બિહારના બક્સરજિલ્લામાં એક લગ્ન સમારંભ દરમિયાન ચોંકાવનારી ઘટના સામે આવી છે. માળા સમારંભ ચાલી રહ્યો હતો ત્યારે એક યુવકે સ્ટેજ પર ચઢી દુલ્હન પર ગોળી ચલાવી દીધી, જેના કારણે ખુશીના માહોલમાં અફરાતફરી મચી ગઈ. ઉત્તર પ્રદેશના Ballia જિલ્લાના સુરમનપુરથી જાન આવી હતી. રાત્રે આશરે 10:30 વાગ્યે દુલ્હા-દુલ્હન માળા બદલવાની તૈયારીમાં હતા ત્યારે ભીડમાંથી એક યુવક અચાનક સ્ટેજ પાસે પહોંચ્યો અને દુલ્હન આરતી કુમારી પર પિસ્તોલ તાકી ગોળી ચલાવી. ગોળી તેના પેટના ભાગે વાગતા તે લોહીલુહાણ હાલતમાં સ્ટેજ પર જ ઢળી પડી હતી. કોઈ કંઈ સમજે તે પહેલાં જ આરોપી યુવક ગોળી મારીને ઘટનાસ્થળેથી ભાગી ગયો. ગોળીબાર કરનાર દીનબંધુ દુલ્હનનો પ્રેમી હોવાનું કહેવાય છે.
ઘાયલ દુલ્હનને તરત જ બક્સર સદર હોસ્પિટલ લઈ જવામાં આવી, જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેની ગંભીર હાલતને જોતા વધુ સારવાર માટે ટ્રોમા સેન્ટર વારાણસીમાં રિફર કરવામાં આવી છે. હાલ તેની સ્થિતિ ગંભીર હોવાનું જણાવાયું છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ગોળીબાર કરનાર દીનબંધુ નામનો યુવક તેમની પાડોશમાં જ રહેતો હતો. અને દુલ્હનનો ઓળખીતો હતો અને તેને પ્રેમી તરીકે ઓળખવામાં આવી રહ્યો છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે અને આરોપીને ઝડપી પાડવા માટે શોધખોળ શરૂ કરી છે. આરોપીના પિતાની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે. આરોપી યુવક દારૂના કેસમાં પહેલા પણ જેલમાં જઈ ચૂક્યો છે. ઘટના પછી તરત જ જાનના લોકો પાછા ફર્યા હતા. આખા લગ્નવાળા ગામમાં શાંતિ છવાઈ ગઈ અને લોકો આ ધટનાથી સ્તબ્ધ થઈ ગયા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં ગોળીબાર બાદ મચેલી અફરાતફરી અને ચીસો સાંભળવા મળે છે.