આણંદ : આણંદ જિલ્લામાં લમ્પી સ્કીન ડીસીઝના શંકાસ્પદ કેસો જણાતાં જ કલેકટર મનોજ દક્ષિણી અને જિલ્લા વિકાસ અધિકારી મિલિન્દ બાપનાએ આ અંગેની તાકીદની બેઠક બોલાવીને તરત અસરગ્રસ્ત ગામોમાં રસીકરણની કામગીરી યુધ્ધના ધોરણે શરૂ કરવાની સુચનાઓ આપી હતી. આણંદ જિલ્લામાં લમ્પી સ્કીન ડીસીઝના રોગચાળાથી પશુધનને બચાવવા માટે અમુલ ડેરી તથા પશુપાલન વિભાગ દ્વારા જિલ્લાના ઉમરેઠ તાલુકા સિવાયના તમામ ગામોમાં પશુઓને રસી મૂકવાની કામગીરી યુધ્ધના ધોરણે આરંભી દેવામાં આવી હતી. જે અંતર્ગત અત્યાર સુધીમાં જિલ્લાના અસરગ્રસ્ત તમામ 79 ગામોમાં કુલ 9193 પશુઓને રસી મૂકી દેવામાં આવી છે. આ ઉપરાંત રોગચાળાનું સંક્રમણ ફેલાવા ન પામે તે ગામે જિલ્લાના અન્ય વિસ્તારો સહિત ગૌશાળાઓમાં પણ રસીકરણની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે.
આ અંગે જિલ્લાના નાયબ પશુપાલન નિયામક સ્નેહલ પટેલે જણાવ્યું હતું કે, ઉમરેઠ સિવાયના બાકીના સાત તાલુકાઓના 79 ગામોમાં 147 પશુઓ અસરગ્રસ્ત થયા છે. જેમાં આણંદ જિલ્લાના 10 ગામના 13 પશુઓ, આંકલાવ તાલુકાના 6 ગામના 6 પશુઓ, બોરસદ તાલુકાના 11 ગામના 21 પશુ, પેટલાદ તાલુકાના 15 ગામના 47 પશુ, ખંભાત તાલુકાના 19 ગામના 31 પશુ, તારાપુર તાલુકાના 14 ગામના 24 પશુ અને સોજિત્રા તાલુકાના 4 ગામના 5 પશુઓનો સમાવેશ થાય છે. આ તમામ અસરગ્રસ્ત ગામોના પશુઓની રસીકરણ કામગીરી કરવામાં આવી રહી છે.
પશુને રાખવાની જગ્યા સ્વચ્છ રાખવા સુચના
પાંજરાપોળો, ગૌશાળા અને ગ્રામ્ય વિસ્તારોમાં મચ્છર, ઇતરડીનો ફેલાવો અટકાવવા માટે દવાનો છંટકાવ તથા પશુઓને રાખવાની જગ્યાઓ સ્વચ્છ રાખવા જેવી સૂચનાઓ પશુપાલકોને આપવામાં આવી રહી હોવાની સાથે જિલ્લા વહીવટી તંત્ર, પશુપાલન વિભાગ અને અમૂલ ડેરી દ્વારા રોગને ઉગતો ડામી દેવા માટેના અસરકારક પગલાં લેવામાં આવી રહ્યા હોવાનું જણાવી જિલ્લાના અસરગ્રસ્ત તમામ પશુઓને સારવાર હેઠળ યુધ્ધના ધોરણે આવરી લેવામાં આવતાં જિલ્લામાં કોઇપણ પશુનું મરણ થવા પામેલ નથી.