃત્યુ થયાં હતાં ત્યારબાદ ઇમિગ્રેશન વિરોધી દેખાવો થયા છે. સપ્તાહના અંતે વિરોધ પ્રદર્શનોને વેગ મળ્યો હતો, સેંકડો તોફાનીઓના ટોળાએ એક હોટલમાં ઘૂસી જવાના પ્રયાસ કર્યા હતા, આ હોટલનો ઉપયોગ આશ્રય-શોધનારાઓ માટે આવાસ તરીકે કરવામાં આવી રહ્યો હતો. અમને કહેવામાં આવ્યું છે કે બ્રિટિશ મૂળમાં જન્મેલા 17 વર્ષીય શંકાસ્પદ હુમલાખોરની પૃષ્ઠભૂમિ વિશે સોશિયલ મીડિયા પર ખોટી અફવાઓ દ્વારા વિરોધને વેગ મળ્યો હતો. તેના પર છ, સાત અને નવ વર્ષની બાળકીની હત્યા કરવાનો અને અન્ય દસ લોકોને છરીના હુમલામાં ઘાયલ કરવાનો આરોપ છે.

ડાન્સ ક્લાસમાં હુમલો કરનાર હુમલાખોર મુસ્લિમ અને ઇમિગ્રન્ટ હોવાની અફવાઓ ઓનલાઈન ફેલાતાં હિંસા ફાટી નીકળી હતી. આનાથી કટ્ટર જમણેરી સમર્થકોમાં ગુસ્સો વધ્યો. સામાન્ય રીતે, યુકેમાં 18 વર્ષથી ઓછી ઉંમરના શંકાસ્પદોનું નામ જાહેર કરવામાં આવતું નથી. તેમ છતાં, તેનું નામ જાહેર કરાયું હતું. જજ એન્ડ્રુ મેનરીએ ખોટી માહિતીના ફેલાવાને રોકવા માટે વેલ્સમાં રવાન્ડાના ખ્રિસ્તી માતા-પિતાના ઘરે જન્મેલા એક્સેલ રૂડાકુબાનાની ઓળખ જાહેર કરવાનો આદેશ આપ્યો હતો. આંદોલનકારીઓએ યુકેમાં ઇમિગ્રેશનના સ્કેલ અંગેની ચિંતાઓને હજુ વધારીને છરાબાજીના હુમલાનો લાભ લેવાનો પ્રયાસ કર્યો છે. ઇંગ્લિશ ચેનલમાં ફ્રાન્સથી નાની હોડીઓમાં હજારો માઇગ્રન્ટ્સ આવી રહ્યા હોઈ ઘણા સ્થાનિક અંગ્રેજી લોકો નારાજ છે.

પોલીસે 15 વર્ષ પહેલા સ્થાપિત ઈસ્લામ વિરોધી સંગઠન ‘ઈંગ્લિશ ડિફેન્સ લીગ’ના સમર્થકો અને તેની સાથે સંકળાયેલા સંગઠનો પર હિંસાનો આરોપ મૂક્યો હતો, જેના સમર્થકો ફૂટબોલમાં થતી ગુંડાગીરી સાથે જોડાયેલા છે. આંદોલનકારીઓએ સાઉથપોર્ટ અને ઉત્તરપૂર્વીય અંગ્રેજી શહેર સન્ડરલેન્ડમાં મસ્જિદોને નિશાન બનાવી છે. જો કે તમામ પ્રદર્શનો હિંસક બન્યા નથી. દક્ષિણ ઇંગ્લેન્ડના એલ્ડરશોટમાં એક શાંતિપૂર્ણ પ્રદર્શનમાં તેમાં ભાગ લેનારાઓ ‘ઘુસણખોરી રોકો’ અને ‘અમે કટ્ટર નથી, અમે સાચા છીએ’ જેવા સૂત્રો લખેલી તખ્તીઓ લઈને આવ્યા હતા.

ટીકાકારો કહે છે કે ઓનલાઇન ઈન્ફ્લુયેન્સરો દ્વારા પ્રેરિત પ્રદર્શનકારો, બ્રિટિશ રાજકારણમાં ઇમિગ્રેશન વિરોધી તત્વોની સફળતાથી પ્રોત્સાહિત અનુભવી શકે છે. હુલ્લડો દર્શાવે છે કે ઝેનોફોબિયાની (વિદેશીઓથી નફરત કરવી) આગને વધતા અટકાવવી તે વડા પ્રધાન કીર સ્ટારરનો પ્રથમ મોટો પડકાર છે. લેબર પક્ષને કન્ઝર્વેટિવ્સ પાર્ટી પર ભારે જીત અપાવીને તેઓ માત્ર એક મહિના પહેલા જ ચૂંટાયા હતા. તેમણે બ્રિટનના માર્ગોમાં ચાલી રહેલા તોફાનોને ‘કટ્ટરપંથીઓની-ગુંડાગીરી’ ગણાવી હતી અને કહ્યું હતું કે મુસ્લિમ સમુદાયોને નિશાન બનાવવામાં આવ્યા છે.

બ્રેક્ઝિટ પછીથી બ્રિટિશ સમાજમાં ઊંડા વિભાજન અસ્તિત્વમાં આવ્યા છે. ડઝનબંધ ધરપકડો છતાં, બ્રિટનમાં વધુ હિંસાનો ભય તોળાઈ રહ્યો છે. તાજેતરની ચૂંટણીમાં એકંદરે મતોમાં ત્રીજું સ્થાન મેળવનાર જમણેરી ‘રિફોર્મ યુકે’ પક્ષને જોતાં આ મુદ્દે તેમના વર્ણનનો સામનો કરવો વધુ મુશ્કેલ બનશે. આનો અર્થ એ છે કે રાજકીય અને આર્થિક અનિશ્ચિતતાઓ વચ્ચે ‘રિફોર્મ યુકે’ પક્ષની નીતિઓને લોકોનું સમર્થન છે. શ્વેત અંગ્રેજોમાં એવો ભય છે કે નોન-સ્ટોપ ઇમિગ્રેશનને કારણે બ્રિટન અન્ય દેશોના લોકોથી ભરચક બની જશે, જેમાં મોટાભાગે મુસ્લિમ દેશોના લોકો છે. લોકોએ પરિવર્તન માટે મત આપ્યા પછી બ્રિટનનું ‘પુનઃનિર્માણ’ કરવાનું વચન આપનાર સ્ટારમેરે હવે ઇમિગ્રેશન અને લોકોમાં ફેલાઈ રહેલા કટ્ટરવાદ જેવા મુશ્કેલ મુદ્દાઓને ઉકેલવા માટે ઝડપથી આગળ વધવું પડશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top