Madhya Gujarat

આણંદમાં હાથીપગો રોગને નાથવા રાત્રે લોહીના નમૂના લેશે

આણંદ : આણંદ જિલ્લા પંચાયતના જિલ્લા મેલેરિયા અધિકારી દ્વારા હાથીપગા રોગને નાથવા માટે રાત્રિના લોહીના નમૂના લેવાનો નિર્ણય કર્યો છે. આણંદ જિલ્લામાં હાથીપગો રોગ સામે સાવચેતીના ભાગરૂપે જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા નાઈટ બ્લડ સર્વેલન્સની કામગીરી શરૂ કરવામાં આવી છે. કારણ કે, હાથીપગો રોગના જીવાણુઓ રાત્રીના સમયે જ લોહીમાં પરિભ્રણ કરતાં હોવાથી આરોગ્યતંત્ર દ્વારા રાત્રે 8થી 12ના સમયગાળામાં લોહીના નમૂના લઈ ચકાસણી કરવામાં આવે છે.
આણંદ જિલ્લા પંચાયતના જિલ્લા મેલેરીયા અધિકારીએ જણાવ્યાનુસાર, હાથીપગો (ફાઇલેરીયા) એ લીમફએટિક ફાઇલેરીયાસીસ કૃમિથી થતો રોગ છે.

જે સામાન્ય રીતે ગંદા પાણીમાં થતા માદા ક્યુલેક્સ ચેપી મચ્છરો દ્વારા ફેલાય છે. આ રોગમાં ચેપ લાગ્યાના શરૂઆતમાં કોઈ લક્ષણો દેખાતા નથી, પરંતુ 6થી 8 વર્ષ બાદ હાથ-પગ સૂજી જવા, લસીકા ગ્રંથીઓ ફૂલી જવી અથવા હાઈડ્રોસીલ જેવા લક્ષણો જોવા મળે છે. જે શરીરના કોઈ પણ અંગને અસર કરે છે. આ રોગના જીવાણુઓ રાત્રીના સમયે જ લોહીમાં પરિભ્રણ કરતાં હોવાથી આરોગ્યતંત્ર દ્વારા રાત્રે 8થી 12ના સમયગાળામાં જ લોહીના નમૂના લેવામાં આવે છે. લોહીના પરીક્ષણમાં જો કોઈ વ્યક્તિમાં આ રોગના જીવાણુઓ દેખાય તો તાત્કાલિક સારવાર આપી ચેપ ફેલાતો અટકાવી શકાય છે.

જેને ધ્યાને લઈ રાજ્ય સરકારની સુચના અન્વયે આણંદ જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મેઘા મહેતાના અને ઇન્ચાર્જ જિલ્લા મેલેરીયા અધિકારી ડૉ. રાજેશ પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ તાલુકાઓમાં તાલુકા આરોગ્ય અધિકારી અને આરોગ્ય કર્મચારીઓ દ્વારા 15મી જાન્યુઆરીથી નાઈટ બ્લડ સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં 1874 લોહીના નમૂના લેવામાં આવ્યાં છે. જોકે, એક પણ પોઝીટીવ રિપોર્ટ આવ્યો નથી. જેથી તંત્રએ હાશકારો લીધો છે. આ કામગીરી 31મી જાન્યુઆરી સુધી કરવામાં આવશે.

આરોગ્ય વિભાગે વધુમાં જણાવ્યું હતું કે, આ રોગનો ફેલાવો કરતાં માદા ક્યુલેકસ મચ્છરો ગંદા પાણીમાં જ પેદા થતાં હોવાથી જાહેર જનતાને તેમની આસપાસના વિસ્તારમાં ગંદુ પાણી જમા ન થવા દેવા, તેમજ મચ્છર કરડે નહી તે માટે મચ્છરદાનીનો ઉપયોગ કરવા ઉપરાંત હાલ બાકરોલ, વેરખાડી, ઉમરેઠ, સુંદલપુરા, બોરસદ, બોચાસણ, આંકલાવ, બામણગામ, પેટલાદ, સિમરડા, સોજીત્રા, દેવા-તળપદ, ખંભાત (લાલ દરવાજા), કલમસર, તારાપુર તેમજ ખડામાં ચાલી રહેલી લોહી ચકસણીની કામગીરીનો લોકોને વધુમાં વધુ લાભ લેવા અપીલ કરી છે.

Most Popular

To Top