Vadodara

બાપોદમાં વૃદ્ધાના 2.50 લાખના દાગીના સેરવી બે ગઠિયા રફૂચક્કર

વડોદરા: બાપોદની ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતી વૃદ્ધા સાથે ચાંદીના વાસણો ચમકાવી આપવાની જૂની તરકીબ અપનાવીને બે ગઠિયા સોનાની 8 તોલાની 6 બંગડી અને વૃદ્ધાની પુત્રવધૂની નજર ચૂકવીને 2 તોલાની સોનાના પેન્ડલવાળી ચેઇન મળી કુલ રૂ. 2.50 લાખના દાગીના લઇને રફૂચક્કર થઇ જતા બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

બાપોદ વિસ્તારના આજવા રોડ ઉપર આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં 63 વર્ષીય શબીરાબેન અજગરઅલી ભાઈસાહેબ પરિવાર સાથે રહે છે. ગત તા. 21 જૂનના રોજ સવારે 10 કલાકે પરિવારના તમામ સભ્યો ઘરે હતા. ત્યારે અજાણ્યા બે યુવાનો ઘરે આવી પહોંચ્યા હતા. તેઓએ શબીરાબહેનના પતિને પાવડર આપ્યો હતો અને કહ્યું હતુ કે, આ પાવડરથી કુકરની સિટી ચમકતી થઇ જશે. અમે અડધો કલાક પછી પરત આવીશું અને તમારા દાગીના તથા વાસણો ચમકાવી આપીશું તેમ જણાવી જતા રહ્યા હતા.

દરમિયાન બપોરે 12 વાગે બંને યુવાનો પરત આવી પહોંચ્યા હતા. ત્યારે શબીરાબહેનના પતિ અજગરઅલી કામ અર્થે બહાર ગયા હતા. ઘરમાં શબીરાબહેન, સાસુ બતુલબહેન અને પુત્રવધૂ સેહબા હતા. શબીરાબેને ચાંદીની પાયલ અને કડા ચમકાવવા માટે આપ્યા હતા. ગઠિયાઓએ શબીરાબેન પાસે ચાંદીના દાગીના ચમકાવી આપવા માટે સ્ટીલનો ડબ્બો, પાણી તેમજ હળદર મંગાવ્યું હતું. ગણતરીની મિનીટોમાં ચાંદીના દાગીના ચમકાવીને પરત કરી દીધા હતા. ત્યારબાદ શબીરાબેનને હાથમાં પહેરેલી સોનાની બંગડીઓ ઉપર કથ્થઇ કલરનો પાવડર નાખ્યો હતો અને કહ્યું કે, બંગડીઓ ચમકી જશે, પરંતુ, બંગડીઓ ચમકી ન હતી.

જેથી ગઠિયાઓએ શબીરાબહેનને જણાવ્યું કે, તમે બંગડીઓ કાઢીને આપો તમને ચમકાવી આપીશું. શબીરાબહેને હાથમાં પહેરેલી સોનાની 6 બંગડીઓ તેમજ પેન્ડલવાળી સોનાની ચેઇન કાઢીને ગઠિયાઓને ચમકાવવા માટે આપી હતી. દરમિયાન ગઠિયાઓ પૈકી એક ગઠિયાએ શબીરાબેનને જણાવ્યું કે, તમારા દાગીના સ્ટીલના ડબામાં મૂકી દો. અને તેને ગરમ કરી લાવો. જેથી શબીરાબહેને પુત્રવધૂ સેહબાને સોનાના દાગીના મૂકેલો ડબો લઇને રસોડામાં ગરમ કરવા માટે ગયા હતા. ગઠિયો પણ તેમની પાછળ ગયો હતો અને હળદર મંગાવી ડબ્બામાં નાખી હતી. ફરિવાર પુત્રવઘૂએ હળદર લેવા માટે રસોડાનું ડ્રોઅર ખોલતા જ ગઠિયાએ ડબ્બામાંથી 10 તોલાના દાગીના સેરવી લઇ મેઇન રૂમમાં આવી ગયો હતો. અને જણાવ્યું હતું કે, પાંચ મિનીટ પછી ડબ્બામાં જોઇ લેજો. શબીરાબહેન રસોડામાં ડબ્બા સુધી પહોંચે તે પહેલાં જ ઘરની બહાર મૂકેલી બાઇક પર રવાના થઇ ગયા હતા.

Most Popular

To Top