આણંદ : આણંદમાં મકાન ભાડે રાખી ધંધો કરતાં વેપારીનો કોરોનામાં વેપાર બંધ થતાં તે તેના વતન ગોધરા પત્નીને મુકી જતો રહ્યો હતો. આ ઉપરાંત તેણે આ ગાળા પત્નીના ફોન પણ રિસીવર કર્યાં નહતાં. આખરે કંટાળી પત્નીએ અભયમ્ માં જાણ કરતાં ટીમ કામે લાગી હતી અને કાઉન્સેલીંગ કરતાં યુવક પરત રહેવા આવી ગયો હતો. ગોધરાના વતની યુવતીએ વિસેક વર્ષ પહેલા સ્થાનિક યુવક સાથે પ્રેમલગ્ન કર્યું હતું. શરૂઆતમાં સાસરીયામાં રહ્યા બાદ સાસુ સાથે મનદુઃખ થતાં બન્ને પતિ – પત્ની આણંદ ખાતે રહેવા આવી ગયાં હતાં અને અહીં નાનો વ્યવસાય કરતી સ્થાયી થયાં હતાં. દરમિયાનમાં કોરોના કાળ દરમિયાન વ્યવસાય બંધ થતાં યુવક બેરોજગાર બની ગયો હતો.
થોડા સમય આમતેમ રોજગારી માટે ફાંફાં માર્યા બાદ કશુ ન મળતાં છ મહિલા પહેલા તે તેના વતન ગોધરા માતા ભેગો રહેવા જતો રહ્યો હતો. પરંતુ તેની પત્ની આણંદ ખાતે એકલી જ રહેતી હતી. ભાડાના મકાનમાં રહેતી પરિણીતાએ પતિને પરત બોલાવવા ફોન કરતા તેણે રિસીવ પણ કર્યાં નહતાં. આ ઉપરાંત સામેથી પણ કોલ કર્યાં નહતાં. આણંદ રહેતી પરિણીતા આર્થીક સંકડામણ ઉભી થતાં તેણે ટીફીન સહિતનું કામ ચાલુ કરી આજીવીકા શરૂ કરી હતી. પરંતુ આમને આમ છ મહિના વિતવા છતાં તેના પતિ તરફથી કોઇ પ્રેમ લાગણી ન મળતાં આખરે તેણે 181 અભયમમાં જાણ કરી હતી. જેના પગલે પહોંચેલી ટીમે તેના પતિને આણંદ બોલાવી કાઉન્સેલીંગ કર્યું હતું અને કાયદાકીય બાબત જણાવતાં તેણે ભુલ સ્વીકારી હતી. બાદમાં આણંદ ખાતે પત્ની સાથે જ રહેવા વચન આપ્યું હતું.