બારડોલી: બારડોલીમાં (Bardoli) ઠંડીનો પારો 7° ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જતાં લોકો ઠંડીમાં (cold) ઠૂંઠવાયા હતા. અંદાજિત દસ વર્ષ બાદ સોમવારે વહેલી સવારે પારો આટલો નીચે જતાં લોકોએ તાપણું અને ગરમ કપડાંનો સહારો લેવો પડ્યો હતો.
પશ્ચિમી વિક્ષેપની અસર તેમજ હિમાલયના પહાડી પ્રદેશોમાં થતી હિમવર્ષાના કારણે ગુજરાતમાં તેની અસર જોવા મળી રહી છે. સામાન્ય રીતે મકરસંક્રાંતિ બાદ ધીમે ધીમે ઠંડી ઓછી થતી હોય છે. પરંતુ પશ્ચિમી વિક્ષેપને કારણે આ વર્ષે હજુ સુધી બારડોલી સહિત સુરત જિલ્લાના લોકોને ઠંડીમાં રાહત મળી શકી નથી. હવામાન વિભાગની આગાહી મુજબ સુરત જિલ્લામાં તાપમાનનો પારો નીચો જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. તે મુજબ જ રવિવારે સાંજના સમયથી જ ઠંડો પવન વાતાં ઠંડીનો વરતારો શરૂ થઈ ગયો હતો. રાત્રિના સમયે લોકોએ ઘરની બહાર નીકળવાનું પણ ટાળ્યું હતું.
સોમવારે વહેલી સવારે પારો 7° ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જતાં લોકો રીતસરના ધ્રૂજતા જોવા મળ્યા હતા. દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 28 ડિગ્રી °સેલ્સિયસ નોંધાયું હતું. સવારના સમયે લોકોની ચહલપહલ પણ ઓછી જોવા મળી હતી. આખો દિવસ 12.5 કિમીની ઝડપે ઠંડો પવન વાતાં લોકોએ ગરમ કપડાં પહેરવાની ફરજ પડી હતી. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આગામી બે-ત્રણ દિવસ માટે તાપમાનમાં ઘટાડો નોંધાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જાણકારોના મતે બારડોલીમાં અંદાજિત દસ વર્ષ બાદ તાપમાનમાં આટલો ઘટાડો જોવા મળ્યો હતો.
નવસારીમાં હાડ થીજાવતી 7 ડિગ્રી ઠંડી, સિઝનનો સૌથી ઠંડો દિવસ નોંધાયો
નવસારી, વાપી : ઉત્તર ભારતમાં હીમવર્ષા થતાં તેની અસર સમગ્ર ગુજરાત અનુભવી રહ્યું છે. સાથે નવસારી- વલસાડ જિલ્લામાં પણ છેલ્લા બે-ચાર દિવસથી ઠંડીનો પારો ગગડી રહ્યો છે. જેમાં સોમવારે એકદમ ફેરફાર થતાં વહેલી પરોઢથી વાતાવરણ ખૂશનુમાની સાથે ભારે પવનને લઈ ઠંડુગાર બની ગયું છે. ઉત્તરીય પવનોને કારણે સમગ્ર નવસારી- વલસાડ જિલ્લાના લોકો થથરી રહ્યા છે. જેને પગલે લોકોએ તાપણું સળગાવી ઠડીથી બચવા પ્રયાસ કર્યો હતો.
જેમાં આજે નવસારીમાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી ગગડીને 7 ડિગ્રી નોંધાયું હતું. જેથી સિઝનનો સૌથી ઠંડો દિવસ નોંધાયો હતો. જ્યારે મહત્તમ તાપમાન વધુ 2 ડિગ્રી ગગડ્યું હતું. જેથી દિવસ દરમિયાન હાડ થીજવતી ઠંડી પડી હતી. નવસારીમાં ગત બુધવારથી લઘુત્તમ તાપમાનમાં 4 ડિગ્રીનો વધારો થયો હતો. જ્યારે મહત્તમ તાપમાનમાં 5 ડિગ્રીનો વધારો નોંધાઈ રહ્યો હતો. પરંતુ વાદળછાયા વાતાવરણમાં ઠંડક વર્તાઈ હતી. જોકે ગત રોજ લઘુત્તમ તાપમાનમાં 1 ડિગ્રીનો અને મહત્તમ તાપમાનમાં 7.5 ડિગ્રીનો ઘટાડો થયો હતો. જ્યારે આજે સોમવારે લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી ગગડીને સીધું 7 ડિગ્રીએ આવી પહોંચ્યું હતું. જ્યારે મહત્તમ તાપમાન વધુ 2 ડિગ્રી ગગડીને 23 ડિગ્રી નોંધાયું હતું. જેથી સોમવાર સિઝનનો સૌથી ઠંડો દિવસ નોંધાતા હાડ થીજવતી ઠંડી પડી હતી. સોમવારે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 89 ટકા હતું. જે બપોરબાદ ઘટીને 30 ટકાએ રહ્યું હતું. જ્યારે દિવસ દરમિયાન ઉત્તર-પૂર્વ દિશાએથી 5.8 કિ.મી. ની ઝડપે પવનો ફૂંકાયા હતા.
ઉત્તરીય ઠંડા પવનોએ નવસારી- વલસાડ જિલ્લામાં લોકોને ધ્રુજાવી દીધા
વલસાડ જિલ્લામાં સોમવારે એકદમ ફેરફાર થતાં વહેલી પરોઢથી વાતાવરણ ખૂશનુમાની સાથે ભારે પવનને લઈ ઠંડુગાર બની ગયું છે. શનિવારે 19, રવિવારે 18 અને આજે સોમવારે ઠંડીનો પારો 5 ડિગ્રી નીચે ગગડી 13 ડિગ્રી પર પહોંચી ગયો હતો. હવામાન વિભાગ હજુ પણ બે-ચાર દિવસ ઠંડીનું જોર વધુ રહેશે, તેવું જણાવી રહ્યું છે. વલસાડ જિલ્લામાં ત્રણ દિવસથી સતત 24 કલાક વાતાવરણ ઠંડુગાર થઈ જતા લોકો રીતસરના ઠુઠવાયા હતા. લોકો ચાલતા, બાઈક પર કે કારમાં પણ ગરમ વસ્ત્રો પહેરેલા જોવા મળ્યા હતા. તો કેટલાક સ્થળોએ લોકો તાપણું સળગાવી ઠંડીને ભગાવી રહ્યા હતા. દરમ્યાન ઠંડા પવનના પગલે લોકોએ સતત ગરમ વસ્ત્રો પહેરવાની નોબત આવી હતી. વધતી ઠંડીને લઈ ગરમ કપડાં વેચતા વેપારીઓ અને લારીઓ પર લોકોએ ભારે ભીડ જમાવી હતી.