આણંદ : આણંદમાં કામધેનુ યુનિવર્સિટી અને વેટરનરી કોલેજમાં અભ્યાસ કરતા છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓએ ઇન્ટરશીપ દરમિયાન ચુકવવામાં આવતા ભથ્થામાં વધારો કરવાને લઇ હડતાલનું શસ્ત્ર ઉગમાવ્યું છે. વેટરનરી ડોક્ટરો અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા છે અને સોમવારના રોજ બેનર સાથે સૂત્રોચ્ચાર કરી રેલી યોજી હતી. જ્યાં સુધી માંગણી સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી હડતાલને યથાવત રાખશે. આણંદની કામધેનુ યુનિવર્સિટીના તાબામાં આવતી આણંદ વેટરનરી કોલેજના વિદ્યાર્થીઓ વિવિધ માંગણીઓને લઈને હડતાલ પર ઉતર્યા છે, સોમવારના રોજ આણંદના ટાઉનહોલ ખાતે વેટરનરીના વિદ્યાર્થીઓએ રેલી યોજી હતી.
પશુ ચિકિત્સક અને પશુપાલનના સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો નિયતકારી સંસ્થા વેટરનરી કાઉન્સિલ ઓફ ઈન્ડીયા (વિસી) અને ન્યુ દિલ્હીના નિયમો અનુસાર ચલાવવામાં આવે છે. જે અંતર્ગત અંતિમ વર્ષનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને છેલ્લા વર્ષે એક વર્ષ માટે તાલીમ લેવી જરૂરી હોય છે. ગુજરાત સરકારની વેટરનરી એન્ડ એનિમલ સાયન્સ કોલેજ દાંતીવાડા, જૂનાગઢ, નવસારી અને આણંદની કોલેજના વિદ્યાર્થીઓને અન્ય રાજ્યની કોલેજો કરતા ઓછું ભથ્થું અપાય છે. વિદ્યાર્થીઓને અન્ય રાજ્યની કોલેજ કરતા ઓછું ભથ્થું અપાતા વિદ્યાર્થીઓ પોતાની માંગણીને લઇ હાલ મળતાં 4,200 ના ભથ્થાંને વધારીને 18,500નું પ્રતિ માસ ભથ્થું આપવામાં આવે તેવી માગણી કરી છે.