આણંદ : આંકલાવના હઠીપુરા પાસે શુક્રવારના રોજ વડોદરાના જીએસપીએલ કંપનીના ડ્રાઇવરની હત્યા કરી લાશ ફેંકી દીધી હતી. જોકે, આ હત્યા પાછળ તેમનો મિત્ર હોવાનું બહાર આવ્યું છે. હઠીપુરાના મિત્રએ દેવુ ચુકવવા લૂંટનો પ્લાન ઘડ્યો હતો અને સાથીદાર સાથે હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થતાં બન્નેની ધરપકડ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યાં છે.
આંકલાવના હઠીપુરા ગામની મોઇડી તળાવડી પાસે શુક્રવારના રોજ વડોદરાના હરણી રોડ પર રહેતા અને જીએસપીએલમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા વિજય વૈકુંટરાય વ્યાસ (ઉ.વ.45)ની લાશ મળી હતી. આ અંગે આંકલાવ પોલીસની ટીમે તપાસનો ધમધાટ શરૂ કર્યો હતો. વિજયભાઈ સાથે બે વરસ પહેલા સાથે નોકરી કરતા રણજીત ઉર્ફે મુકેશ અને સંજય નામના શખસે તેમની હત્યા કરી હોવાની શંકા તેમના પત્ની શીતલબહેને વ્યક્ત કરાતાં પોલીસે બન્નેની આગવી ઢબે પુછપરછ કરતા હત્યાની કબુલાત કરી હતી.
આ અંગે પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.કે. સોઢાએ જણાવ્યું હતું કે, વિજયભાઈ વ્યાસ તથા રણજીત ઉર્ફે મુકેશ બન્ને બે વરસ પહેલા જીએસપીએલ વડોદરા ખાતે સાથે નોકરી કરતાં હતાં. વિજય ચાંદીનું 900 ગ્રામ જેટલા વજનનું કડું પહેરતો હતો. આ ઉપરાંત થોડા ઘણા પૈસા પણ રાખતો હતો. બીજી તરફ રણજીતે જીએસપીએલની નોકરી છોડી દીધાં બાદ તેના પર દેવું થઇ જતાં બાઇક ગીરો મુકી રૂ.15 હજાર લીધાં હતાં.
આથી, રણજીતે તેના મિત્ર સંજય ઉર્ફે ઘોડી સાથે મળી વિજયને લૂંટી લેવા કારસો રચ્યો હતો. જે અંતર્ગત વિજયને ફોન કરી પાર્ટી કરવાના બહાને હઠીપુરા ખાતે બોલાવ્યો હતો. બાદમાં આંકલાવની મોવડી તલાવડી અવાવરૂ જગ્યા પર લઇ જઇ બન્ને જણાએ ભેગા મળી મુઢમાર મારી હત્યા કરી હતી. બાદમાં ચાંદીનું કડુ તથા મોબાઇલ લુંટી લીધાં હતાં અને લાશને તળાવ કિનારે ઢસડી ફેંકી દીધી હતી. હાલ રણજીત ઉર્ફે મુકેશ અંબાલાલ પરમાર (રહે. હઠીપુરા) અને સંજય ઉર્ફે ઘોડી નટુભાઈ ચૌહાણ (રહે. હઠીપુરા)ની ધરપકડ કરી કડું મેળવવા એક દિવસના રિમાન્ડ લેવામાં આવ્યાં છે.