વડોદરા : સ્માર્ટસીટી વડોદરા શહેરમાં પાલિકા દ્વારા પ્રિમોન્સૂનની કામગીરીના દાવા કરવામાં આવી રહ્યા છે. જોકે આ દાવા વચ્ચે અટલાદરા વિસ્તારમાં ગટરના દુષિત પાણી ઉભરાતા વિસ્તારના રહીશો નર્કગાર જીવન ગુજારવા મજબુર બન્યા છે. બિલ અટલાદરા રોડ કેનાલ તરફના રસ્તા ઉપર આવેલ પરમ ગ્રીન્સ ખાતે છેલ્લા 15 દિવસથી ઉભરાતી ગટરના પાણી માર્ગ પર ફરી વળતા તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્માર્ટસીટીની મોટીમોટી ગુલબાંગો ફૂંકવામાં આવી રહી છે. પરંતુ કોર્પોરેશન તંત્ર વડોદરા શહેરને સ્માર્ટસીટી બનાવવા માટે તદ્દન નિષ્ફળ નીવડ્યું છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઘણા નવા વિસ્તારોને સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. સ્થાનિકો પાસેથી કમરતોડ વેરો પણ વસુલવામાં આવી રહ્યો છે.પરંતુ તંત્ર દ્વારા તેઓને પ્રાથમિક સુવિધાઓ આપવા નિષ્ફળ રહ્યું છે.
વડોદરા શહેર નજીક બિલ અટલાદરા રોડ કેનાલ રોડ ઉપર આવેલ પરમ ગ્રીન્સ ખાતે ગટરના પાણી ઉભરવાની સમસ્યા વિકટ બની છે. જેના કારણે સ્થાનિક રહેવાસીઓને પસાર થવામાં ઘણી મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે. સાથે જ પાણી ભરાઈ રહેવાને કારણે વિસ્તારમાં પાણીજન્ય રોગચાળો વકરવાનો ભય ફેલાયો છે. સ્થાનિકો દ્વારા અનેકવાર કોર્પોરેશનમાં તથા સ્થાનિક કાઉન્સિલરોને રજુઆત કરવા છતાં પણ આ સમસ્યાનો નિવેડો લવાતો નથી.
ત્યારે રવિવારે સ્થાનિક રહીશોએ એકત્ર થઈ તંત્ર વિરુદ્ધ સુત્રોચાર કરી વિરોધ કર્યો હતો. વિસ્તારના સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે આ વિસ્તારના કાઉન્સિલરોને અમેં વારંવાર ફોન કર્યા છે.આજે સવારે પણ ફોન કર્યો હતો અને ના છુટકે અમારે આ વિરોધ કરવો પડ્યો છે. કાઉન્સિલર દ્વારા માત્ર ખોટા વાયદા આપવામાં આવી રહ્યા છે.
સોસાયટીમાં રહેતા બાળકોને ક્લાસમાં મુકવા જવાનું હોય છે.તો જઈ શકાતું નથી.ગોળ ગોળ ફરીને જવું પડી રહ્યું છે.વરસાદમાં તો અહીં પાણી ભરાઈ જાય છે.પરંતુ હવે તો ગટરો ઉભરાઇ રહી છે.તો કોઈ અહીં જોવા શુદ્ધા પણ આવતું નથી.કાઉન્સિલરોને ફોન કરી કરીને કંટાળી ગયા છે.પણ આ સમસ્યાનું કોઇ નિરાકરણ થતું નથી.
સ્ટ્રીટ લાઈટ પણ નથી,પાણી ભરાઈ ગયા છે.જેમાં ખાડા છે તે પણ દેખાતા નથી.ડેન્ગ્યુ,કોલેરાના કેસો પણ વધી રહ્યા છે.હાલ કોરોના ધીમે ધીમે ઓછો થઈ ગયો છે.ત્યારે આ પાણીજન્ય રોગ વકરી રહ્યા છે. તેથી અમે જઈ નથી શકતા આવી નથી શકતા.ઘણી મુશ્કેલીઓ પડી રહી છે જેથી વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવે તેવી અમારી માંગણી છે.