આણંદ : આણંદમાં અનિશ્ચિતકાળની હડતાલ પર ઉતરેલા ઇન્ટરનશિપ વેટરનરી ડોકટરો પીછેહઠ કરવાના મૂડમાં નથી. આ હળતાલ અતંર્ગત ત્રીજા દિવસે પોતાના લોહીથી પત્ર લખીને મુખ્યમંત્રી અને અધિકારીઓને મોકલ્યા બાદ ગુરૂવારે પાચમાં દિવસે વિદ્યાર્થીઓએ મુંડન કરાવી અને ભૂખ હડતાળ પર બેસીને વિરોધ કર્યો હતો. આમ સતત પાંચ દિવસથી ચાલતી આ હડતાલને પગલે હજુ પણ સરકારના પેટનું પાણી હાલ્યું નથી. આણંદ જિલ્લાની કામધેનુ યુનિવર્સિટી અંતર્ગતની આણંદ વેટરનરી કોલેજ ખાતે અભ્યાસ કરતા અને અંતિમ વર્ષે ઇન્ટરનશિપ કરતા વિદ્યાર્થીઓના ઓછા ભથ્થાના અન્યાયને લઈને વિરોધ થઈ રહ્યો છે.
પ્રથમ અને બીજા દિવસે રેલી કાઢીને વિરોધ કર્યા બાદ ત્રીજા દિવસે ઇન્ટરનશિપ વેટરનરી ડોક્ટરોએ પોતાના લોહીથી પત્ર લખીને ગુજરાતના મુખ્યમંત્રી અને હોદ્દેદારોને પત્ર લખીને આ મુદ્દે જલદી નિરાકરણ લાવવાની માંગણી કરી હતી. જે બાદ પણ સરકાર તરફથી કોઈ જ પ્રતિઉત્તર નહિ મળતાં 5મી ઓગસ્ટને શુક્રવારે વેટરનરી કોલેજ ખાતે વિદ્યાર્થીઓએ મુંડન કરાવીને અનોખો વિરોધ કર્યો હતો. હાલ લમ્પી જેવા ડીસીઝનો સમગ્ર રાજ્યમાં ભય સતાવી રહ્યો છે ત્યારે પશુઓના આરોગ્યની સેવા કરતા તબીબો હડતાલ પર ઉતરતા કામગીરી અટકી પડી છે.