બારડોલી: બારડોલીના પણદા પાસે થયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઇજા પામેલા ઉમરપાડાના જોડવાણ ગામના 32 વર્ષીય યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પત્નીને પ્રસવ પીડા થતાં માંડવીની હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. જ્યાં લોહીની જરૂર પડતાં યુવક તેના સાળા સાથે બારડોલીથી લોહી લઈને આવી રહ્યો હતો ત્યારે પણદા ગામની સીમમાં પિકઅપની અડફેટે આવી જતાં અકસ્માત સર્જાયો હતો. જન્મતાની સાથે પુત્રએ પિતાની છાત્રાછાયા ગુમાવી દેતાં ભારે કરુણાંતિકા સર્જાઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ઉમરપાડાના જોડવાણ ગામનો ઈશ્વર ગુલાબ વસાવા (ઉં.વ.32) સુરત ખાતે ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. તેની પત્ની સુનંદા ગર્ભવતી હોવાથી રવિવારે પ્રસવ પીડા ઉપડી હતી. આથી તેને માંડવીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી.
તબીબે સિઝરિયન કરવું પડે તેમ હોવાથી બે બોટલ લોહીની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું. આથી ઈશ્વરભાઈ તેના સાળા કપિલભાઈ સાથે લોહી લેવા માટે બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલની બ્લડ બેન્ક પર આવ્યો હતો. બારડોલી પહોંચતા જ જાણવા મળ્યું હતું કે, તેની પત્નીએ એક બાળકને જન્મ આપ્યો છે. આથી તેઓ લોહી લઈને મોટરસાઇકલ પર માંડવી જવા માટે રવાના થયા હતા.
બારડોલી માંડવી માર્ગ પરથી પસાર થતી વખતે પણદા ગામની સીમમાં બપોરે સાડા 11 વાગ્યાની આસપાસ તેમની આગળ ચાલતા એક પિકઅપ ચાલકે અચાનક ટર્ન લેતાં ચાલક કપિલભાઈ બાઇક કાબૂમાં કરી શક્યો ન હતો અને કંઈ સમજે એ પહેલાં જ તેમની બાઇક પિકઅપના પાછળના ભાગે અથડાઇ ગઈ હતી. બંને નીચે પટકાતાં ઘાયલ હાલતમાં તાત્કાલિક બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી ઈશ્વરભાઈને વધુ સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં મંગળવારે તેનું મોત થયું હતું.
પુત્ર જન્મના સમાચાર જાણી ખુશ પિતા તેનું મોં પણ જોઈ શક્યા ન હતા અને પુત્રએ જન્મતાની સાથે જ પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. આ ઘટનાને લઈને પરિવારના સભ્યો ભારે કલ્પાંત કરી રહ્યા છે.