National

આંધ્ર પ્રદેશમાં નાણાંથી ભરેલો છોટા હાથી ટેમ્પો પલટ્યો, 7 કરોડ રસ્તા પર વિખેરાયા

હૈદરાબાદ: આંધ્ર પ્રદેશમાં (Andhra Pradesh) શનિવારે ફરી એકવાર મોટી માત્રામાં રોકડ જપ્ત કરવામાં આવી હતી. અગાઉ શુક્રવારે પણ આંધ્ર પ્રદેશના NTR જિલ્લામાં રૂ. 8 કરોડ જપ્ત કરવામાં આવ્યા હતા. આજે શનિવારના રોજ બનેલ મામલો રાજ્યના પૂર્વ ગોદાવરી જિલ્લાનો (Godavari District) છે જ્યાં સાત કાર્ડબોર્ડ બોક્સમાં (Cardboard box) 7 કરોડ રૂપિયા છુપાવવામાં આવ્યા હતા.

નલ્લાજરલા મંડલના અનંતપલ્લીમાં એક ટાટા એસ એટલે કે છોટા હાથી ટેમ્પો એક લારી સાથે અથડાઈને પલટી ગયું હતું. બસ, અહીંથી આ રહસ્યનો ભાંડો ફુટ્યો હતો. ઘટના દરમિયાન સ્થાનિક લોકોએ જોયું કે છોટા હાથી ટેમ્પોમાં બોરીઓ વચ્ચે રોકડના 7 કાર્ડબોર્ડ બોક્સ લઈ જવામાં આવી રહ્યા હતા, જે ટેમ્પો પલટતાની સાથે જ રસ્તા ઉપર વિખેરાઇ ગયા હતા. ત્યાર બાદ સ્થાનીકોએ સમગ્ર મામલાની જાણ પોલીસને કરી હતી.

આ સાથે જ જપ્ત કરાયેલી રકમ લગભગ 7 કરોડ રૂપિયા હોવાનું સામે આવ્યું હતું. આ ઘટના ત્યારે બની જ્યારે છોટા હાથી ટેમ્પો વિજયવાડાથી વિશાખાપટ્ટનમ તરફ જઈ રહ્યો હતો. તેમજ આ અકસ્માતમાં સામેલ ટાટા એસ છોટા હાથી ટેમ્પોના ચાલકને ઈજાઓ પહોંચી છે અને તેને સારવાર માટે ગોપાલપુરમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

શુક્રવારે જ 8 કરોડની રોકડ મળી આવી હતી
આ પહેલા શુક્રવારે પણ આંધ્રપ્રદેશના NTR જિલ્લામાં પોલીસને મોટી સફળતા મળી હતી. અહીં ચેકિંગ દરમિયાન, પોલીસે પાઈપોથી ભરેલી ટ્રકમાંથી આશરે રૂ. 8 કરોડની રોકડ જપ્ત કરી હતી. પોલીસે ટ્રક અને પૈસા કબજે કર્યા હતા. આ સાથે જ તેમાં મુસાફરી કરી રહેલા બે લોકોને પણ કસ્ટડીમાં લીધા હતા.

પૈસા હૈદરાબાદથી ગુંટુર લઈ જવામાં આવી રહ્યા હતા
પોલીસના જણાવ્યા અનુસાર, NTR જિલ્લામાં ગરિકાપાડુ ચેકપોસ્ટ પર ચેકિંગ દરમિયાન ચલણી નોટોનો મોટો જથ્થો જપ્ત આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે પાઈપોથી ભરેલી ટ્રકમાં પૈસા એક અલગ કેબિનની અંદર રાખવામાં આવ્યા હતા. તેમજ જગગૈયાપેટ સર્કલ ઈન્સ્પેક્ટર ચંદ્ર શેખરે ઘટનાની પુષ્ટિ કરી છે.

આ જથ્થો હૈદરાબાદથી ગુંટુર લઈ જવામાં આવી રહ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે તેઓ આ રકમ જિલ્લા તપાસ ટીમોને સોંપશે અને ચૂંટણી પંચના અધિકારીઓ અને ફ્લાઈંગ સ્કવોડ ટીમ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે.

ચોથા તબક્કામાં આંધ્રપ્રદેશની તમામ 25 બેઠકો પર મતદાન થશે
આંધ્ર પ્રદેશમાં 25 બેઠકો માટે એક જ તબક્કામાં મતદાન થશે. જે ચોથા તબક્કામાં 13 મે ના રોજ યોજાશે. જેમાં અરાકુ, શ્રીકાકુલમ, વિઝિયાનગરમ, વિશાખાપટ્ટનમ, અનાકાપલ્લે, કાકીનાડા, અમલાપુરમ, રાજમુન્દ્રી, નરસાપુરમ, એલુરુ, માછલીપટ્ટનમ, વિજયવાડા, ગુંટુર, નરસરાઓપેટ, બાપટલા, ઓંગોલ, નંદ્યાલ, કુર્નૂલ, અનંતપુર, હિન્દુપુર, કુડ્ડાપાહ, નેલ્લોર, તિરુપતિ (આરક્ષિત), રાજમપેટ અને ચિત્તૂરની બેઠકોનો સમાવેશ થાય છે.

Most Popular

To Top