Madhya Gujarat

સંતરામપુરના ભમરી ગામે માત્ર રૂા. 400 માટે ગળુ દબાવી યુવકની હત્યા કરી

આણંદ : સંતરામપુર તાલુકાના ભમરી ગામે બીડી પીવા રોકાયેલા યુવકને દુકાનદારે ગળુ દબાવી માથુ પછાડી હત્યા કરી નાંખી હતી. યુવકે અગાઉ દુકાનદારનો હવા પુરવાનો પમ્પ તોડી નાંખ્યો હતો. જેની નુકશાનીના રૂ.400 બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં યુવકે જીવ ગુમાવતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. આ અંગે સંતરામ પોલીસે દુકાનદાર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સંતરામપુરના ભમરી ગામે રહેતા તેરસીંગભાઈ પારગીએ સપ્તાહ પહેલા ગાડી ખરીદી હતી. આ ગાડી પર ગામનો યુવક સુરેશ માનસીંગ ડામોર ડ્રાઇવર તરીકે ફરજ બજાવતો હતો. દરમિયાનમાં 8મી ઓગષ્ટ,21ના રોજ સાંજના સુમારે સુરેશને ઘરે જવાનું હોવાથી તેરસીંગનો પુત્ર હિરાભાઈ પારગી (ઉ.વ.36) અને ભત્રીજો વિપુલ પારગી બાઇક પર નીકળ્યાં હતાં. ત્રણેય યુવક એક જ બાઇક પર નિકળ્યાં હતાં. જોકે, રાત્રિના નવેક વાગે વિપુલ હાંફળો ફાંફળો ઘરે આવ્યો હતો અને તેરસીંગને મળીને હિરાભાઈની હત્યા થઇ હોવાનું જણાવ્યું હતું. વિપુલે ઘરે જણાવ્યું હતું કે, હિરાભાઈ અને હું ડ્રાઇવરને ઘરે મુકીને પરત ઘરે આવવા નીકળ્યાં હતાં. રસ્તામાં હિરાભાઈને બીડીની તલપ લાગતા તેઓએ રમેશ રતનાભાઈ પારગી (રહે.કેળા ફળીયા, ભમરી)ની દુકાન પર બાઇક રોકાવી હતી. બાદમાં હિરાભાઈ બીડી લેવા રમેશના ઘરમાં ગયાં હતાં.

પરંતુ પાંચેક મિનીટ પછી હિરાભાઈએ અંદલ બોલાવેલો. જેથી હું રમેશભાઈની દુકાનમાં ગયો હતો તે સમયે હિરાભાઈએ કહ્યું કે થોડીવાર બીડી પીને જઇએ. આ સમયે રમેશ પારગી લાકડી લઇને આવ્યો હતો અને હરિભાઈને અપશબ્દ બોલી કહ્યું કે, મારો હવા પુરવાનો પમ્પ કેમ અગાઉ તોડી નાંખ્યો હતો. તેના રૂ.400 થાય છે. તું પૈસા આપી દે. આ ઝઘડામાં રમેશે લાકડી ફેંકી હિરાનું ગળુ દબાવી દીધું હતુ. જેના કારણે બન્ને બાથમબાથ આવી ગયાં હતાં. તેમને છોડાવવા પ્રયત્ન કર્યો, છતાં છુટા પડ્યાં નહતાં. આ દરમિયાન રમેશે ગળામાં પકડી હિરાને કરાઠાની વાડે પછાડ્યો હતો અને બીજી વખત ઉંધા માથે ટાઇલ્સ પર પછાડ્યો હતો. જેના કારણે ગંભીર ઇજા પહોંચતાં હિરાભાઈનું ત્યાં જ પ્રાણપંખેરૂ ઉડી ગયું હતું. આ ઝઘડાની બુમાબુમથી રમેશના પરિવારજનો પણ દોડી આવ્યાં હતાં. તેઓએ હિરાભાઈને ઉઠાડવા પ્રયત્ન કર્યો હતો. પરંતુ તે ઉઠ્યો નહતો.

આ સાંભળી ચોંકી ગયેલા હિરાભાઈના પિતા તેરસીંગ તુરંત વિપુલ સાથે બાઇક પર રમેશ પારગીના ઘરે આવી ગયાં હતાં. તેઓએ હિરાને બુમ પાડી ઉભો થા બેટા, ઉભો થા કહ્યું પરંતુ તે ઉઠ્યો નહતો. જેથી શરીરે હાથ ફેરવી છાતી ઉપર હાથ મુકતા શ્વાસ લેતો નહોય અને આંખો ફાટી ગયેલી  હતી. આમ હત્યા કરાઇ હોવાનુ જણાયું હતું. આ અંગે સંતરામપુર પોલીસમાં ફરિયાદ આપતાં પોલીસે રમેશ રતનાભાઈ પારગી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પિતા આખી રાત પુત્રની લાશ પાસે બેસી રહ્યાં

તેરસીંગે ખરીદેલી ગાડીના ડ્રાઇવરને ઘરે મુકી પરત આવી રહેલા હિરાભાઈ રસ્તામાં રમેશની દુકાને બીડી પીવા રોકાયાં હતાં. જ્યાં તેની હત્યા થઇ હતી.  આ ઘટનાથી તેરસીંગ મોડી રાત્રે રમેશને ત્યાં પહોંચ્યાં હતાં. જોકે, હિરાની લાશ પડી હતી. જોકે, મોડી રાત થઇ હોવાથી સરપંચ અને અન્ય લોકોએ સવારે પોલીસ કાર્યવાહી કરવાનો નિર્ણય લેતા પિતા સવાર સુધી તેના પુત્રની લાશ પાસે બેસી રહ્યાં હતાં.

Most Popular

To Top