Top News Main

આસામમાં મોદીની કોંગ્રેસ પર કડક ચોટ,કહ્યું સ્વાર્થ માટે ભેદભાવ અને ઘૂસણખોરોને પ્રોત્સાહન આપ્યું

ચૂંટણી પૂર્વેના આસામ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર જોરદાર રાજકીય હુમલો કર્યો છે. શુક્રવારે કોકરાઝાર અને ગૌહાટીમાં વિકાસકાર્યોના લોકાર્પણ અને શિલાન્યાસ પ્રસંગે મોદીએ કોંગ્રેસને ઘૂસણખોરોની સાથી ગણાવી અને મતદારોને આવનારી ચૂંટણીમાં કોંગ્રેસને “સૌથી કડક સજા” આપવા અપીલ કરી

કોકરાઝારમાં વર્ચુઅલ સંબોધન દરમિયાન મોદીએ કહ્યું કે કોંગ્રેસનો હાથ હંમેશાં ઘૂસણખોરો સાથે રહ્યો છે. તેમણે આરોપ મૂક્યો કે દાયકાઓ સુધી કોંગ્રેસે આસામના મૂળ નિવાસીઓને જમીનના કાનૂની દસ્તાવેજો આપ્યા નહીં, આદિવાસી ઘણી જમીન ઘૂસણખોરોને સોંપી દીધી. ખાસ કરીને ધુબરી અને ગોલપાડા જેવા જિલ્લાઓમાં પરિસ્થિતિ ગંભીર બની ગઈ હતી, જેના કારણે બોડોલેન્ડના જનસાંખ્યિક સંતુલન પર પણ અસર પડી હોવાનું તેમણે જણાવ્યું

મોદીએ કહ્યું કે બોડોલેન્ડ વિસ્તાર વર્ષો સુધી કોંગ્રેસના “વિશ્વાસઘાત”નો સાક્ષી રહ્યો છે. દિલ્હીની કોંગ્રેસ સરકારોએ માત્ર દેખાવ માટે કાગળ પર કરાર કર્યા, પરંતુ જમીન પર કોઈ વાસ્તવિક ફેરફાર લાવ્યો નહીં. તેમણે દાવો કર્યો કે ભાજપે હિમંત બિસ્વ શર્માના નેતૃત્વમાં ઘૂસણખોરોના કબજામાંથી જમીન મુક્ત કરાવવા માટે મોટું અભિયાન ચલાવ્યું છે

કોંગ્રેસ પર સમુદાયો વચ્ચે ભેદભાવ ઊભો કરવાનો આરોપ મૂકતા મોદીએ કહ્યું કે કોંગ્રેસ સ્વાર્થની રાજનીતિ માટે સમાજને વહેંચતી રહી, જ્યારે ભાજપે કાયમી શાંતિ સ્થાપવા માટે કામ કર્યું. તેમણે કોંગ્રેસને “ખોટા વચનોની દુકાન” કહી અને આક્ષેપ કર્યો કે એક ખોટા વચન સાથે ચાર “સુપર જૂઠ” ભેટરૂપે આપે છે

ગૌહાટીમાં મોદીએ પશ્ચિમ એશિયાના યુદ્ધથી ઊભેલા વૈશ્વિક સંકટ મુદ્દે પણ કોંગ્રેસને નિશાન બનાવી. તેમણે કહ્યું કે કોંગ્રેસ હાલની પરિસ્થિતિમાં પણ અફવા અને ગેરમાર્ગે દોરતી માહિતી ફેલાવી રહી છે. આ સાથે તેમણે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના એક જૂના ભાષણનો ઉલ્લેખ કરીને કોંગ્રેસ પર લોકોમાં ગેરસમજ ફેલાવવાનો આરોપ લગાવ્યો

મોદીએ શુક્રવારે ગૌહાટી અને કોકરાઝારમાં મળીને ₹24,000 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યું. ગૌહાટીમાં તેમણે PM-KISAN યોજનાની 22મી કિસ્ત પણ દેશભરના 9.3 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં જારી કરી. આ સાથે જ શનિવારે તેઓ સિલચરમાં ₹23,550 કરોડના પ્રોજેક્ટ્સના શિલાન્યાસ કરશે

Most Popular

To Top