ભરૂચ: ભરૂચ (Bharuch) જિલ્લામાં સીમા (નામ બદલેલ છે) નામની કિશોરી તેનાં માતા-પિતા અને ભાઈ સાથે રહે છે. ધોરણ-9 સુધી તેના વતનમાં તેનાં દાદા-દાદીના ઘરે રહીને અભ્યાસ કર્યો છે. જ્યાં તેના ફૂવા દ્વારા તેની એકલતાનો લાભ લઇ અનેક વખતે તેનું શારીરિક શોષણ (Physical abuse) કરાયું હતું. તેના માનસ ઉપર ગંભીર અસર થતાં તેણીએ આ વાત તેનાં માતા-પિતાને કરી ન હતી.
- ધોરણ 9ની વિદ્યાર્થિનીને માછીમારે બચાવી લીધી
- સખી વનસ્ટોપે ફરી કિશોરીનું તેના પરિવાર સાથે મિલન કરાવ્યું
જો કે, પરિવારમાં અને સમાજમાં તેમની આબરૂ જવાના ડરે તેમણે કિશોરી સીમાને માર મારી આ અંગેની જાણ કોઈને પણ ન કરવા જણાવ્યું હતું. પરંતુ બીજી બાજુ તેના ફૂવાએ કિશોરીના સાથે અશ્લીલ ફોટા પાડી તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી અનેક વખતે શારીરિક શોષણ કર્યુ હતું. ઘરમાં પણ કોઈ સાથ સહકાર નહીં આપતું હોય અને સમાજ અને પરિવારમાં પોતાની ઈજ્જત જવાના કારણે કિશોરીએ છેલ્લે આપઘાત કરવાનો નિર્યણ કર્યો હતો. સવારે ઘરેથી સ્કૂલે જવાનું કહી નીકળેલી કિશોરીએ ભરૂચના બોરભાઠા બેટ પાસે નર્મદા નદીમાં ઝંપલાવ્યું હતું.
જો કે, આ સમયે નદીમાં પાણી ઓછું હોવાના કારણે ત્યાં નજીક માછીમારી કરી રહેલા માછીમારોએ દોડી આવી કિશોરીને બહાર કાઢી એ ડિવિઝન પોલીસને સોંપી હતી. પણ ઘરે નહીં જવા માંગતી કિશોરીએ પોલીસને કંઈ જ જવાબ ન આપતાં તેને કાઉન્સિલિંગ અને આશ્રય માટે શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ-મહેસાણા સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટરમાં રાખવામાં આવી હતી. જેમાં સીમાને પાંચ દિવસની આશ્રય આપી કાઉન્સેલિંગ કરવામાં આવતાં તેણે સમગ્ર માહિતી જણાવી હતી. આથી સંસ્થાએ પોલીસ તપાસ કરતાં સીમાના પરિવારે તે ગુમ થયાની એફઆઈઆર નજીકના પોલીસમથકમાં નોંધાવી હતી. જેના આધારે સંસ્થાએ તેનાં માતા-પિતાને બોલાવી કિશોરીને હૂંફ આપવા અને સીમાને પણ ઘરે જવા સમજાવતાં તે ઘરે જવા તૈયાર થતાં સંસ્થાએ કિશોરીનો પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું.
૭૫ વર્ષના વૃદ્ધે અસ્થિર મગજની યુવતી પર બળાત્કાર કર્યો
વાંસદા: વાંસદામાં ૭૫ વર્ષના વૃદ્ધની અસ્થિર મગજની યુવતી પર બળાત્કાર કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. વાંસદા તાલુકાના એક ગામમાં પતિના અવસાન બાદ મહિલા પોતાની એક માત્ર ૨૬ વર્ષીય દીકરી જે જન્મથી જ માનસિક બીમારીથી પીડાતી હોય, તેની સાથે રહી પોતે ઘરકામ અને ખેતી કરી પોતાનું જીવન નિર્વાહ કરી રહી છે. પોતાની માનસિક બીમાર દીકરીની વાંસદા કોટેજ હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી હતી અને ઘરે પણ દેખભાળ રાખવામાં આવી રહી છે.
ત્યારે તા. ૧૭/૫/૨૦૨૨ના રોજ બીમાર દીકરીની માતા સવારે આશરે આઠેક વાગ્યાના અરસામાં એક દુકાન ઉપર કરિયાણું લેવા માટે ગઈ હતી તે દરમિયાન તેમની દીકરી ઘરે એકલી હતી, ત્યારે તેમના ઘરની બાજુમાં જ રહેતા છોટુભાઈ લલ્લુભાઈ પટેલ (ઉંમર વર્ષ ૭૫)એ માનસિક બીમાર દીકરીના ઘરમાં જઇ બળાત્કાર કરતાં ઝડપાઈ ગયા હતા. ત્યારબાદ લલ્લુભાઈ તેમના ઘરના પાછળના દરવાજેથી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર બનાવ બાબતે માનસિક રીતે બીમાર દીકરીની માતાએ વાંસદા પોલીસ મથકે છોટુભાઈ પટેલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની અટક કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.