દુનિયાની કોઈ કરન્સીમાં જેટલી ઉથલપાથલ જોવા નહીં મળી હોય તેટલી ઉથલપાથલ બિટકોઈન નામની ક્રિપ્ટોકરન્સીમાં જોવા મળી હતી. ૨૦૧૫ માં બ્લોકચેઇન ટેકનોલોજી આધારિત બિટકોઈન ચલણમાં આવ્યા ત્યારે એક બિટકોઈનની કિંમત એક ડોલર જેટલી હતી. બે નંબરમાં રોકાણ કરનારાને બિટકોઈનમાં સ્વર્ગ દેખાતાં તેની કિંમત વધવા લાગી હતી.
૨૦૧૮ ના પ્રારંભમાં તેની કિંમત વધીને ૨૦ હજાર ડોલર પર પહોંચી ગઈ હતી. ઘણા દેશોની સરકારો જાગી ગઈ હતી. તેમને બિટકોઈનમાં ખતરો જણાતાં ભારત સહિતના દેશોમાં ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો હતો. બિટકોઈનની કિંમતમાં ધબડકો જોવા મળ્યો હતો. બિટકોઈનના સોદા ઘટી ગયા હતા. તેની કિંમત ઘટીને ૨૦૧૯ ના પ્રારંભ સુધીમાં ચાર હજાર ડોલર પર પહોંચી ગઈ હતી.
બિટકોઈનની સૌથી મોટી વિશેષતા એ છે કે દુનિયામાં તેનો મર્યાદિત જથ્થો છે. જે રીતે વિવિધ દેશોની સેન્ટ્રલ બેન્કો અમર્યાદિત પ્રમાણમાં પેપર કરન્સી છાપીને ફુગાવો વધારી શકે છે તેમ બિટકોઈનનો પુરવઠો વધારી શકાતો નથી. વળી બિટકોઈન પર કોઈ સરકારનો કાબૂ નથી.
બિટકોઈનની સરખામણી સોના સાથે કરવામાં આવે છે, કારણ કે દુનિયામાં સોનાનો જથ્થો પણ મર્યાદિત છે. જ્યારે જ્યારે લોકોનો વિશ્વાસ પેપર કરન્સી પર ડગમગી જાય છે ત્યારે સોનાના અને બિટકોઈનના ભાવો વધવા લાગે છે.
બિટકોઈનના ભાવો પણ ૨૦૧૯ માં સતત વધતા ગયા હતા. ૨૦૨૦ ના પ્રારંભમાં તે વધીને પાછા દસ હજાર ડોલર સુધી પહોંચી ગયા હતા. ૨૦૨૦ માં કોરોનાને કારણે બધા દેશોની સરકારો દ્વારા નોટો છાપવાનું ચાલુ રાખવામાં આવતાં બિટકોઈનના ભાવો ઊંચકાવા લાગ્યા હતા. એક વર્ષમાં ભાવો ચાર ગણા થઈ ગયા હતા. તાજેતરમાં તેના ભાવો ૪૨,૦૦૦ ડોલર પર પહોંચીને પાછા ફર્યા હતા.
ત્યાર બાદ બે દિવસમાં ભાવો ગગડીને ૩૫,૦૦૦ ડોલર સુધી પહોંચી ગયા હતા. તેમ છતાં બિટકોઈનમાં લોકોનો વિશ્વાસ તૂટ્યો નથી. તાજેતરમાં બિટકોઈનના ભાવોમાં કડાકો બોલવાનું મુખ્ય કારણ બ્રિટનના રેગ્યુલેટર દ્વારા આપવામાં આવેલી ચેતવણી છે કે બિટકોઈનમાં રોકાણ કરનારાઓ તેમની તમામ મૂડી ગુમાવી શકે છે.
થોડા વખત પહેલાં ભારતની રિઝર્વ બેન્ક દ્વારા પણ બિટકોઈનના ખરીદી-વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેને કારણે ભારતમાં ચેકથી બિટકોઈનના જે સોદા થતા હતા તે બંધ થઈ ગયા હતા. બિટકોઈનમાં રોકાણ કરનારાઓના રૂપિયા સલવાઈ ગયા હતા. તેમાંના કોઈએ રિઝર્વ બેન્કના આદેશ સામે સુપ્રિમ કોર્ટમાં અરજી કરી હતી.
સુપ્રિમ કોર્ટે બિટકોઈન પરનો પ્રતિબંધ દૂર કર્યો હતો. ભારતમાં બિટકોઈનના સોદા ફરી શરૂ થયા હતા. બિટકોઈન પર કોઈ પણ સેન્ટ્રલ બેન્ક દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવે કે ચેતવણી આપવામાં આવે તેનું કારણ એ છે કે બિટકોઈનની સ્પર્ધા તે દેશની પેપર કરન્સી સાથે છે, જેને ફિયાટ કરન્સી તરીકે પણ ઓળખવામાં આવે છે.
ફિયાટ કરન્સીની પોતાની કોઈ કિંમત હોતી નથી. સરકાર તે ગમે તેટલી છાપી શકે છે. જો સરકાર પોતાની ખાધ પૂરી કરવા મોટા પ્રમાણમાં ફિયાટ કરન્સી છાપવા માંડે તો બજારમાં તેનો પુરવઠો વધી જાય છે અને તેની કિંમતમાં ઘટાડો થાય છે, જેને ફુગાવા તરીકે ઓળખવામાં આવે છે. ફિયાટ કરન્સીની સરખામણીમાં બિટકોઈન વધુ સલામત છે, કારણ કે તેનો પુરવઠો મર્યાદિત છે. માટે તેને ફુગાવો નડતો નથી.
વળી બિટકોઈન પર સરકારનો કોઈ કાબૂ ન હોવાને કારણે તેના પર રાજકારણની પણ અસર નથી. ૨૦૨૦ દરમિયાન બિટકોઈનના ભાવો સતત વધવાનું કારણ એ હતું કે યુરોપ અને અમેરિકાના દેશો દ્વારા અર્થતંત્રમાં વેગ આણવા મોટા પેકેજો આપવામાં આવ્યા હતા. અમેરિકાની સરકાર દ્વારા બે ટ્રિલિયન ડોલરનું પેકેજ આપવામાં આવ્યું હતું. ભારતની સરકાર દ્વારા પણ બે લાખ કરોડ રૂપિયાનાં પેકેજો જાહેર કરવામાં આવ્યાં હતાં. આ પેકેજો પેપર કરન્સી છાપીને જ આપવામાં આવ્યા હતા. તેને કારણે બજારમાં કરન્સીનો પુરવઠો વધી ગયો હતો.
પરિણામે હવે ફુગાવો વધવાની શરૂઆત થઈ ચૂકી છે. ફુગાવા સામે સંરક્ષણ મેળવવા લોકો અગાઉ સોનામાં રોકાણ કરતાં હતાં. હવે લોકો સોના ઉપરાંત ક્રિપ્ટોકરન્સીમાં પણ રોકાણ કરવા લાગ્યાં છે, કારણ કે તેનો પુરવઠો પણ મર્યાદિત છે. વળી કોઈ પણ વ્યક્તિ પોતાની મરજી મુજબ ક્રિપ્ટોકરન્સીનું ઉત્પાદન કરી શકતી નથી.
આ કારણે ફુગાવા સામે સંરક્ષણ મેળવવા લોકો બિટકોઈન ખરીદવા લાગ્યાં છે. જો કે ૨૦૨૦ દરમિયાન બિટકોઈનના ભાવો ચાર ગણા થઈ ગયા તેમાં ખરેખરી ડિમાન્ડ કરતાં સટ્ટાકીય પરિબળો પણ જવાબદાર છે, જેને કારણે બિટકોઈનમાં રોકાણ કરવું જોખમકારક પણ બની ગયું છે.
રોકાણકારો હવે બિટકોઈનની સરખામણી ફિયાટ કરન્સી સાથે કરવાને બદલે સોના સાથે કરવા લાગ્યાં છે. જાણકારો કહે છે કે વિશ્વમાં આજની તારીખમાં જમીન ઉપર ૧.૯૮ લાખ ટન જેટલું જ સોનું છે. જમીનની અંદર બીજા ૫૭,૦૦૦ ટન જેટલું સોનું છે, જેને બહાર કાઢવાનું બાકી છે.
જો આ ૫૭,૦૦૦ ટન સોનું પણ બહાર કાઢી લેવામાં આવશે તો દુનિયામાં નવું સોનું આવતું બંધ થઈ જશે. આજના બજારભાવ મુજબ આ કુલ સોનાની કિંમત ૧૭,૦૦૦ અબજ ડોલર જેટલી થાય છે. તેની સરખામણીમાં આજની તારીખમાં દુનિયામાં ૨.૧ કરોડ બિટકોઈન જ છે.
તેની કિંમત ૬૦૦ અબજ ડોલર જેટલી છે. જો બિટકોઈનનો પુરવઠો ન વધવાનો હોય તો તેની કિંમત વધ્યા જ કરશે. બિટકોઈનનો સૌથી પહેલો સોદો ૨૦૧૦ માં થયો હતો, જ્યારે ફ્લોરિડાના એક માણસે એક બ્રિટીશ નાગરિકને બે પિત્ઝા સામે ૧૦,૦૦૦ બિટકોઈન ચૂકવ્યા હતા. આજે તેની કિંમત ૪૦ કરોડ ડોલર જેટલી છે. જે રીતે બિટકોઇનનો ફુગ્ગો ફૂટી જવાનો ડર છે, તેમ બિટકોઇનના ભાવો હજુ વધવાની પણ તમામ સંભાવનાઓ છે.
જે.પી. મોર્ગન જેવી કંપની કહે છે કે બિટકોઈનના ભાવો વધીને ૧.૪૬ લાખ ડોલર સુધી પણ પહોંચી શકે છે. કેટલાક નિષ્ણાતો કહે છે કે બિટકોઇનના ભાવો ચાર લાખ ડોલર પર પણ પહોંચી શકે છે. બિટકોઇનનો ભાવ એક ડોલર કરતાં ઓછો હતો ત્યારે કોણે કલ્પના કરી હતી કે તેનો ભાવ ૪૦ હજાર ડોલરને પાર કરી જશે? તેવી રીતે એક બિટકોઇનના ચાર લાખ ડોલર ઉપજી શકે છે. પરંતુ તેમાં ભારોભાર જોખમ છે, તેનો ખ્યાલ બિટકોઇનમાં રોકાણ કરનારને હોવો જોઇએ.
જુગારમાં રમનારા સામસામે હોય છે અને કોની અંદર કેટલો દમ છે, તેની રમનારને ખબર હોય છે, માટે તેમાં મર્યાદિત જોખમ હોય છે. બિટકોઇનના ખેલાડીઓ પડદા પાછળ છૂપાયેલા હોય છે.
તેઓ ક્યાં પાસાં ફેંકશે, તેની જુગાર રમનારને કલ્પના જ નથી હોતી. બિટકોઇનને ટ્રાન્સફર કરવામાં સરેરાશ ૭૮ મિનિટનો સમય લાગતો હતો, પણ તાજેતરમાં તેનું વોલ્યુમ વધી જતાં સમય વધીને આશરે ૨૦ કલાક પર પહોંચી ગયો હતો. બિટકોઇન સાથે સ્પર્ધા કરવા માટે સો કરતાં વધુ ક્રિપ્ટોકરન્સી બજારમાં આવી ગઇ છે.
જો રોકાણકારોને તેમાં વધુ રસ પડે તો બિટકોઇનનું બજાર ગગડી જાય તેવું બની શકે છે. દાખલા તરીકે બજારમાં લાઇટકોઇન નામની ડિજિટલ કરન્સી પણ આવી છે. તેને ટ્રાન્સફર કરવામાં માત્ર બે મિનિટનો સમય લાગે છે, જેનો ખર્ચ પણ ૦.૬૦ ડોલર જેટલો જ આવે છે. રિપલ નામની ડિજિટલ કરન્સીને ટ્રાન્સફર કરવામાં કેટલીક સેકન્ડો જ લાગે છે. જો રોકાણકારો તેમના તરફ ખેંચાઇ જાય તો બિટકોઇનનો ફુગ્ગો ફૂટી જશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.